- National
- શું સંચાર સાથી એપ મોબાઈલથી ડિલીટ કરી શકાશે? સરકારે કરી સ્પષ્ટતા
શું સંચાર સાથી એપ મોબાઈલથી ડિલીટ કરી શકાશે? સરકારે કરી સ્પષ્ટતા
સંચાર સાથી (Sanchar Saathi) એપ અને ટેલિકોમ નિયમ '7B' ને લઈને ચાલી રહેલા વિવાદ અને અફવાઓ પર કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે મહત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે સંસદમાં અને જાહેર મંચ પર સ્પષ્ટ કહ્યું છે કે સરકારનો ઉદ્દેશ્ય માત્ર નાગરિકોની સુરક્ષા છે અને આ એપને લઈને ફેલાયેલી વાતો પાયાવિહોણી છે.
સિંધિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "જાહેર ક્ષેત્રમાં જે અફવાઓ ચાલી રહી છે તેના પર ધ્યાન ન આપો. નિયમ 7B ક્યાંય એવું નથી કહેતો કે તમે (યુઝર) એપને અનઇન્સ્ટોલ (ડિલીટ) કરી શકતા નથી. સમસ્યા એ છે કે જ્યારે આપણે વિગતોમાં નથી જતા ત્યારે વાસ્તવિકતા ક્યાંક ખોવાઈ જાય છે."
https://twitter.com/ANI/status/1996126116927377898
નિયમ 7B કોના માટે છે?: સિંધિયાએ સ્પષ્ટતા કરી કે, "7B નિયમ યુઝર્સ માટે નથી, તે મોબાઈલ ઉત્પાદકો (manufacturers) માટે છે. આ નિયમ મુજબ ઉત્પાદકોએ ફોનમાં એપ ઇન્સ્ટોલ કરવી જરૂરી છે અને યુઝર તેને સરળતાથી એક્સેસ કરી શકે તેમાં કોઈ અવરોધ ન હોવો જોઈએ. પરંતુ ક્યાંય એવું લખ્યું નથી કે યુઝર આ એપને ડિલીટ ન કરી શકે."
નિયમનો ખોટો અર્થ: તેમણે કહ્યું કે 7B નિયમનો ખોટો અર્થઘટન કરવામાં આવ્યો છે (misconstrued).
સરકારનો ઉદ્દેશ્ય: તેમણે સંસદમાં આપેલા નિવેદનનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, "અમારો એક જ ઉદ્દેશ્ય છે - સામાન્ય જનતાની સુરક્ષા. આપણે સામાન્ય લોકોને છેતરપિંડી (Fraud) નામના કેન્સરથી બચાવવાના છે. હવે આપણે નક્કી કરવું પડશે કે લોકોને આ ફ્રોડથી બચાવવા છે કે પછી આ ફ્રોડને ચાલવા દેવો છે."

નિયમોમાં ફેરફારની તૈયારી: અંતમાં તેમણે ખાતરી આપી કે સરકાર જનતાનો અવાજ સાંભળી રહી છે. "અમને જે ફીડબેક મળ્યો છે તેના આધારે અમે નિયમોમાં સુધારો કરવા માટે તૈયાર છીએ અને મેં સંસદમાં પણ આ વાત કહી છે. અમે કોઈ જીદ પકડીને બેઠા નથી (We are not adamant)."
વિપક્ષે શું ચિંતા વ્યક્ત કરી હતી?
પ્રશ્નકાળ દરમિયાન, કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ ગોપનીયતા (Privacy) અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું હતું કે, "સંચાર સાથી એપના પ્રી-ઇન્સ્ટોલેશન માટેનો આદેશ પસાર કરવામાં આવ્યો છે. મંત્રીજી કહે છે કે યુઝર તેને ડિલીટ કરી શકે છે. પરંતુ જ્યારે કોઈ એપ પ્રી-લોડેડ (પહેલેથી જ ફોનમાં) હોય છે, ત્યારે તેને ડિસેબલ કર્યા પછી પણ યુઝર્સને ખબર નથી હોતી કે તેના તમામ ફીચર્સ બંધ થયા છે કે નહીં. શું આ પ્રાઈવસી પર હુમલો નથી? જાસૂસી અંગે ચિંતાઓ છે."
કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાના પ્રશ્નનો જવાબ આપતા સિંધિયાએ કહ્યું:
-
સુરક્ષા પ્રાથમિકતા: "હું રાષ્ટ્રની સામે તમામ તથ્યો મૂકવા માંગુ છું. આપણી પાસે એક અબજ મોબાઈલ યુઝર્સ છે, પરંતુ કેટલાક તત્વો તેનો નકારાત્મક રીતે ઉપયોગ કરે છે. નાગરિકોને સુરક્ષિત રાખવાની સરકારની ફરજ છે. આ ઉદ્દેશ્ય સાથે 2023માં સંચાર સાથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું અને 2025માં એપ લાવવામાં આવી."
-
એપ કેવી રીતે કામ કરશે: "અમે નાગરિકોને પસંદગીનો અધિકાર આપ્યો છે. જો તમારા ફોનમાં એપ છે, તો તેનો અર્થ એ નથી કે તે આપમેળે કામ કરશે. જ્યાં સુધી યુઝર એપમાં રજીસ્ટ્રેશન ન કરે ત્યાં સુધી તે ઓપરેટ થશે નહીં."
-
જાસૂસીનો ઇનકાર: "જાસૂસી શક્ય નથી અને કરવામાં પણ આવશે નહીં. લોકશાહીમાં દરેક નાગરિકને અધિકાર છે, તેથી હું અન્ય કોઈ પણ એપની જેમ આ એપને પણ ડિલીટ કરી શકું છું."
-
નિયમોમાં ફેરફારની તૈયારી: મંત્રીએ ખાતરી આપી કે જો જનતાનો ફીડબેક એવો હશે તો સરકાર ટેલિકોમ વિભાગ (DoT) ના આદેશમાં ફેરફાર કરવા માટે પણ તૈયાર છે. એપની સફળતા જનભાગીદારી પર આધારિત છે.

