- National
- ફ્લાઇટના ટોઇલેટમાંથી મળ્યું 2 કરોડ રૂપિયાનું 4 કિલો સોનું
ફ્લાઇટના ટોઇલેટમાંથી મળ્યું 2 કરોડ રૂપિયાનું 4 કિલો સોનું
હમણાં છેલ્લાં કેટલાંક સમયથી દેશના એરપોર્ટ પરથી ગોલ્ડ મળી આવવાની અનેક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. હજુ થોડા દિવસ પહેલાં જ સુરત એરપોર્ટ પરથી કસ્ટમ અધિકારીઓને લાવારિસ સોનું મળી આવ્યું હતું. આ પહેલાં પણ આવી અનેક ઘટનાઓ સામે આવી હતી કે એરપોર્ટના ટોઇલેટમાં કોઇ સોનું સંતાડીને જતું રહ્યું હતું અને પછી કસ્ટમે વિભાગે કબ્જો કરી લીધો હોય. આવી જ એક ઘટના દિલ્હી એરપોર્ટ પરની સામે આવી છે. કસ્ટમ વિભાગને ફલાઇટના ટોઇલેટમાંથી 2 કરોડ રૂપિયાનું લાવારિસ સોનું મળી આવ્યું છે.

દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-2 પર પ્લેનના ટોઇલેટમાંથી લગભગ 2 કરોડ રૂપિયાનું સોનું મળી આવ્યું છે. એરપોર્ટના કસ્ટમ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. કસ્ટમ અધિકારીએ જણાવ્યું કે ઈન્ટરનેશનલ ફ્લાઈટના ટોઈલેટમાંથી 4 સોનાના બિસ્કિટ મળી આવ્યા છે, જેની કિંમત અંદાજે 2 કરોડ રૂપિયા છે. ગોલ્ડને જપ્ત કરીને સીલ મારી દેવામાં આવ્યું છે.

કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિમાન ઇન્ટરનેશનલ રૂટ પર ચાલે છે. વિદેશ યાત્રાથી પરત ફરેલા આ વિમાને ઘરેલું ઉડાન પણ ભરી હતી. એ પછી આજ સવારે વિમાન IGI ટર્મિનલ-2 પર પહોંચ્યું હતું. જ્યારે આ વિમાનનો ટાઇલેટની સફાઇ કરવામાં આવી રહી હતી ત્યારે સફાઇ કર્મચારીઓને કઇંક ચિપકાયેલું હોય તેવું દેખાયું હતું.
સફાઇ કર્મચારીઓએ કસ્ટમ વિભાગના અધિકારીઓની જાણકારી આપી હતી. વિમાનમાં પહોંચેલા કસ્ટમ અધિકારીઓએ વોશરૂમની નીચે લાગેલા સિંક નીચે ટેપથી ચિપકાડેલું પાઉચ દેખાયું હતું. કસ્ટમ અધિકારીઓએ કહ્યુ કે, ગ્રે કલરનું પાઉચ દેખાયું જેને પછી બહારકાઢીને ચેક કરવામાં આવ્યું તો 4 લંબચોરસ ગોલ્ડ બાર્સ મળી આવ્યા હતા. જેનું વજન લગભગ 3969 ગ્રામ હતું.
જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સોનાના 4 લંબચોરસ બારની કુલ કિંમત 1 કરોડ 95 લાખ છે. કસ્ટમ્સ એક્ટ, 1962ની કલમ 110 હેઠળ તેની પેકિંગ સામગ્રી સાથે જપ્ત કરાયેલું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમની ટીમ વધુ તપાસ કરી રહી છે.
છેલ્લાં ઘણા સમયથી સોનાની દાણચોરી ચિંતાજનક હદે વધી રહી છે અને દેશના ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઇ, દિલ્હી પર તો અનેક વખત સોનાની દાણચોરી કરનારા પકડાયા છે. સુરત એરપોર્ટ પણ છેલ્લાં ઘણા સમયથી સોનાની દાણચોરી કરનારા પકડાઇ રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે પકડાઇ જવાના ગભરાટમાં આવી રીતે સોનું છોડી જતા હોય છે.

