- National
- 'બિલના પૈસા આપો, પછી દીકરાની બોડી મળશે...' પુત્રનું હોસ્પિટલમાં નિધન થતા પિતાએ બિલ માટે ભીખ માંગવી પ...
'બિલના પૈસા આપો, પછી દીકરાની બોડી મળશે...' પુત્રનું હોસ્પિટલમાં નિધન થતા પિતાએ બિલ માટે ભીખ માંગવી પડી
ઉત્તર પ્રદેશના બદાયૂંની આ દિલને હચમચાવી નાંખનારી ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. એક પિતાએ પોતાના પુત્રનો જીવ બચાવવા માટે પોતાનું ઘર પણ ગીરવે મૂક્યું, દેવું કર્યું અને સંબંધીઓ અને ગ્રામજનો પાસેથી મદદ માંગી, પરંતુ તે પોતાના છોકરાને બચાવી શક્યો નહીં. પોતાના પુત્રના મૃત્યુ પછી, પિતાને હોસ્પિટલનું બિલ ચૂકવવા માટે રસ્તાઓ પર ભીખ માંગવાની ફરજ પડી. આ ઘટનાએ બધાને સ્તબ્ધ કરી દીધા છે.
પીડિત રામ લાલે હવે હોસ્પિટલ મેનેજમેન્ટના દાવાઓને ફગાવી દીધા છે. તે કહે છે કે તેણે તેના પુત્રની સારવાર દરમિયાન વિવિધ હપ્તામાં હોસ્પિટલને આશરે ત્રણ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં, તેના પુત્રના મૃત્યુ પછી, હોસ્પિટલ મેનેજમેન્ટે વધારાના 3 લાખ 10 હજાર રૂપિયાની માંગણી કરવાનું શરૂ કર્યું.
રામ લાલ કહે છે કે, તે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેણે તેના પુત્રની સારવાર માટે જે કંઈ કરવાનું હતું તે કરી રહ્યો હતો. તેણે પોતાના ઘરેણાં વેચી દીધા, બીજાઓ પાસેથી પૈસા ઉધાર લીધા અને અંતે પોતાનું ઘર પણ ગીરવે મૂક્યું. મને લાગ્યું કે મારો પુત્ર બચી જશે, પરંતુ ભગવાનને કઈ બીજું જ મંજુર હતું. આવું કહેતાંની સાથે જ રામ લાલની આંખમાં પાણી આવી જાય છે અને અવાજ રૂંધાય જાય છે.
એવો આરોપ છે કે, જ્યારે રામ લાલ હોસ્પિટલનું બિલ ભરવા માટે પુરી રકમ જમા કરી શક્યો નહીં, ત્યારે મેનેજમેન્ટે તેમના પુત્રનો મૃતદેહ આપવાનો ઇનકાર કર્યો. આનાથી મજબૂર થઈને, રામ લાલ રસ્તા પર આવ્યો અને લોકોની સામે હાથ જોડીને મદદ માટે ભીખ માંગી. તેમનો ભીખ માંગવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. રામ લાલ સ્વીકારે છે કે તેમને રસ્તા પર ભીખ માંગવી પડી. તેમણે કહ્યું, 'એક પિતા માટે આનાથી મોટું અપમાન બીજું શું હોઈ શકે? પરંતુ મારા પુત્રનો મૃતદેહ મેળવવા માટે મારે આ કરવું પડ્યું.'
ગ્રામજનોએ રામ લાલ વિશે ઘણી વાતો પણ કહી છે. ગ્રામજન પ્રેમપાલ કહે છે કે પરિવાર અત્યંત ગરીબ છે. ગામના તમામ લોકોએ રામ લાલના પુત્રની સારવારમાં પોતાની ક્ષમતા મુજબ ફાળો આપ્યો હતો. પ્રેમપાલ કહે છે કે, ગામમાં ભાગ્યે જ કોઈ એવું હશે જેણે આ પરિવારને મદદ ન કરી હોય. અન્ય એક ગ્રામજન અસગર અલી કહે છે કે, હોસ્પિટલ સારવાર દરમિયાન પૈસા માટે તેમના પર દબાણ કરતી રહી, અને તેમના પુત્રના મૃત્યુ પછી પણ, આ પરિવારને બિલ ભરવાને લઈને માનસિક રીતે પરેશાન કરવામાં આવ્યો હતો. તેઓએ કહ્યું કે તેના મૃત્યુ પછી પણ, તેમને શાંતિથી બેસવા દેવામાં ન આવ્યા.
24 વર્ષીય ધર્મવીર બદાયું જિલ્લાના દાતાગંજ વિસ્તારના નગરિયા ગામનો રહેવાસી હતો. તેને 1 ડિસેમ્બરના રોજ એક માર્ગ અકસ્માતમાં ઈજા થઈ હતી. શરૂઆતમાં તેને બદાયુંની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી, અને તેને બરેલીની એક ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ત્યાં તેની સારવાર લગભગ 13થી 14 દિવસ સુધી ચાલી હતી. માથામાં ગંભીર ઈજાને કારણે, સર્જરી પણ કરવામાં આવી હતી, પરંતુ આખરે તે યુવાનનું મૃત્યુ થયું હતું.
બીજી બાજુ, હોસ્પિટલ મેનેજમેન્ટે આ આરોપોને નકારી કાઢ્યા છે. હોસ્પિટલે જણાવ્યું હતું કે, મૃતકના પરિવારનું આખું બિલ માફ કરવામાં આવ્યું હતું અને હોસ્પિટલ પરિસરમાં ભીખ માંગવાની કોઈ ઘટના બની ન હતી. હોસ્પિટલ સ્ટાફે દાવો કર્યો હતો કે, યુવાનના કેટલાક સંબંધીઓ હોસ્પિટલમાં જ કામ કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેની સારવાર દરમિયાન ઘણી દવાઓ મફત પણ આપવામાં આવી હતી, અને તેના મૃત્યુ પછી બિલ માફ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ સ્ટાફ સભ્ય રમેશે જણાવ્યું હતું કે, પરિવારે એક પણ રૂપિયો ચૂકવ્યો ન હતો અને સારવાર મફત હતી. ત્યાર પછી, ષડયંત્રના ભાગ રૂપે હોસ્પિટલને બદનામ કરવામાં આવી હતી.
એક તરફ, હોસ્પિટલ મેનેજમેન્ટના દાવાઓ, તો બીજી તરફ, પીડિત પિતા અને ગ્રામજનોના નિવેદનો. બંને પક્ષો વચ્ચે વિસંગતતાઓ છે. હવે સવાલ એ છે કે, જો બિલ માફ કરવામાં આવ્યું હતું, તો પિતાને રસ્તાઓ પર ભીખ કેમ માંગવી પડી? અને જો પૈસા પહેલાથી જ જમા કરવામાં આવ્યા હતા, તો તેનો હિસાબ ક્યાં છે? હાલમાં, પીડિત પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે.

