- National
- આ ટેમ્પોમાં હતું 6 કરોડનું ચાંદી, એવી રીતે લઈ જતા કે તમે પણ ચકરાવે ચઢી જશો
આ ટેમ્પોમાં હતું 6 કરોડનું ચાંદી, એવી રીતે લઈ જતા કે તમે પણ ચકરાવે ચઢી જશો
ઉત્તર પ્રદેશના વારાણસીમાં, એક લોડર પર કરોડોનો ખજાનો જપ્ત કરવામાં આવ્યો, જેના કારણે પોલીસથી લઈને આવકવેરા વિભાગ સુધી બધા આશ્ચર્યમાં મુકાઈ ગયા. જરા તમે કલ્પના કરો, 6 કરોડ રૂપિયાની 467 કિલો ચાંદી, 662 કિલો ગિલીટ કરેલી નકલી સફેદ ધાતુ... આ બધું લહરતારા વિસ્તારમાં એક ઓવરલોડેડ પિકઅપ ટ્રકમાંથી મળી આવ્યું હતું. પોલીસને ખ્યાલ પણ નહોતો કે નિયમિત ચેકિંગ દરમિયાન આટલું મોટું દાણચોરીનું નેટવર્ક ખુલ્લું પડશે.
હકીકતમાં, ઓપરેશન ચક્રવ્યુહ હેઠળ ચેકિંગ દરમિયાન, વારાણસી પોલીસે ચાર લોકોની અટકાયત કરી, જે આ ગેરકાયદેસર ચાંદીના વેપારમાં સામેલ હોવાનું માનવામાં આવે છે. સિગરા પોલીસ સ્ટેશન વિસ્તારની એક પોલીસ ટીમ ઓપરેશન ચક્રવ્યુહના ભાગ રૂપે વાહનોની તપાસ કરી રહી હતી.
લહરતારા ચોકડી પાસે એક ઓવરલોડેડ પિકઅપ ટ્રક પોલીસના ધ્યાન પર આવી. વાહનની સ્થિતિ જોઈને તેઓને શંકા જવા લાગી, પરંતુ જ્યારે પોલીસે ડ્રાઇવરને ભરેલા માલ વિશે માહિતી માંગી, ત્યારે તેણે ગોળગોળ જવાબ આપ્યો હતો. શંકા એકદમ વધતી ગઈ, અને જેવી વાહનની તપાસ કરવામાં આવી ત્યારે, સફેદ ધાતુથી ભરેલા પેકેટો એક પછી એક બહાર નીકળવા લાગ્યા.
શરૂઆતમાં, તો તે ગિલીટ (નકલી સફેદ ધાતુ) હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ નજીકથી તપાસ કરતાં, કેટલાક પેકેટોમાંથી અસલી ચાંદીના બ્લોક્સ, સિક્કા અને પગની પાયલ મળી આવ્યા. પોલીસે તાત્કાલિક આવકવેરા વિભાગને આના વિશે જાણ કરી.
જ્યારે બધી સામગ્રીની ગણતરી અને વજન કરવામાં આવ્યું, ત્યારે બધા દંગ રહી ગયા. વાહનમાં કુલ 1,129 કિલો સફેદ ધાતુ હતી, જેમાંથી 467 કિલો અસલી ચાંદી હતી અને 662 કિલો ગિલીટ હતું. આવકવેરા વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી અને નક્કી કર્યું કે જપ્ત કરાયેલી ચાંદી બજારમાં આશરે રૂ. 6 કરોડ કિંમતની છે.
ADCP સર્વણ T.એ જણાવ્યું કે, આ કાર્યવાહી ઓપરેશન ચક્રવ્યૂહ હેઠળ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, જ્યારે વાહનને રોકીને તપાસ કરવામાં આવી, ત્યારે ડ્રાઇવર અને તેના સાથીઓ પાસે કોઈ સંતોષકારક દસ્તાવેજો નહોતા. ત્યાર પછી વાહનની પાછળની બાજુએ તપાસ કરવામાં આવતા તેમાં સફેદ ધાતુનો મોટો જથ્થો બહાર આવ્યો. પ્રારંભિક તપાસ સૂચવે છે કે માલ આગ્રા અને મથુરાથી વારાણસી લાવવામાં આવ્યો હતો.
પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ નેટવર્ક મહિનાઓથી સક્રિય હતું. દાણચોરો ખાનગી બસો દ્વારા નાના પાર્સલમાં આગ્રા અને મથુરાથી ચાંદીનું પરિવહન કરતા હતા. આ પાર્સલ વારાણસી પહોંચ્યા પછી, તેમને સ્થાનિક પરિવહન નેટવર્ક દ્વારા આગળ સપ્લાય કરવામાં આવતા હતા.
ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ વારાણસીના રહેવાસી છે અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનું કામ સામાન્ય લાગતું હતું, પરંતુ પડદા પાછળ ચાલતું હતું ગેરકાયદેસર ચાંદી સપ્લાયનું રેકેટ.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિવાળી પહેલા કાળા નાણાંને સફેદ કરવા માટે આ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. તહેવાર દરમિયાન ચાંદીના દાગીના અને સિક્કાઓની માંગ અચાનક વધી જાય છે, અને દાણચોરો વારાણસી અને આસપાસના જિલ્લાઓમાં મોટા કન્સાઇનમેન્ટ મોકલવા માટે આ તકનો લાભ લેવાની તૈયારી કરી રહ્યા હતા.
જેવા આ જપ્તીના સમાચાર ફેલાઈ ગયા, આવકવેરા વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે તપાસ શરૂ કરી. તપાસ હવે વારાણસીમાં ચાંદીના સ્ત્રોત અને તેના ગંતવ્ય સ્થાન પર કેન્દ્રિત છે. જપ્ત કરાયેલ ચાંદીની ચોક્કસ માહિતી અને દસ્તાવેજો હજુ સુધી મળ્યા નથી. આવકવેરા વિભાગ કન્સાઇનમેન્ટના સ્ત્રોત અને ખરીદદારોની તપાસ કરી રહ્યું છે. આમાં કોઈ મોટા ઉદ્યોગપતિ કે ઝવેરીઓનું નેટવર્ક સામેલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
દિવાળી પહેલા વારાણસી પોલીસની આ કાર્યવાહીથી ચાંદીના દાણચોરોમાં ગભરાટ ફેલાયો છે. પોલીસ હવે આ ચાર આરોપીઓના કોલ ડિટેલ્સ, નાણાકીય વ્યવહારો અને સંપર્કોની તપાસ કરી રહી છે. હવે સવાલ એ છે કે, 6 કરોડ રૂપિયાની ચાંદીનો અસલી માલિક કોણ છે, અને આ ધાતુ કોના તિજોરીમાં મોકલવામાં આવી હતી? લહરતારામાંથી જપ્ત કરાયેલી ચાંદી કોની પાસે લઈ જવામાં આવી રહી હતી?

