- Politics
- જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેરસભામાં પુછ્યું જય-વીરુ કોણ હતા? જવાબ મળ્યો ચોર
જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેરસભામાં પુછ્યું જય-વીરુ કોણ હતા? જવાબ મળ્યો ચોર

મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી થવાની છે એ પહેલાં રાજ્યના રાજકારણમાં શોલેના ગબ્બર, જય-વીરુની એન્ટ્રી થઇ ચૂકી છે. કોંગ્રેસે કમલનાથ અને દિગ્વિજ સિંહને જય-વીરુની જોડી બતાવ્યા હતા. તો કમલ નાથે સોશિયલ મીડિયા પર શિવરાજ સિંહ ચૌહાણને ગબ્બર બતાવી દીધા હતા. હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ જય-વીરુની વાત છેડી હતી.
કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાસંદ જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના સમર્થક અને મૈહર વિધાનસભા પરથી ભાજપના ઉમેદવાર શ્રીકાંત ચતુર્વેદી માટે જાહેરસભાને સંબોધન કરી રહ્યા હતા. તેમણે સભાને સવાલ કર્યો કે જય-વીરુ કોણ હતા? તો એક સાથે શ્રોતાઓએ જવાબ આપ્યો હતો કે ચોર હતા.
તાજેતરમાં કોગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કમલનાથ અને દિગ્વિજય સિંહને જય-વીરુની જોડી બતાવ્યા હતા. એના પર સિંધિયાએ પણ સ્ટેજ પરથી મજા લીધી હતી.
જાહેરસભાને સંબોધતી વખતે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઇશાર ઇશારામાં કમલનાથ અને દિગ્વિજય સિંહની ટીખળ પણ કરી લીધી હતી. સિંધિયાએ કહ્યુ કે, એક પૂર્વ મુખ્યમંત્રીએ બીજા પૂર્વ મુખ્યમંત્રીને અપશબ્દો સાંભળવાનો પાવર ઓફ એર્ટની આપી દીધો છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસમાં એવું છે કે જો તમને ટિકીટથી સંતોષ નથી તો જઇને પૂર્વ મુખ્યમંત્રીના કપડા ફાડો.
સિંધિયાએ કહ્યુ કે મધ્ય પ્રદેશ આવીને કોંગ્રેસ મહાસચિવે કહ્યુ કે કમલનાથ અને દિગ્વિજય તો જય-વીરુની જોડી છે. એ પછી તેમણે લોકોને પુછ્યું કે કેટલાં લોકોએ શોલે ફિલ્મ જોઇ છે? શોલેમાં જય-વીરુનો રોલ શું હતો? લોકોએ એક સાથે જવાબ આપ્યો કે ચોર હતા.
લોકોનો જવાબ સાંભળીને ફોર્મમાં આવી ગયેલા સિંધિયાએ કહ્યુ કે આ પબ્લિક છે જે બધું જ જાણે છે. સાથે જ સિંધિયાએ કૌન બનેગા કરોડપતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમિતાભ બચ્ચનનો રિયાલિટી શો KBC બધા જોતા હશો. અમે કહીએ છીએ કે ખેડુત બનશે કરોડપતિ અને કોંગ્રેસ કહે છે કે નેતા બનશે કરોડપતિ.
મૈહર પહોંચીને મા શારદાના દર્શન કર્યા પછી જ્યોતિરાદિત્યએ મીડિયાને કહ્યું, સિંધિયા પરિવારને ખુરશીની રેસમાં સામેલ ન કરો. સિંધિયા પરિવાર વિકાસ, પ્રગતિ અને જનસેવાના જુસ્સા સાથે દિવસ-રાત કામ કરે છે. કોંગ્રેસની આ જ ઝંખના છે, કોંગ્રેસ જય બની જાય, કોંગ્રેસ વીરુ બની જાય. સિંધિયાએ કહ્યુ કે ન તો અમે અભિનેતા બનવા માંગીએ છીએ, ન તો નેતા બનવા માંગીએ છીએ, ન તો અમે અભિનેત્રી સાથે ઉભા રહીએ છીએ, અમે તો માત્ર લોકોના દિલમાં વસવા માંગીએ છીએ. સિંધિયાએ કહ્યુ કે મધ્ય પ્રદેશમાં પૂર્ણ બહુમતી સાથે ભાજપ સરકાર બનાવશે.