- National
- શક્તિશાળી પાસપોર્ટના ઈન્ડેક્સમાં ભારતનું રેટિંગ ઘટ્યું, 125માં સ્થાને પહોંચ્યું
શક્તિશાળી પાસપોર્ટના ઈન્ડેક્સમાં ભારતનું રેટિંગ ઘટ્યું, 125માં સ્થાને પહોંચ્યું
રેસિડેન્સી અને સિટિઝનશિપ એડવાઇઝરી ફર્મ 'ગ્લોબલ સિટિઝન સોલ્યુશન્સ' (GCS) દ્વારા ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ (GPI)ની પાંચમી વાર્ષિક આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભારતીય પાસપોર્ટ ગયા વર્ષની સરખામણીએ નીચે સરક્યો છે. આ વર્ષે ભારતનો પાસપોર્ટ 125મા સ્થાને રહ્યો છે, જે વર્ષ 2025ના એકંદર રેન્કિંગ કરતાં એક ક્રમ નીચે છે. બીજી તરફ, છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય પાસપોર્ટ માત્ર બે સ્થાન જ ઉપર આવી શક્યો છે. આ યાદીમાં સ્વીડન સૌથી ટોચ પર અને અફઘાનિસ્તાન સૌથી નીચેના ક્રમે છે.
આ રેન્કિંગમાં નામિબિયા ભારત કરતાં બરાબર એક સ્થાન ઉપર એટલે કે 124મા ક્રમે છે, જ્યારે અઝરબૈજાન ભારત કરતાં એક સ્થાન નીચે 126મા ક્રમે છે. કુલ 197 દેશોની યાદીમાં ભારત 125મા સ્થાને રહ્યું છે. દેશ વર્ષ 2025ના 124મા સ્થાનથી નીચે સરક્યો છે, પરંતુ વર્ષ 2021ના 127મા સ્થાનની સરખામણીએ બહેતર સ્થિતિમાં આવ્યો છે. ભારતનો કમ્પોઝિટ સ્કોર (મિશ્ર સ્કોર) 45.1ની સાથે છેલ્લા પાંચ વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. ભારતીય પાસપોર્ટ હાલ 26 દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની સુવિધા આપે છે.
ભારતીય પાસપોર્ટ ધરાવતા નાગરિકો ભૂતાન, જમૈકા, મકાઉ, નેપાળ, પેલેસ્ટાઈન, ટ્યુનિશિયા, અંગોલા અને બાર્બાડોસ જેવા દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે અથવા 'વિઝા ઓન અરાઈવલ' (ત્યાં પહોંચ્યા પછી વિઝા)ની સુવિધા મેળવી શકે છે. જો કે, ભારતીય નાગરિકોને અમેરિકા, યુકે, જર્મની, ફ્રાન્સ, ચીન, એન્ડોરા અને યુએઈ સહિત 88 સ્થળોએ જવા માટે વિઝાની જરૂર પડે છે.
મોટાભાગના પાસપોર્ટ રેન્કિંગ મુખ્યત્વે વિઝા વિના મુસાફરી કરવાની સુવિધાને આધારે જ ગણતરી કરે છે. તેનાથી વિપરીત, ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ પાસપોર્ટની કુલ તાકાતનું મૂલ્યાંકન ગ્લોબલ મોબિલિટી, રોકાણની સંભાવનાઓ અને જીવનની ગુણવત્તા જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને કરે છે.
ભારતનો વિઝા-ફ્રી મોબિલિટી સ્કોર સુધરીને 2026માં 23 થયો હતો, પરંતુ અન્ય દેશોએ તેમની ટ્રાવેલ એક્સેસમાં (મુસાફરીની સુવિધામાં) વધુ ઝડપથી વધારો કર્યો, જેના કારણે એકંદર રેન્કિંગમાં ભારતની વૃદ્ધિ મર્યાદિત રહી ગઈ.
ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં પાસપોર્ટને માત્ર આંતરરાષ્ટ્રીય મુસાફરીની સરળતાના આધારે જ રેન્ક આપવામાં આવતો નથી, પરંતુ અન્ય દેશોમાં રહેવા, કામ કરવા અને રોકાણ કરવાના ફાયદાઓને આધારે પણ ક્રમ આપવામાં આવે છે. પાસપોર્ટને માત્ર મુસાફરીની આઝાદીના આધારે માપવાને બદલે ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ તેમને ત્રણ મુખ્ય કેટેગરીમાં માપે છે: બહેતર મોબિલિટી, રોકાણ અને જીવનની ગુણવત્તા.
ભારતને શ્રેષ્ઠ મોબિલિટી ઇન્ડેક્સમાં 136મું સ્થાન મળ્યું છે, જે ગયા વર્ષના રેન્કિંગ કરતાં એક સ્થાન નીચે છે. આ કેટેગરી કુલ સ્કોરનો 50 ટકા હિસ્સો ધરાવે છે, જે પાસપોર્ટથી મળતા મુસાફરી સંબંધિત ફાયદાઓ માપે છે. આ ઇન્ડેક્સ એ વાત પર પણ ધ્યાન આપે છે કે જીવનની ગુણવત્તાના આધારે કોઈ દેશ રહેવા માટે કેટલો આકર્ષક છે.
નવીનતમ રેન્કિંગમાં ભારતીય પાસપોર્ટે જીવનની ગુણવત્તાના ઇન્ડેક્સમાં 118મું સ્થાન મેળવ્યું છે, જે ગયા વર્ષના 129મા સ્થાન કરતાં 11 ક્રમ ઉપર છે. આ ઇન્ડેક્સ છ મુખ્ય પાસાઓને માપે છે જે કોઈપણ દેશમાં જીવનની ગુણવત્તા નક્કી કરે છે અને તે કુલ સ્કોરના 25 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આમાં આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને વ્યક્તિગત સુરક્ષા જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે.

રોકાણના મામલામાં ભારત 94મા સ્થાને છે, જે અગાઉની આવૃત્તિના 97મા સ્થાન કરતાં ત્રણ ક્રમ ઉપર છે. ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડેક્સ કોઈપણ દેશમાં રોકાણ અને વેપારની તકો માટેના સ્થળ તરીકે તેનું મૂલ્યાંકન કરે છે. મજબૂત અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોને આમાં વધુ સ્કોર મળે છે. આ મૂલ્યાંકનમાં વ્યક્તિગત કરવેરા (ટેક્સેશન)ને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.
દુનિયાના 10 સૌથી શક્તિશાળી પાસપોર્ટ
1. સ્વીડન
2. સ્વિટ્ઝર્લેન્ડ
3. ફિનલેન્ડ
4. જર્મની
5. નેધરલેન્ડ્સ
6. ડેનમાર્ક
7. આયર્લેન્ડ
8. બ્રિટન (UK)
9. નોર્વે
10. સિંગાપોર

