- National
- ઈન્દોર પ્રદૂષિત પાણી કાંડ: સરકારી ચોપડે 8 નિધન, પણ વળતર અપાયું 18 પરિવારોને
ઈન્દોર પ્રદૂષિત પાણી કાંડ: સરકારી ચોપડે 8 નિધન, પણ વળતર અપાયું 18 પરિવારોને
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પ્રદૂષિત પાણી પીવાથી થયેલા મોતના મામલે રાજ્ય સરકાર વિવાદમાં સપડાઈ છે. એક તરફ મધ્ય પ્રદેશ સરકાર સત્તાવાર રીતે માત્ર 8 લોકોના મોત થયા હોવાનું જણાવી રહી છે, જ્યારે બીજી તરફ સરકારી રેકોર્ડ મુજબ 18 અસરગ્રસ્ત પરિવારોને વળતરના ચેક આપવામાં આવ્યા છે.
ઈન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં 24 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી દરમિયાન ગંભીર ઉલટી-ઝાડાના કારણે અનેક લોકોના મોત થયા હતા અને અનેક લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા.
શું છે સમગ્ર મામલો?
'ધ ઈન્ડિયન એક્સપ્રેસ' દ્વારા ટાંકવામાં આવેલા સરકારી રેકોર્ડ મુજબ, મધ્ય પ્રદેશ સરકારે 18 મૃતકોના પરિવારોને 2-2 લાખ રૂપિયાના ચેકનું વિતરણ કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ જ અઠવાડિયાની શરૂઆતમાં સરકારે કોર્ટમાં સોગંદનામું આપ્યું હતું કે દૂષિત પાણીથી માત્ર 8 લોકોના મોત થયા છે.
પ્રાથમિક તપાસમાં પોલીસ ચોકીના શૌચાલયની સેપ્ટિક ટેન્ક ન હોવાને કારણે ગંદકી ફેલાઈ હોવાની શંકા હતી, પરંતુ હવે સત્તાધીશો સ્થાનિક બોરવેલ કનેક્શનની તપાસ કરી રહ્યા છે.

મુખ્યમંત્રીનું નિવેદન
મુખ્યમંત્રી મોહન યાદવે આ બાબતે જણાવ્યું હતું કે, ધ્યાન એ વાત પર ન હોવું જોઈએ કે કેટલા લોકોના મોત થયા છે, કારણ કે એક પણ જીવ ગુમાવવો એ અત્યંત પીડાદાયક છે. અમે આંકડાઓમાં ઊંડા ઉતરતા નથી. વહીવટીતંત્ર તેની પ્રક્રિયા અનુસરે છે અને સામાન્ય રીતે જે કિસ્સામાં પોસ્ટમોર્ટમ થયું હોય તેને જ માન્ય આંકડા ગણવામાં આવે છે.
હાઈકોર્ટની ફટકાર
મધ્ય પ્રદેશ હાઈકોર્ટે આ દુર્ઘટના પ્રત્યે સરકારના અસંવેદનશીલ વલણ અને મોતના આંકડામાં અસ્પષ્ટતા બદલ રાજ્ય સરકારને સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે- સરકારનો આવો અસંવેદનશીલ પ્રતિસાદ... આ ઘટનાએ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંના એક એવા ઈન્દોરનું નામ બદનામ કર્યું છે. આ આખા ભારત અને વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે.
કેમ વધ્યો આંકડો?
એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, સ્થાનિક વહીવટીતંત્રે અંતિમ રિપોર્ટની રાહ જોયા વિના માનવતાના ધોરણે તમામ નોંધાયેલા મૃત્યુના કિસ્સામાં ચેક આપવાનું નક્કી કર્યું હતું. હાલમાં સાચો આંકડો જાણવા માટે 'ડેથ ઓડિટ' ચાલી રહ્યું છે.

ભયાનક રિપોર્ટ: પાણીમાં મળ્યા બેક્ટેરિયા
ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન (IMC) દ્વારા 3 જાન્યુઆરીએ લેવામાં આવેલા સેમ્પલના પરીક્ષણમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભાગીરથપુરામાંથી લેવાયેલા 51 નમૂનાઓમાંથી 35માં 'ફેકલ કોલિફોર્મ' બેક્ટેરિયા (મળમાં જોવા મળતા જીવાણુ) મળી આવ્યા છે. ભારતીય ધોરણો મુજબ આ બેક્ટેરિયાનું પ્રમાણ શૂન્ય હોવું જોઈએ, જ્યારે અહીં તે 13 થી 360 પ્રતિ મિલી જોવા મળ્યું હતું, જે અત્યંત જોખમી છે.

