- National
- BBC ઈન્ડિયા પર EDએ 3.44 કરોડ રૂપિયાનો દંડ કેમ ફટકારી દીધો?
BBC ઈન્ડિયા પર EDએ 3.44 કરોડ રૂપિયાનો દંડ કેમ ફટકારી દીધો?

તપાસ એજન્સી EDએ BBC વર્લ્ડ સર્વિસ ઈન્ડિયા (BBC WS India) ન્યૂઝ ઓર્ગેનાઈઝેશન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) નિયમોના કથિત ઉલ્લંઘન બદલ સંસ્થા પર 3 કરોડ 44 લાખ 48 હજાર રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ બ્રિટિશ બ્રોડકાસ્ટર્સ વિરુદ્વ એક આદેશ જાહેર કરતા તેના 3 ડિરેક્ટરો પર 1.14 કરોડ રૂપિયાથી વધુનો દંડ પણ ફટકાર્યો હતો.
FEMA કાયદા હેઠળના વિભિન્ન ઉલ્લંઘનો માટે 4 ઑગસ્ટ, 2023ના રોજ, BBC WS India, તેના 3 ડિરેક્ટરો અને ફાઇનાન્સ ચીફને કારણ બતાવો નોટિસ જાહેર કર્યા બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ, BBC WS India, જે 100 ટકા FDI ધરાવતી કંપની છે, તે ડિજિટલ મીડિયાના માધ્યમથી સમાચારો અને વર્તમાન બાબતોને અપલોડ/સ્ટ્રીમ કરવાનું કામ કરે છે, પરંતુ તેણે પોતાની FDI ઘટાડીને 26 ટકા કરી નથી, પરંતુ તેને 100 ટકા જ રાખી છે, જે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમોનું ઘોર ઉલ્લંઘન છે.
અધિકારીઓએ જણાવ્યું કે BBC WS Indiaને કુલ 3,44,48,850 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, 15 ઓક્ટોબર 2021 થી નિયમોનું પાલન કરવાની તારીખ સુધી રોજ 5,000 રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. BBCના 3 ડિરેક્ટર્સ- જાઈલ્સ એન્ટોની હંટ, ઈન્દુ શેખર સિંહા અને પોલ માઈકલ ગિબન્સ પર ઉલ્લંઘનના સમયગાળા દરમિયાન કંપનીની કામગીરીની દેખરેખમાં તેમની ભૂમિકા બદલ 1,14,82,950 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.