- National
- ચાલતી કાર પર પડ્યા પિલરના સળિયા; કેવી રીતે બચ્યો ડ્રાઈવર? કોન્ટ્રાક્ટરને 2 કરોડનો દંડ
ચાલતી કાર પર પડ્યા પિલરના સળિયા; કેવી રીતે બચ્યો ડ્રાઈવર? કોન્ટ્રાક્ટરને 2 કરોડનો દંડ
મહારાષ્ટ્રના થાણેમાં આનંદ નગર-સાકેત એલિવેટેડ રોડ પ્રોજેક્ટના બાંધકામ સ્થળ પર એક મોટી દુર્ઘટના ઘટી હતી. નિર્માણાધીન પિલરનો સળિયો અચાનક કોપરી બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક કાર પર આવી પડ્યો. જેને કારણે કારની આગળની વિન્ડશિલ્ડ તૂટી ગઈ હતી. સદભાગ્યે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. આ અકસ્માતને અત્યંત ગંભીરતાથી લેતા, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ પ્રોજેક્ટ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર પર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
અહેવાલો અનુસાર, એલિવેટેડ રોડના નિર્માણ કાર્ય દરમિયાન થાંભલા માટે વપરાતું રીઇનફોર્સમેન્ટ કેજ એચલે કે લોખંડના સળિયાનું માળખું અચાનક નીચે પડી ગયું હતું. તે જ સમયે, કોપરી બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક કાર પર આ સળિયાની ઝપેટમાં આવી ગઇ. ભારે સળિયોકારના આગળના ભાગ પર પડતા વિન્ડશિલ્ડને નુકસાન થયું છે. આ ઘટનાએ બાંધકામ સ્થળ પર સુરક્ષાના નિયમો અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
જો કે, રાહતની વાત એ છે કે, કારમાં સવાર લોકોને કોઇ ઇજા ન થઇ. ક્ષતિગ્રસ્ત કારને ઘટનાસ્થળેથી હટાવી દેવામાં આવી છે અને રસ્તા પરથી સળિયા હટાવવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો. ઘટનાસ્થળ પર સળિયાને સુરક્ષિત રીતે હટાવવાના પ્રયાસો ચાલુ છે, જેથી વાહનવ્યવહાર કે આસપાસના વિસ્તારને વધુ કોઈ જોખમ ન રહે.
MMRDAએ આ ઘટનાને ગંભીરતાથી લેતા કોન્ટ્રાક્ટરને 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ, અકસ્માતનું કારણ જાણવા અને બાંધકામ સ્થળે સુરક્ષાના ધોરણોના પાલનમાં કોઈ બેદરકારીની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે બાંધકામ દરમિયાન સુરક્ષા નિયમોના કોઈપણ ઉલ્લંઘનને સાંખી લેવામાં આવશે નહીં અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપી છે.
આનંદ નગર-સાકેત એલિવેટેડ રોડ પ્રોજેક્ટ સ્થળ પર બનેલી આ ઘટનાએ બાંધકામ કાર્ય દરમિયાન રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા અંગે ચિંતા વધારી દીધી છે. બાંધકામ હેઠળના માળખામાંથી ભારે સળિયાનું રસ્તા પરથી પસાર થતી કાર પર પડવું એ સુરક્ષામાં ગંભીર ક્ષતિની આશંકા પેદા કરે છે. MMRDAએ પુનરોચ્ચાર કર્યો છે કે પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન સુરક્ષાના ધોરણોનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈનો જીવ જોખમમાં ન પડે.

