- Politics
- ‘ચૂંટણીમાંથી નામ પાછી લઈ રહી છું...’, આખરે ભાજપના ઉમેદવાર પૂજા મોરે ધ્રૂસકે-ધ્રૂસકે કેમ રડી પડ્યા?
‘ચૂંટણીમાંથી નામ પાછી લઈ રહી છું...’, આખરે ભાજપના ઉમેદવાર પૂજા મોરે ધ્રૂસકે-ધ્રૂસકે કેમ રડી પડ્યા?
મહારાષ્ટ્રમાં થનારી આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે તમામ પક્ષો જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. આ દરમિયાન પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની ખૂબ ચર્ચામાં છે, અને તેનું કારણ ભાજપ નેતા પૂજા મોરે છે. સતત થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે પાર્ટીના ઉમેદવાર પૂજા મોરેએ અચાનક પોતાનું નામાંકન પાછું ખેંચવું પડ્યું. તેમણે રડતા-રડતા આ જાહેરાત કરી. પૂજા મોરેએ કહ્યું કે તેમણે આખરે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા પૂજા મોરેને ટિકિટ આપવામાં આવી હતી, ત્યારબાદ તેઓ સતત ટીકાનો ભોગ બની રહ્યા હતા. ભાજપના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર પણ ટીકા થઈ હતી.
શું છે આખો મામલો?
ભાજપમાં જોડાતા પહેલા પૂજા મોરે શરદ પવારની આગેવાની હેઠળની NCP સાથે જોડાયેલા હતા. મરાઠા આંદોલન દરમિયાન પૂજા મોરેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું હતું. આ બધું હોવા છતા જ્યારે ભાજપે પૂજા મોરેને ટિકિટ આપી, ત્યારે સોશિયલ મીડિયા પર પાર્ટી હાઇકમાન્ડ પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા. પૂજા મોરે 8 મહિના પહેલા લગ્ન બાદ પુણે રહેવા ગયા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સક્રિયપણે ભાગ લીધો હતો. રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન તેમની તસવીરોને લોકો ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે.
પહેલગામની ઘટના દરમિયાન, પૂજા મોરે અને તેમના પતિ ધનંજય જાધવે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ હુમલાને હિન્દુ-મુસ્લિમ મુદ્દા તરીકે ન જોવો જોઈએ. પૂજા મોરેના નિવેદન બાદ, ભાજપ અને હિન્દુત્વ સંગઠનોમાં ઘણા લોકોએ તેમને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા હતા. સતત ટ્રોલિંગ બાદ, પૂજા મોરે મીડિયા સામે આવીને સ્પષ્ટતા આપી હતી. આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે પહેલગામ હુમલા દરમિયાન ઘણા લોકો તેમના રૂમમાં છુપાયેલા હતા, પરંતુ પૂજા મોરે અને તેમના પતિએ બહાર આવીને મદદ કરી.
પૂજા મોરેએ જણાવ્યું હતું કે મરાઠા અનામત આંદોલન દરમિયાન વાયરલ થયેલ ઉશ્કેરણીજનક નિવેદન તેમનું નહોતું. તેમણે ક્યારેય દેવેન્દ્ર ફડણવીસ બાબતે ખરાબ વાત કરી નથી; અન્ય એક મહિલાના નિવેદનને તોડીમરોડીનેને તેમના નામ સાથે જોડી દેવામાં આવ્યું હતું. પૂજા મોરેના પતિ ધનંજય જાધવે સમગ્ર મામલાને કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે વોર્ડ નંબર-2માં એક નકલી મીડિયા એજન્સી પૂજા મોરેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે, અને જેના તેમની પાસે પુરાવા છે. ધનંજયે દાવો કર્યો હતો કે આ એજન્સી NCP કાર્યકર ચલાવે છે.

