- Opinion
- કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ)
ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં સરકારો બનાવી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસનું પ્રભુત્વ ઝડપથી ઘટી રહ્યું છે. તમિલનાડુમાં 1967 પછી કોંગ્રેસે ક્યારેય સત્તા મેળવી નથી એટલે કે 58 વર્ષથી વિપક્ષમાં છે. દિલ્હીમાં શીલા દીક્ષિતની સરકાર 2013માં હારી ગઈ અને ત્યારથી એટલે 12 વર્ષથી કોંગ્રેસ સત્તા બહાર છે. 2025માં તો દિલ્હીમાં ભાજપે સત્તા કબજે કરી લીધી છે.

પશ્ચિમ બંગાળમાં 1977 પછી કોંગ્રેસે સરકાર બનાવી નથી એટલે 48 વર્ષથી વંચિત છે. બિહાર, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં 1990ના દાયકાથી કોંગ્રેસની સ્વતંત્ર સરકાર નથી લગભગ 35 વર્ષથી. ઝારખંડમાં જે 2000માં અલગ રાજ્ય બન્યું ત્યાં કોંગ્રેસે ક્યારેય એકલી સરકાર નથી બનાવી હંમેશા સહયોગી તરીકે જ રહી છે. ઓડિશામાં 2000 પછી બીજેડીનું વર્ચસ્વ છે કોંગ્રેસ ૨૫ વર્ષથી સત્તા બહાર છે. કેરળમાં પણ યુડીએફ (કોંગ્રેસ આગેવાનીવાળું) અને એલડીએફ વચ્ચે વારાફરતી સત્તા વહેચાયેલી છે પરંતુ છેલ્લા 11 વર્ષથી કોંગ્રેસ સત્તા બહાર છે.
આ આંકડા કોંગ્રેસની સતત નિષ્ફળતા દર્શાવે છે. ઘણા રાજ્યોમાં પ્રાદેશિક પાર્ટીઓએ કોંગ્રેસની જગ્યા લઈ લીધી છે. તમિલનાડુમાં ડીએમકે એઆઈએડીએમકે, બંગાળમાં તૃણમૂલ, ઓડિશામાં બીજેડી જેવી પાર્ટીઓએ સ્થાનિક મુદ્દાઓને વધુ સારી રીતે ઉઠાવ્યા છે. બિહાર યુપીમાં જાતિ આધારિત પાર્ટીઓ અને ભાજપે કોંગ્રેસને પછાડી છે.
કોંગ્રેસ નેતાઓ વારંવાર ચૂંટણી પંચ કે ઈવીએમ પર આરોપ લગાવે છે પરંતુ આ રાજ્યોમાં વર્ષોથી ચાલતી આવતી હાર સ્પષ્ટ કરે છે કે સમસ્યા બહારની નહીં આંતરિક છે. પાર્ટીમાં નેતૃત્વની ખોટ, પરિવારવાદ, વિચારધારાનો અભાવ અને જનતા સાથે સીધા સંપર્કની ઉણપ મુખ્ય કારણો છે. પ્રાદેશિક નેતાઓનું પક્ષપલટો અને યુવા વર્ગનો વિશ્વાસ ગુમાવવો પણ મોટું પડકાર છે.

કોંગ્રેસને ફરી ઊભી કરવી હોય તો ચૂંટણી પંચ પર નહીં પોતાની કાર્યપદ્ધતિ પર ગંભીર ચિંતન કરવું પડશે. નવી વિચારધારા, મજબૂત સ્થાનિક નેતૃત્વ અને જનતાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. નહીં તો આ પતન અટકશે નહીં અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નિરાશ થઈને પક્ષપલટો અટવા નિષ્ક્રિયતાના વિકલ્પને પસંદ કરશે. જોવાનું રહ્યું આવના સમયમાં કોંગ્રેસ કઈ રીતે પોતાનું અસ્તિત્વ જાળવી રાખશે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

