- Politics
- વિશ્વભરમાં સત્તા પરિવર્તનની લહેર, ભારત માટે ચિંતા અને ચિંતન કરવાનો સમય
વિશ્વભરમાં સત્તા પરિવર્તનની લહેર, ભારત માટે ચિંતા અને ચિંતન કરવાનો સમય
દુનિયાના રાજકારણમાં એક વાત વારંવાર સામે આવતી રહી છે. પ્રજા કોઈ નેતાને કે પક્ષને કાયમી સત્તા આપતી નથી. અનેક દેશોમાં એક સમયે ભારે લોકપ્રિયતા મેળવનાર નેતૃત્વ થોડાં વર્ષોમાં જ લોકોના અણગમાનો સામનો કરતું જોવા મળે છે. ક્યાંક આ નારાજગી ચૂંટણીમાં વ્યક્ત થાય છે તો ક્યાંક લોકો રસ્તા પર ઊતરે છે. દેશ બદલાય છે અને કારણો બદલાય છે પરંતુ સત્તા અને સમાજ વચ્ચે વિશ્વાસનું અંતર વધે ત્યારે પરિવર્તનની માંગ મજબૂત બને છે. આ પરિવર્તનને માત્ર ડાબેરી કે જમણેરી રાજકારણથી સમજવું થોડું અગરું છે. મતદાર ઘણી વખત વિચારધારા કરતાં પોતાના જીવનના અનુભવને વધુ મહત્વ આપે છે. રોજગાર ન મળતો હોય અને આવક સામે ખર્ચ વધુ હોય ત્યારે મોટા રાજકીય વાયદાઓની અસર ઓછી થવા લાગે છે. સરકારો પોતાની સિદ્ધિઓ રજૂ કરતી રહે અને નાગરિક પોતાની મુશ્કેલીઓ ગણતો રહે ત્યારે બંને વચ્ચે સંવાદ તૂટે છે. અસંતોષની શરૂઆત ઘણી વાર અહીંથી થાય છે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઊભી થયેલી નારાજગી આ સંદર્ભમાં નોંધપાત્ર છે. 29 ઑક્ટોબરથી 2 નવેમ્બર 2026 દરમિયાન થયેલા Reuters/Ipsos સર્વેમાં તેમની કામગીરીને મંજૂરી આપનારાનું પ્રમાણ 32 ટકા હતું. એક સર્વેમાં કોંગ્રેસની ચૂંટણી માટે સંભવિત મતદારોની પસંદગીમાં ડેમોક્રેટ્સ આગળ હતા. આ સર્વે ચૂંટણીનું પરિણામ નથી છતાં 2024માં વિજય મેળવી પરત ફરેલા ટ્રમ્પ માટે જનસમર્થન જાળવવું મુશ્કેલ બન્યું હોવાનું તે દર્શાવે છે. ટ્રમ્પનો અનુભવ એક મોટો રાજકીય પાઠ આપે છે. ચૂંટણી જીતાડનારા મુદ્દા અને સત્તામાં આવ્યા પછી લોકોની અપેક્ષાઓ એકસરખાં રહેતા નથી. Reutersના અહેવાલમાં જીવનનિર્વાહનો ખર્ચ મતદારોની મુખ્ય ચિંતાઓમાં હતો. નેતૃત્વની છબી અને વાયદાબજાર જેવા ભાષણો પોતાનું અલગ સ્થાન ધરાવે છે પરંતુ સામાન્ય પરિવાર માટે મહિનાના અંતે ઘરખર્ચનું ગણિત પણ એટલું જ મહત્વનું છે. પ્રજા અંતેતો પોતાના જીવનમાં આવેલા ફેરફારથી સરકારને તોલે છે.

ઇઝરાયલમાં બેન્જામિન નેતન્યાહૂની મુશ્કેલી જુદા પ્રકારની છે. 27 ઑક્ટોબર 2026ની ચૂંટણીમાં તેમનો લિકુડ સૌથી મોટો પક્ષ બન્યો છતાં તેમના ગઠબંધનને 120માંથી 53 બેઠકો જ મળી. 5 નવેમ્બરે જૂના સાથી યુનાઇટેડ તોરાહ જુડાઇઝમે કોઈ ઉમેદવારની ભલામણ ન કરતાં તેમની સ્થિતિ વધુ મુશ્કેલ બની. નેતન્યાહૂ કાર્યકારી વડાપ્રધાન રહ્યા પરંતુ નવી સરકાર રચવાનો માર્ગ સ્પષ્ટ નહોતો. સૌથી મોટો પક્ષ હોવું અને સરકાર ચલાવવા જરૂરી બહુમતી મેળવવી એ બે અલગ બાબતો છે. અમેરિકા અને ઇઝરાયલની ઘટનાઓને એકસરખી ગણવી યોગ્ય નથી, અમેરિકામાં જાહેર અસંતોષનો સંકેત સર્વેમાં દેખાય છે. ઇઝરાયલમાં ચૂંટણી પછી ગઠબંધનનું ગણિત નેતૃત્વને પડકારી રહ્યું છે. છતાં બંનેમાંથી એટલું સમજાય છે કે લાંબો રાજકીય અનુભવ કે મજબૂત નેતાની ઓળખ સત્તાનું કાયમી કેન્દ્ર બની શકતાં નથી. નેતૃત્વને વારંવાર લોકોનો વિશ્વાસ મેળવવો પડે છે. લોકશાહીમાં ભૂતકાળની જીત કરતાં વર્તમાનની સ્વીકાર્યતા વધુ નિર્ણાયક બને છે.
આપણા પડોશના દેશોમાં પરિવર્તન વધુ ઉગ્ર સ્વરૂપે આવ્યું. શ્રીલંકામાં 2022ની આર્થિક કટોકટીએ લોકોનું રોજિંદું જીવન મુશ્કેલ બનાવ્યું. ઇંધણ અને દવાઓની તંગી વચ્ચે વિરોધ વધ્યો. અંતે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશ છોડીને રાજીનામું આપ્યું. આ ઘટનાએ બતાવ્યું કે આર્થિક મુશ્કેલી માત્ર આંકડાનો વિષય રહેતી નથી જ્યારે તેની અસર રસોડા અને રોજગારી સુધી પહોંચે ત્યારે તે શાસનના અસ્તિત્વનો પ્રશ્ન બની શકે છે. બાંગ્લાદેશમાં 2024 દરમિયાન સરકારી નોકરીઓની અનામત સામે શરૂ થયેલો વિદ્યાર્થી વિરોધ શેખ હસીનાની સરકાર સામેના આંદોલનમાં ફેરવાયો. દમન અને જાનહાનિએ સ્થિતિ વધુ ગંભીર બનાવી. હસીનાએ રાજીનામું આપીને દેશ છોડ્યો. નેપાળમાં સપ્ટેમ્બર 2025ના વિરોધ પાછળ સામાજિક માધ્યમો પરના પ્રતિબંધ સાથે ભ્રષ્ટાચાર અને સગાવાદ સામેની નારાજગી પણ હતી. વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું. આ બંને ઘટનાઓમાં યુવાનોની ફરિયાદો સમયસર સમજવામાં શાસનને પડેલી મુશ્કેલી સ્પષ્ટ દેખાય છે.

દરેક પરિવર્તન સત્તાપલટામાં પરિણમે એવું પણ નથી. કેન્યામાં 2024ના વિરોધ પછી સરકારે કરવધારાનો ખરડો પાછો ખેંચ્યો. બ્રિટનમાં એ જ વર્ષે મતદારોએ ચૌદ વર્ષના કન્ઝર્વેટિવ શાસનને બદલીને લેબર પાર્ટીને તક આપી. આ અનુભવો સૂચવે છે કે અસંતોષને સાંભળવાની વ્યવસ્થા જીવંત હોય તો સુધારાના માર્ગ ખુલ્લા રહે છે. સરકાર નિર્ણય બદલે તે હંમેશાં નબળાઈ નથી. કેટલીક વખત તે પરિસ્થિતિ સમજવાની રાજકીય પરિપક્વતા પણ હોય છે.
આ સમગ્ર સ્થિતિ ભારત માટે ચિંતા અને ચિંતન બંનેનો વિષય છે. પડોશમાં સર્જાતી અસ્થિરતાને દૂરની ઘટના માનીને અવગણી શકાય નહીં. સાથે ભારતની સ્થિતિને બીજા દેશો સાથે સીધી સરખાવવી પણ યોગ્ય નથી. આપણી ચૂંટણીવ્યવસ્થા અને સંઘીય માળખું અસંતોષની રજૂઆત માટે માર્ગ આપે છે. પ્રશ્ન એ છે કે ફરિયાદો નિર્ણય લેનારા સુધી પહોંચે છે કે નહીં અને પહોંચ્યા પછી તેનો વિશ્વસનીય ઉકેલ આવે છે કે નહીં. ભારતમાં પણ અસંતોષને ઉશ્કેરવા ભ્રામક માહિતીનો ઉપયોગ થઈ શકે તે અંગે સાવચેતી જરૂરી છે. ચૂંટણી પંચે 2024માં રાજકીય પક્ષોને ખોટી માહિતી અને ડીપફેક સામે સૂચનાઓ આપી હતી. તેથી આવા જોખમને કલ્પના કહીને નકારી શકાય નહીં પરંતુ તેના આધારે દરેક વિરોધ પાછળ દેશને અસ્થિર કરવાનું ષડ્યંત્ર છે એવું પણ કહી શકાય નહીં. કોઈ તત્ત્વની ગેરકાયદે ભૂમિકા અંગે આરોપ મૂકવો હોય તો તેનો પુરાવો આપવો જરૂરી છે.

ભારત માટે સાચી સાવચેતી પોતાના નાગરિકોનો અવાજ અને લાગણીઓ સાંભળવામાં છે. યુવાનોને તક મળે અને સામાન્ય માણસને ન્યાય મળવાનો વિશ્વાસ રહે તે જરૂરી છે. હિંસા સામે કડકાઈ રાખવી જોઈએ અને શાંતિપૂર્ણ અસહમતિ માટે જગ્યા પણ રહેવી જોઈએ. વિશ્વની ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે સ્થિરતા માત્ર મજબૂત સરકારથી આવતી નથી તે સરકાર અને નાગરિક વચ્ચેના વિશ્વાસથી આવે છે. આ વિશ્વાસ જાળવવો એ સત્તાપક્ષ સહિત સમગ્ર રાજકીય વ્યવસ્થાની જવાબદારી છે.

