- Opinion
- શું થશે? ગુજરાત સરકારના નવા મંત્રીઓ પાસે સમય ઓછો છે અને કામ/પ્રશ્નો વધુ
શું થશે? ગુજરાત સરકારના નવા મંત્રીઓ પાસે સમય ઓછો છે અને કામ/પ્રશ્નો વધુ
ગુજરાતની જનતા ભાજપને અને ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીને જોઈને ખોબલેને ખોબલે મત આપી ભાજપના નેતાઓને સેવા કરવાની તકો આપતી આવી છે. એ વાતમાં કોઈજ સંદેહ નથી કે ભાજપે ગુજરાતને વિકાસના માર્ગે આગળ ધપાવ્યું. દરેક ક્ષેત્રમાં ભાજપે અભૂતપૂર્વ વિકાસકાર્યો કર્યા છે.
ગુજરાતના મતદારોએ ભાજપને એ રીતે સ્વીકારી કે ભાજપની સરકાર કે ચૂંટાયેલા નેતા ક્યાંક કોઈ ચૂક કરે તો પણ માફ અને પ્રધાનમંત્રી મોદીને જોઈને કોઈપણ અણગમો હોય તો પણ ભાજપનેજ ચૂંટણીઓમાં મત આપી વિજયી બનાવી. અહીં એક વિષય એવો છે કે જે સમજવાની જરૂર છે. ગુજરાતના બહુમત મતદારોને પ્રધાનમંત્રી મોદી પર વિશ્વાસ છે અને ગુજરાત સરકાર પાસે ઘણી અપેક્ષાઓ છે. આ અપેક્ષાઓ પૂરી કરવામાં ક્યાંક સરકાર ચૂક કરી રહી છે જેના કારણે ગુજરાતમાં વિવિધ નાના મોટા આંદોલનો થતા રહે છે અને સરકાર મોડે થી જાગે છે અને સકારાત્મક ઉકેલ પણ લાવે છે પરંતુ કરવા જાય શીરો અને થાય થૂલી જેવો ઘાટ અવારનવાર થાય છે. ઉપરાંત ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદો પોતાના વિસ્તારના મતદારો નો પ્રત્યક્ષ સંપર્ક રાખવામાં ખરા ઉતર્યા નથી જેના કારણે ભાજપની ચિંતા વધી છે. સરકારની યોજનાઓ અને કરેલા કામો પ્રત્યક્ષ સંપર્ક કરવાની જગ્યાએ સોશિયલ મીડિયાના માધ્યમ પર મુકતા નેતાઓ એમ માને છે કે સોશિયલ મીડિયાના સહારે જીતતા આવીશું અને સરકાર બનતી રહશે.

ગુજરાતની ભાજપ સરકારે કામતો ઘણા સારા કર્યા પરંતુ ચોક્કસ ક્યાંક ખોટ રહી ગઈ છે જેના કારણે ગુજરાતમાં ઘણા સળગતા પ્રશ્નો ઊભા થયા છે જેને સરકારે ન્યાયી પારદર્શિતા સાથે ઠારવા જોઈશે. ભુપેન્દ્ર પટેલ ( દાદા) ની સરકારના મંત્રીઓ પર ઘણા પ્રકારના આરોપો થયા જેના કારણે સરકાર ઘૂંચવણોમાં આવી અને નવું મંત્રીમંડળ બનાવવું પડ્યું છે. નવા મંત્રીમંડળમાં જેમને તક મળી છે તેમણે હરખના વધામણા કરવામાં સમય ના ચૂકી જવાય એનું ધ્યાન રાખવું પડશે કેમકે વર્ષ ૨૦૨૭ ની ચૂંટણીઓ માથા પર છે અને એમનો કાર્યકાળ ત્યાં સુધીનોજ છે. પ્રત્યેક મંત્રીઓએ પોતાના ખાતાના કામો પારદર્શી રહીને કરવા જોઈશે અને કરેલા કામોનો હિસાબ જનતા વચ્ચે લઈ જઈને સરકારે કરેલા કામોનો હિસાબ આપવો જોઈશે તો મત મળશે! વિવિધ આંદોલનો જનલાગણીઓ ને સમજીને ઉકેલવા જોઈશે.
નવા મંત્રીમંડળે ગુજરાતની જનતાના મૂળભૂત પ્રશ્નો જેમ કે શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ખેડૂતોની સમસ્યાઓ પર વિશેષ ધ્યાન આપવું જોઈશે. ગુજરાતના યુવાનોમાં બેરોજગારી અને શિક્ષણની ગુણવત્તા અંગે નારાજગી છે જેનો સમયસર ઉકેલ લાવવો જરૂરી છે. ખેડૂતોની આવક વધારવા અને પાકના યોગ્ય ભાવની ખાતરી આપવા માટે નક્કર પગલાં લેવા જોઈએ. આ ઉપરાંત સરકારે ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેની વિકાસની ખાઈ ઘટાડવા માટે સંતુલિત નીતિઓ અમલમાં મૂકવી જોઈએ. જો નેતાઓ જનતા સાથે સીધો સંવાદ સાધે અને તેમની સમસ્યાઓનો ઝડપથી ઉકેલ લાવે તો ભાજપનો વિજયરથ આગળ વધતો રહેશે.
જોવાનું રહ્યું કે ગુજરાત ભાજપ એની વિજયયાત્રા ને કઈ રીતે અવિરત જાળવી રાખશે. પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ભરોસે રહેનારા ગુજરાત ભાજપના નેતૃત્વએ જાગવું જોઈશે, પ્રજાની વચ્ચે જવું જોઈશે. ઓછો સમય અને કામ તથા પ્રશ્નો વધુનું સંતુલન તો આવનારા સમયમા ગુજરાત સરકારના મંત્રીઓની કાર્યશૈલીથીજ જાણી સમજી શકાશે. આશા રાખીએ ગુજરાત સરકાર ગુજરાતની જનતાનું ભલું કરે અને મતદારોની લાગણીને સમયસર સમજે.

