- Opinion
- પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલના પગારની વાસ્તવિકતામાં ભ્રષ્ટાચારનું મૂળ છૂપાયેલું છે
પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલના પગારની વાસ્તવિકતામાં ભ્રષ્ટાચારનું મૂળ છૂપાયેલું છે
આજના સમાજમાં પોલીસ તંત્ર એ ન્યાય અને સુરક્ષાનું પ્રતીક છે પરંતુ ગુજરાત પોલીસના કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ જેવા નીચલા હોદ્દાના કર્મચારીઓનું પગાર ધોરણ અન્ય સરકારી કર્મચારીઓની સરખામણીએ ઘણું ઓછું છે. નવા ભરતી થયેલા કોન્સ્ટેબલને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ્ડ સેલરી મળે છે જેમાં કોઈ મોંઘવારી ભથ્થું કે અન્ય લાભ નથી. પાંચ વર્ષ પછી પણ સાતમા પગારપંચ અનુસાર પે મેટ્રિક્સમાં મૂળ અન્ય વિભાગોના કર્મચારીઓ કરતાં નીચું છે. આ ઓછા પગારને કારણે પોલીસકર્મીઓ પર પારિવારિક જવાબદારીઓનું ભારણ વધે છે જે તેમને માનસિક તણાવ આપે છે.
આ અસંતોષનું સીધું પરિણામ ભ્રષ્ટાચારમાં જોવા મળે છે. નાના પોલીસકર્મીઓ નાનીનાની લાંચ લઈને પોતાનું જીવન ચલાવવા મજબૂર થાય છે જેને કારણે તેમને શરમ અને આત્મસન્માનની લાગણી રહેતી નથી. વળી ઉચ્ચ અધિકારીઓ તેમને દબાવીને પોતે મોટી લાંચ લે છે જે સમગ્ર તંત્રને કલંકિત કરે છે. આનાથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ઘટે છે અને સરકારની અપેક્ષાઓ પૂરી થતી નથી.

જો સરકાર આ પગાર ધોરણમાં વધારો કરે અને તેને અન્ય કર્મચારીઓ સાથે સમાન બનાવે તો નીચલા સ્તરે ભ્રષ્ટાચાર ઘટશે. પોલીસકર્મીઓમાં શરમ અને જવાબદારીની ભાવના જાગશે, ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પર પણ નિયંત્રણ આવશે અને લોકોને ન્યાયી અને સંવેદનશીલ પોલીસનું માળખું મળશે. આ ફેરફાર માત્ર આર્થિક નહીં પરંતુ સમાજના નૈતિક ઉત્થાન માટે પણ જરૂરી છે. સરકારે આ તરફ તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ જેથી પોલીસ તંત્ર ખરેખર લોકોનું રક્ષક બને.

