- Opinion
- શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
આપણું ગુજરાત જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર હેઠળ વિકાસના મોડલ તરીકે ઓળખાતું હતું આજે એક અલગ જ પરિસ્થિતિમાં છે. રાજ્યમાં આર્થિક વૃદ્ધિ, ઔદ્યોગિક પ્રગતિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કારણે તેને 'ગુજરાત મોડલ' તરીકે વખાણવામાં આવતું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને 2019 થી 2026 સુધીના સમયગાળામાં સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારનું ગંભીર સ્વરૂપ જોવા મળ્યું છે. આ ભ્રષ્ટાચાર માત્ર નાગરિકોને જ ત્રાસ આપી રહ્યો નથી પરંતુ ચૂંટાયેલા રાજકારણીઓને પણ તેની અસર થઈ રહી છે. શું સરકારી અધિકારીઓ હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ નથી ગણતા?

ગુજરાતમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ વધી રહ્યા છે જેમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને નાના કર્મચારીઓ સુધી સૌ સામેલ છે. આ પ્રકારની વ્યવસ્થા દર્શાવે છે કે ભ્રષ્ટાચાર કેટલો વ્યવસ્થિત અને બેફામ બની ગયો છે. નાગરિકોને તો તેમના કામ માટે લાંચ આપવી પડે છે પરંતુ વધુ ચિંતાજનક વાત એ છે કે ચૂંટાયેલા ધારાસભ્યો (એમએલએ), કોર્પોરેટરો અને સરપંચો પણ અધિકારીઓ ની મનમાની સામે અસહાય બની રહ્યા છે. તેઓને તેમના વિસ્તારના વિકાસ કાર્યો માટે અધિકારીઓની મંજૂરી મેળવવામાં મુશ્કેલી પડે છે અને કેટલાક કિસ્સાઓમાં તો અધિકારીઓ તેમની વાતને અવગણીને પોતાની મરજીથીજ કામ કરે છે.
આ પરિસ્થિતિનું મુખ્ય કારણ છે અધિકારીઓની બાબુશાહીની વધતી જતી સત્તા અને ભ્રષ્ટાચારનું જાળ. ભાજપની લાંબી સત્તા હોવા છતાં તંત્રમાં પારદર્શિતા અને જવાબદારીનો અભાવ જોવા મળે છે. અધિકારીઓની બાબુશાહી એટલી વધી ગઈ છે કે તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ગણકારતા નથી. ઉદાહરણ તરીકે ગ્રામીણ વિસ્તારોમાં સરપંચોને રોડ, પાણી અને વીજળી જેવા મૂળભૂત કાર્યો માટે તહસીલદાર કે કલેક્ટરની મંજૂરી મેળવવામાં અનેક અડચણો આવે છે. શહેરી વિસ્તારોમાં કોર્પોરેટરોને મ્યુનિસિપલ અધિકારીઓની અવગણનાનો સામનો કરવો પડે છે આના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમના મતદારોને વચનો આપીને પણ પૂરા કરી શકતા નથી જે તેમને નિરાશ અને ત્રાહિમામ કરી રહ્યા છે.

ગુજરાત સરકારની પારદર્શી અને વિકાસલક્ષી છબીને રાજ્યના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓજ નુકસાન પહોંચાડી રહ્યા છે. ભ્રષ્ટાચારના કારણે વિકાસના પ્રોજેક્ટ્સમાં વિલંબ થાય છે, સરકારી ભંડોળનો દુરુપયોગ થાય છે અને જનતાનો વિશ્વાસ ઘટે છે. જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ અધિકારીઓની બાબુશાહીથી પરેશાન છે તો સામાન્ય નાગરિકોની હાલતની કલ્પના કરી શકાય છે. આ પરિસ્થિતિમાં જરૂરી છે કે સરકાર અધિકારીઓ પર નિયંત્રણ મેળવે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરે.
આખરે ગુજરાતને ફરી વિકાસના માર્ગે લાવવા માટે અધિકારીઓ અને ચૂંટાયેલા રાજનેતાઓ વચ્ચે સંતુલન સંકલન જરૂરી છે.

