ગુજરાત સરકારે શ્રમ અને રોજગાર વિભાગનું નામ બદલ્યું, હવે આ નામે ઓળખાશે

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળી રહે એ માટે ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી અમારી સરકારે અનેકવિધ મહત્ત્વના નિર્ણયો કર્યો છે. એટલુ જ નહિ રાજયના યુવાનોને નશાની ચુંગાલમાંથી બહાર કાઢવા અને એ તરફ જતા રોકવા માટે પણ રાજકીય દ્રઢ ઇચ્છા શક્તિ સાથે ઘનિષ્ઠ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને માદક દ્રવ્યો સામે કાર્યવાહી કરવા આગામી સમયમાં પણ ખાસ ડ્રાઇવ હાથ ધરાશે.

સરકારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ હેઠળ મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ સૌ નાગરિકોને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવ્યાપી શરુ કરેલ PM ગતિશક્તિ પ્રોજેક્ટ અંતર્ગત પણ ગુજરાતમાં સત્વરે કામગીરી હાથ ધરી આ ક્ષેત્રે પણ ગુજરાત રોલ મોડલ પુરવાર થશે. આ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કૌશલ્ય વિકાસને બળ આપવા અલગ કૌશલ્ય યુનિવર્સિટીની સ્થાપના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં કરાયેલા નિર્ણય મુજબ રાજ્યનો શ્રમ અને રોજગાર વિભાગ હવે ‘શ્રમ, કૌશલ્ય અને રોજગાર’ વિભાગના નવા નામથી ઓળખાશે તેના માટે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સતત માર્ગદર્શનમાં રાજ્યના 30 વર્ષથી વધુ વયના 3 કરોડથી વધુ એટલે કે 40 ટકા નાગરિકોને સાંકળી લેતી નિરામય ગુજરાત યોજના જાહેર કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા.12 નવેમ્બરે સવારે 11.30 કલાકે પાલનપુરથી, જ્યારે સવારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણાથી આ નિરામય ગુજરાત યોજનાનો શુભારંભ કરાવશે. આ ઉપરાંત આ યોજનાના લોન્ચિંગ માટે રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીઓ, MLA, MP, સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાશે.

તેમણે ઉમેર્યુ હતું કે આરોગ્ય પરિવારની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી આ નવી યોજના શરૂ કરવામાં આવી રહી છે. રાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે, B.P.-લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટિસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારના રોગોથી કાળજી લેવા 30થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના PHC, CHC, અને હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બીન ચેપી રોગો માટે સ્ક્રીનિંગથી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે રૂા.12થી 15 હજારનો ખર્ચ બચશે.

તેમણે કહ્યું હતું કે, રાજ્યના લોકોની આરોગ્ય સુખાકારી માટે સ્થળ ઉપર જ ત્વરિત ખોરાકની ગુણવત્તાની તપાસ-ચકાસણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શનમાં રૂા.45 લાખના ખર્ચે ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ શરૂ કરવામાં આવી છે. જેનાથી વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અટકાવી શકીએ. તેમણે કહ્યું હતું કે, દૂધમાં થતી ભેળસેળ સામે સરકાર કડક હાથે કામ લઇ રહી છે. જેના માટે આ વાનમાં મિલ્ક એનાલાયઝર-મિલ્કો સ્કેન મીટર મુકવામાં આવ્યુ છે જેનાથી દૂધમાં થતી ભેળસેળની સ્થળ તપાસ કરી તેમાં થતી ભેળસેળ અટકાવી શકાશે.

તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગામી તા. 18થી 20 નવેમ્બર દરમિયાન ગ્રામ વિકાસ વિભાગ તેમજ અન્ય આઠ વિભાગોને સાંકળી લઇને આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ ગ્રામ વિકાસ યજ્ઞના ભાગરૂપે રાજ્યના 33 જિલ્લાઓમાં ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ યોજવામાં આવશે. આ યાત્રા દરમિયાન અંદાજે રૂા.500 કરોડના ખર્ચે વિવિધ જિલ્લાઓમાં 23,835 જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત તેમજ 9,503 જેટલા લોકાર્પણ કરવામાં આવશે. આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ તા. 18 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમજ ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં મહેમદાવાદથી કરવામાં આવશે.

પ્રવક્તા મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે લાભપાંચમથી ટેકાના ભાવે રાજ્યવ્યાપી ખરીદીનો શુભારંભ થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા નવીન કૃષિ કાયદો અમલી બનાવ્યો જેના પરિણામે બજારમાં મગફળીની કિંમત વધુ સારી મળતાં ઓછા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેના પરિણામે ખેડૂતોને ફાયદો થયો છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ. 5500 ના ભાવે કરવામાં આવે છે. જેની સામે બજારમાં પ્રતિ ક્વિન્ટલ ખરીદી રૂ. 6000-6500ના ભાવે થઇ રહી છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાં 3224 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઈ છે. જેની સામે રૂ 180 કરોડની રકમ ખેડૂતોને ચૂકવી દેવાઈ છે. આ રકમ PFMS દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાવી દેવામાં આવી છે. મગફળીની ખરીદી બાદ તેના સંગ્રહ માટે પણ વેરહાઉસિંગ અને નાફેડ દ્વારા પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યના નાગરિકો માટે અમલી સરકારી યોજનાના લાભો ઘર આંગણે પ્રાપ્ત થાય તે માટે રાજ્યભરમાં સેવાસેતુ કાર્યક્ર્મો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત 56 સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં હવે કૃષિ પેદાશનું પ્રદર્શન અને મફત લીગલ એઈડ સર્વિસ સહિત અન્ય સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આજ સુધીમાં 10,81,406 અરજીઓ આવી હતી એમાં 10,81,295નો નિકાલ કરી 99.98 ટકા જેટલી સિદ્ધિ હાંસલ કરી છે.

તેમણે ઉમેર્યુ કે મહેસૂલ વિભાગ દ્વારા પ્રતિબંધિત ન હોય એવી સરકારી પડતર જમીન લાભાર્થીઓને અગ્રતાક્રમ અનુસાર પ્રમાણસર સોંપણી માટે વહેંચણી કરાય છે જે અંતર્ગત કચ્છ જિલ્લામાં 285 લાભાર્થીઓને એકસાથે 984 એકર જમીન સોંપણી મહેસૂલ મંત્રીના હસ્તે ભૂજના ડુંમરા ખાતેથી કરવામાં આવશે. તેમણે કહ્યુ કે ધો. 1થી 5ના વર્ગો એક સાથે શરૂ કરવા માટે તજજ્ઞોની કમિટિની રચના કરવામાં આવી છે. જેના મંતવ્યો મેળવીને તેમના સૂચનો સંદર્ભે અભ્યાસ કરી યોગ્ય સમયે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવશે.

Related Posts

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.