- National
- મુખ્યમંત્રીએ રસ્તાઓની હાલત જોઈને અધિકારીઓને ખખડાવી નાખી કહ્યું- 'લોકો કેટલા પરેશાન થાય છે તે તમને દે...
મુખ્યમંત્રીએ રસ્તાઓની હાલત જોઈને અધિકારીઓને ખખડાવી નાખી કહ્યું- 'લોકો કેટલા પરેશાન થાય છે તે તમને દેખાતું નથી?'
કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ બેંગલુરુના રસ્તાઓની ખરાબ હાલત માટે મ્યુનિસિપલ અધિકારીઓને ઠપકો આપ્યો અને ખાડા ભરવા અને શહેરના તમામ રસ્તાઓ વાહનોને ચલાવવા યોગ્ય બનાવવા માટે તેમને એક મહિનાનો સમય આપ્યો. GBAની પહેલી બેઠકમાં, ગુસ્સે ભરાયેલા CM સિદ્ધારમૈયાએ એન્જિનિયરોને પૂછ્યું, 'જો તમે ખાડા સરખા ન કરી સકતા હો તો તમે એન્જિનિયરિંગનો અભ્યાસ કેમ કર્યો? તમારી નિષ્ક્રિયતાને કારણે સરકારની મજાક ઉડાવવામાં આવી રહી છે. શું તમને શરમ નથી આવતી?'

મીડિયા સૂત્રના અહેવાલ મુજબ, જ્યારે કેટલાક અધિકારીઓએ દાવો કર્યો કે રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે, ત્યારે CM સિદ્ધારમૈયાએ વળતો જવાબ આપ્યો કે, 'કહેવાતા સમારકામ પણ અવૈજ્ઞાનિક અને નબળી ગુણવત્તાવાળા છે.' CM સિદ્ધારમૈયાએ કહ્યું, 'શું તમને લોકોની પરેશાની દેખાતી નથી? જો આ રીતે જ ચાલુ રહ્યું, તો મારી પાસે તમને બધાને સસ્પેન્ડ કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. જો દરેક ખાડાઓ તાત્કાલિક સરખા કરવામાં નહીં આવે, તો તમામ કોર્પોરેશનોના મુખ્ય ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવશે. તેમનું કોઈ બહાનું ચલાવી લેવામાં આવશે નહીં.'

બેઠકમાં રજૂ કરાયેલા મ્યુનિસિપલ ડેટા અનુસાર, ગ્રેટર બેંગલુરુ ઓથોરિટી 1,648.43 કિલોમીટર મુખ્ય રસ્તાઓ અને 46.61 કિલોમીટર ઉચ્ચ-ઘનતાવાળા કોરિડોર રસ્તાઓની જાળવણી કરે છે. શહેરના વિવિધ ભાગોમાં 14,795 ખાડાઓ ઓળખવામાં આવ્યા છે. 6,749 ખાડાઓ પહેલાથી જ સરખા કરી લેવામાં આવ્યા છે, જ્યારે 8,046 બાકી છે અને ઓક્ટોબરના અંત સુધીમાં તેને પણ સરખા કરી નાંખવામાં આવશે.

અત્યાર સુધીમાં, 108 કિલોમીટર રસ્તાઓને સફેદ કરવામાં આવ્યા છે, અને 143 કિલોમીટર પર કામ ચાલુ છે. ડામરનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. 401 કિલોમીટર રસ્તાઓ પર ડામર પાથરી દેવામાં આવ્યો છે, અને 440 કિલોમીટર પર કામ ચાલુ છે. કુલ, 584 કિલોમીટરથી વધુ રસ્તાઓનું સમારકામ ચાલી રહ્યું છે. મુખ્ય રસ્તાઓ પર ખાડાઓના સમારકામ માટે 2025-26ના બજેટમાં રૂ. 18 કરોડ ફાળવવામાં આવ્યા છે, અને જરૂરી કામ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનોને વધારાના રૂ. 25 કરોડ ફાળવવામાં આવ્યા છે. રૂ. 2.50 કરોડના મૂલ્યના જેટપેચર ટેકનોલોજી માટે ટેન્ડર પણ પ્રગતિમાં છે. વધુમાં, BWSSB અને મેટ્રો બાંધકામના કામને કારણે ઇબ્લુર, અગરા, વીરન્નાપાલ્યા, નાગવારા અને હેબ્બલ જેવા કેટલાક વિસ્તારોમાં મુખ્ય ચાર રસ્તાઓને નુકસાન થયું છે. આ વિસ્તારોનું રૂ. 400 કરોડના આઉટર રિંગ રોડ પ્રોજેક્ટ હેઠળ પુનર્નિર્માણ કરવામાં આવશે.

