- National
- સરકારી કર્મચારીએ 51 જમીન પોતાના અને પત્નીના નામે કરી લીધી, બસ સ્ટેશન અને ગામનો કૂવો પણ ન છોડ્યો
સરકારી કર્મચારીએ 51 જમીન પોતાના અને પત્નીના નામે કરી લીધી, બસ સ્ટેશન અને ગામનો કૂવો પણ ન છોડ્યો
17 સપ્ટેમ્બરના રોજ મધ્ય પ્રદેશ સરકારે 'સ્વામિત્વ જમીન અધિકાર અમલીકરણ અને નોંધણી યોજના-2026' શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય ગ્રામજનોને મિલકતની મફત નોંધણીનો અધિકાર આપવાનો હતો. જોકે, તેના માત્ર 8 દિવસ બાદ જ ખંડવા જિલ્લામાંથી ગેરરીતિઓના સમાચાર સામે આવ્યા. જમીનના રેકોર્ડની જાળવણીની જવાબદારી સંભાળતા એક લેખપાલે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ગ્રામજનોની જમીન પોતાના અને પોતાની પત્નીના નામે કરી લીધી. આ બાબત પ્રકાશમાં આવતા જિલ્લા કલેક્ટરે તેને સસ્પેન્ડ કરી દીધો હતો.
'આજ તક'ના અહેવાલ મુજબ, આ ઘટના ખંડવા જિલ્લાના કોલગાંવ વિસ્તારમાં બની હતી. આરોપ છે કે લેખપાલ રાજેશ મંડલોઈએ સરકારી રેકોર્ડમાં ચેડાં કર્યા હતા. પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને તેણે સરકારી પ્લેટફોર્મ, સાર્વજનિક વાવ અને ગરીબોના ઘરોના માલિકી હક પોતાના અને પોતાની પત્નીના નામે કરી લીધા હતા.
અહેવાલમાં જણાવાયું છે કે 'સ્વામિત્વ' યોજના હેઠળ ગામમાં કુલ 935 રહેણાંક જમીનના માલિકી હક (પટ્ટા) આપવામાં આવનાર હતા. પરંતુ, રેકોર્ડમાં હેરાફેરી કરીને લેખપાલ રાજેશે 48 માલિકી હક પોતાના નામે અને ત્રણ હક પોતાની પત્ની મનીષા મંડલોઈના નામે નોંધાવ્યા લહતા. એટલે કે, ગામના કુલ માલિકી હકમાંથી 51 હક માત્ર લેખપાલના પરિવારના નામે નોંધાયા હતા.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક પીડિત શુભમ તોમરે તેની ફરિયાદ નોંધાવી અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ઉત્તમ પાલ સિંહે દસ્તાવેજી પુરાવા સાથે તપાસની માંગ કરી.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, લેખપાલ રાજેશ મંડલોઈ બે-ત્રણ વર્ષ પહેલાં સર્વેના બહાને રેકોર્ડ અપડેટ કરવા માટે આ વિસ્તારમાં આવ્યા હતા. જોકે, તેમણે ગુપ્ત રીતે જાહેર અને ખાનગી મિલકતો પોતાના નામે નોંધાવી લીધી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો કે લેખપાલે એક સાર્વજનિક વાવનો માલિકી હક પણ પોતાના નામે કરી લીધો હતો; આ વાવ શુભમ તોમરના ઘરની પાછળ આવેલી છે અને આખું ગામ પીવાના પાણી માટે તેનો ઉપયોગ કરે છે. આટલું જ નહીં, ગામના બસ સ્ટેન્ડ પર આવેલું RCC પ્લેટફોર્મ અને બલિરામ નામના ગ્રામીણનું ઘર એટલે કે ખસરા નંબર 530 પણ લેખપાલના રેકોર્ડમાં નોંધાયેલું હોવાનું જણાયું હતું.
આ બાબતને ગંભીરતાથી લઈને ખંડવાના કલેક્ટર રિષભ ગુપ્તાએ કાર્યવાહી કરી હતી. તેમણે સ્થળની તપાસ કરવા માટે તત્કાલીન લેખપાલ રાકેશ પટેલને ત્યાં મોકલ્યા હતા. ગ્રામજનોની હાજરીમાં ખસરાના રેકોર્ડની ચકાસણી કરતા તેમાં વિસંગતતાઓ જોવા મળી હતી. તપાસ અહેવાલ મળ્યા બાદ, ખંડવાના કલેક્ટરે કડક વલણ અપનાવીને આરોપી લેખપાલ રાજેશ મંડલોઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો હતો. આ ઉપરાંત, કોલગાંવમાં તમામ 935 ખસરા અને જમીન પટ્ટાઓની પુનઃતપાસ કરવા તથા રેકોર્ડમાં તાત્કાલિક સુધારો કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે.

