જ્યાં સુધી આપણા જવાનો સરહદ પર છે, ભારતની 1 ઇંચ જમીન કોઈ કબજે કરી નહીં શકેઃ શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ઉત્તરાખંડના દહેરાદૂનમાં ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના 62મા સ્થાપના દિવસ સમારોહને મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યું હતું. પોતાનાં સંબોધનમાં અમિત શાહે કહ્યું કે જ્યારે દિવાળી પર દેશનાં લોકો પોતાનાં ઘરોમાં દીવો પ્રગટાવે છે, ત્યારે તેઓ સરહદ પર તૈનાત આપણા બહાદુર સૈનિકો માટે પણ દીવો પ્રગટાવે છે. તેમણે કહ્યું કે દેશના 130 કરોડ લોકો બહાદુર સૈનિકોનાં બલિદાન, સાહસ અને વીરતાનું પૂરાં દિલથી સન્માન કરે છે. તેમણે કહ્યું કે દેશનાં લોકો આખું વર્ષ શાંતિથી ઊંઘે છે કારણ કે દેશના બહાદુર સૈનિકો સરહદો પર દેશની સુરક્ષા માટે તેમનાં જીવનનાં સુવર્ણ વર્ષો સમર્પિત કરે છે. અમિત શાહે કહ્યું કે હિમવીરોનું બલિદાન અને સેવા અમૂલ્ય છે અને આખો દેશ તેને નમન કરે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આજે ITBPનો સ્થાપના દિવસ છે અને શૌર્ય, દ્રઢતા અને કર્મનિષ્ઠાના ધ્યેય સાથે આપણા હિમવીરોએ છેલ્લાં 62 વર્ષથી ભારતની દુર્ગમ સરહદોની રક્ષા કરી છે. તેમણે કહ્યું કે ITBPની પરંપરા રહી છે કે તે સાવચેત રહે અને માઇનસ 45 ડિગ્રી તાપમાનમાં દેશની સરહદોની રક્ષા કરે અને સર્વોચ્ચ બલિદાન આપવા માટે હંમેશા તૈયાર રહે. અમિત શાહે જણાવ્યું હતું કે, 62 વર્ષ પહેલાં 7 વિભાગો સાથે શરૂ થયેલી ITBP આજે એક લાખ હિમવીર, 60 બટાલિયન, 17 તાલીમ કેન્દ્રો, 16 સેક્ટર, 5 સરહદો અને 2 કમાન્ડ હેડ ક્વાર્ટર્સ સાથે એક મજબૂત દળ તરીકે ઉભરી આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં હિમવીરોની માગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સેનાની તર્જ પર હવાઈ અને રેલમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ) માટે પણ ક્વોટા નક્કી કર્યો છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, આજે હાથ ધરવામાં આવેલી ઘણી નવી પહેલમાં સેલ્ફ સસ્ટેનેબલ એનર્જી બિલ્ડિંગ (SSEB) ખૂબ જ ખાસ છે કારણ કે ઠંડાં રણમાં 17,000 ફૂટની ઊંચાઈએ બાંધવામાં આવેલું આ ભવન આત્મનિર્ભર ભારતનું પ્રતીક બનશે. તેમણે કહ્યું કે આ ઈમારત દેશના PM નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રાલય તરફથી હિમવીરોને દિવાળીની અનોખી ભેટ છે. અમિત શાહે કહ્યું કે જ્યારે બહારનું તાપમાન શૂન્યથી નીચે 40-45 ડિગ્રી સુધી ઘટી જાય છે અને પેટ્રોલ અથવા ડીઝલનો પણ ઉપયોગ કરી શકાતો નથી, ત્યારે આ ઇમારત સૈનિકોને 18-19 ડિગ્રીના તાપમાન પર સુરક્ષિત રાખશે. તેમણે કહ્યું કે સેલ્ફ સસ્ટેનેબલ એનર્જી બિલ્ડિંગ માત્ર 2 મહિનામાં પૂર્ણ થઈ હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે ઊંચાઈ અને મુશ્કેલ વિસ્તારોમાં સ્થિત બી. ઓ. પી. (બોર્ડર ઓબ્ઝર્વેશન પોસ્ટ) પર શાકભાજી, દવાઓ અને અન્ય આવશ્યક લોજિસ્ટિક્સ વસ્તુઓના પુરવઠા માટે ડ્રોનનો ઉપયોગ કરવાનો વિચાર PM મોદી દ્વારા આપણા બધાની સામે મૂકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ વિઝનને સાકાર કરવા માટે, પ્રથમ ડ્રોન આજે 15 કિલો દવાઓ અને શાકભાજી લઈને દૂરના વિસ્તારમાં પહોંચી ગયું છે, આ એક મોટું પગલું છે. તેમણે કહ્યું કે આજે શરૂ થયેલી ડ્રોન સેવા માત્ર આપણા હિમવીર માટે જ નહીં પરંતુ સરહદી ગામોના લોકો માટે પણ ફાયદાકારક સાબિત થશે. અમિત શાહે જણાવ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારોમાં સુરક્ષા જાળવવા માટે અંતરાયોને ભરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ અંતરાયોને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે તાજેતરમાં, ગૃહ મંત્રાલયની પહેલ પર, PM નરેન્દ્ર મોદીએ ITBPની 7 બટાલિયનને મંજૂરી આપી છે અને ITBPની સ્થાપના પછી આ પ્રથમ વખત છે કે 7 બટાલિયનને એકસાથે મંજૂરી આપવામાં આવી છે અને 7 બટાલિયનમાંથી 4ને ટૂંક સમયમાં તૈનાત કરવામાં આવશે. અમિત શાહે જણાવ્યું હતું કે, આ 7 બટાલિયન અને 1 સેક્ટર હેડક્વાર્ટરનું આશરે રૂ. 3000 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.

અમિત શાહે કહ્યું કે ITBP શૌર્ય, દ્રઢતા અને કર્મનિષ્ઠા માટે જાણીતું છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં 7516 કિલોમીટર લાંબો દરિયાકિનારો અને 15,000 કિલોમીટરથી વધુ જમીન સરહદ છે. તેમણે કહ્યું કે ભારત 7 દેશો સાથે તેની જમીન સરહદો વહેંચે છે અને હિમાલય ક્ષેત્રમાં સરહદોની સુરક્ષાની જવાબદારી ITBPને સોંપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આપણા બહાદુર હિમવીરોએ સૌથી મુશ્કેલ વિસ્તારોમાં શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે સરહદોની રક્ષા કરી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, ITBPએ 6 દાયકાની સતત સેવામાં 7 પદ્મ, 2 કીર્તિ ચક્ર, 6 શૌર્ય ચક્ર, 19 રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રકો, 14 તેનઝિંગ નોર્ગે સાહસિક ચંદ્રકો અને અન્ય ઘણા ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે, જે આ દળની બહાદુરી અને બલિદાનનું પ્રતીક છે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી આપણા ITBP અને સેનાના જવાનો સરહદ પર તૈનાત છે, ત્યાં સુધી ભારતની એક ઇંચ જમીન પર પણ કોઈ કબજો કરી શકશે નહીં. તેમણે કહ્યું કે હવે હિમ વીરાંગનાઓ પણ દેશની સરહદોની સુરક્ષા માટે ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ આવા અંતરિયાળ વિસ્તારમાં દેશની સરહદોની સુરક્ષા માટે તૈનાત હિમ વીરાંગનાઓને વિશેષ અભિનંદન આપ્યા અને શુભેચ્છાઓ આપી.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે રમતગમતનાં ક્ષેત્રમાં ITBPની ભાગીદારીમાં પણ ઘણો વધારો થયો છે, જે ખૂબ પ્રશંસનીય છે. આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ માટેના પ્રયાસોમાં ITBPએ અંતરિયાળ વિસ્તારોમાં 36 લાખથી વધુ રોપાઓનું વાવેતર કર્યું છે. તેમણે તમામ સૈનિકોને વૃક્ષો સાથે જોડાવા જણાવ્યું હતું, જેનાથી તેમનાં મનમાં મોટું પરિવર્તન અને સંવેદનશીલતા તો આવશે જ, પણ વૃક્ષોના ઉછેર સાથેનું આ જોડાણ સૈનિકોનાં મનમાં પણ મોટું પરિવર્તન લાવશે. અમિત શાહે જણાવ્યું હતું કે, આ 36 લાખ રોપાઓ 5 વર્ષમાં મોટાં વૃક્ષો બની જશે અને દેશ તેમજ સમગ્ર વિશ્વનાં પર્યાવરણને શુદ્ધ કરશે. અમિત શાહે જણાવ્યું હતું કે, તાજેતરમાં PM મોદીએ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ મારફતે દેશને એક નવો કોન્સેપ્ટ પ્રસ્તુત કર્યો છે. અગાઉ સરહદ પર આવેલું ગામ દેશનું છેલ્લું ગામ તરીકે જાણીતું હતું, પરંતુ PM મોદી ત્યાં ગયા અને કહ્યું કે આ છેલ્લું ગામ નથી, પરંતુ દેશનું પહેલું ગામ છે. અમિત શાહે જણાવ્યું હતું કે, PM મોદીએ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની શરૂઆત માત્ર સરહદ પર આવેલાં ગામડાંઓની વસ્તીને ટકાવી રાખવા માટે જ નહીં પરંતુ તેને વધારવા અને દેશના અન્ય ભાગોની જેમ સુવિધાઓ પૂરી પાડવાના અભિગમ સાથે કરી છે. અમિત શાહે કહ્યું કે આ કાર્યક્રમના પ્રથમ તબક્કામાં મોદી સરકારે 4800 કરોડ રૂપિયાનાં બજેટ સાથે 19 જિલ્લાના 46 બ્લોકનાં 662 ગામડાંઓમાં વીજળી, રસ્તાઓ, રોજગારી, કૌશલ્ય વિકાસ, શિક્ષણ અને આરોગ્યને સુવ્યવસ્થિત કરવા માટે કામ કર્યું છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, દેશની સરહદોની સુરક્ષાની જવાબદારી હિમવીરોની છે, પરંતુ જો આ સરહદી ગામો ખાલી થઈ જશે તો આ કામમાં ઘણી સમસ્યાઓ આવશે. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં પણ આપણા સીએપીએફ તૈનાત કરવામાં આવે છે, ત્યાં આપણે તેમને વિકાસ કાર્યો માટે નોડલ એજન્સી તરીકે સ્વીકારવા જોઈએ અને તમામ સુવિધાઓ ગામડાંઓ સુધી પહોંચે તે માટે કામ થવું જોઈએ. અમિત શાહે જણાવ્યું હતું કે, આગામી વર્ષ દરમિયાન 168 ગામોને માર્ગ, વીજળી, દૂરસંચાર અને સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, સરહદો પર સુવિધાઓના વિકાસ વિના દેશ સુરક્ષિત રહી શકે નહીં. તેમણે કહ્યું કે 2014 પહેલા ભારત-ચીન સીમા સુવિધાઓના વિકાસ પર સરેરાશ ખર્ચ દર વર્ષે 4000 કરોડ રૂપિયા હતો, પરંતુ PM મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં 9 વર્ષોમાં આને વધારીને 12,340 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ભારત સરકારે સરહદ પર રસ્તાઓ બનાવવા, બી.ઓ.પી. બનાવવા, જવાનો માટે સુવિધાઓ સુનિશ્ચિત કરવા અને ગામડાંઓમાં સુવિધાઓ પૂરી પાડવા માટે ખર્ચમાં ત્રણ ગણો વધારો કર્યો છે. અમિત શાહે કહ્યું કે મોદી સરકારે આ મુશ્કેલ વિસ્તારમાં 350થી વધુ પુલો અને કલ્વર્ટ્સનું નિર્માણ કર્યું છે. તેમણે કહ્યું કે સરકારે છેલ્લાં 9 વર્ષમાં સૈનિકોનાં કલ્યાણ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે.

અમિત શાહે કહ્યું કે PM મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં 9 વર્ષમાં દેશની આંતરિક સુરક્ષાની સ્થિતિમાં ઘણો ફેરફાર થયો છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી આપણે આતંકવાદ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવામાં સફળ થયા છીએ. મૃત્યુઆંકમાં 72 ટકાનો ઘટાડો નોંધાયો છે. ડાબેરી ઉગ્રવાદમાં 80 ટકા ઘટાડો થયો છે. અમિત શાહે જણાવ્યું હતું કે, PM મોદીનાં નેતૃત્વમાં દેશની આંતરિક સુરક્ષાની સ્થિતિ ખૂબ જ મજબૂત બની રહી છે અને આપણા હિમવીર સરહદોની સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે આઝાદીનું અમૃત વર્ષ હમણાં જ સમાપ્ત થયું છે અને આઝાદીના અમૃત કાળ દરમિયાન આપણે બધાએ 2047 સુધીમાં ભારતને વિશ્વનાં દરેક ક્ષેત્રમાં પ્રથમ બનાવવાનો સંકલ્પ લેવો પડશે. અમિત શાહે કહ્યું કે 2047 સુધીમાં આપણે ભારતને એક એવો દેશ બનાવવો પડશે જે દરેક ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરે.

About The Author

Top News

CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે મિની ઓક્શન 15 ડિસેમ્બરે થવાની સંભાવના છે. ઓક્શન અગાઉ બધી 10...
Sports 
CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

બેંગ્લોરના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક...
National 
એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક એક ઇકો વાનમાં જોરદાર ધમાકો થયો છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. આ...
National 
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ

દરેક માતા–પિતાને ઈચ્છા હોય છે કે તેમનું બાળક દિવસની શરૂઆત એક સુંદર સ્મિતથી કરે અને તેનું મન પણ શાંત અને...
Charcha Patra 
તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.