- National
- ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદૂર મામલે સંસદમાં પાકિસ્તાનને ખૂલ્લું પાડી દીધું
ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદૂર મામલે સંસદમાં પાકિસ્તાનને ખૂલ્લું પાડી દીધું
ભારતે પહેલગામ હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર ચલાવ્યું. આ અંતર્ગત પાકિસ્તાનમાં જૈશ અને લશ્કરના આતંકવાદી ઠેકાણાઓને તબાહ કરી દેવામાં આવ્યા. ઓપરેશન મહાદેવ હેઠળ પહેલગામના આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ દરમિયાન, કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે દાવો કર્યો હતો કે, આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાના કોઈ પુરાવા નથી. તેના પર આજે અમિત શાહે સંસદમાં જવાબ આપ્યો હતો. અમિત શાહે પહેલગામના આતંકવાદીઓના પાકિસ્તાન કનેક્શનના 3 પુરાવા બતાવ્યા અને પી ચિદમ્બરમનું નામ લઈને તેમને ખૂબ સંભળાવ્યું.
અમિત શાહે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓની પાકિસ્તાની હોવા પર સવાલ ઉઠાવતા કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની ટિપ્પણીનો જબરદસ્ત જવાબ આપ્યો. તેમણે કહ્યું કે સરકાર પાસે નક્કર પુરાવા છે કે તેઓ પાકિસ્તાનથી આવ્યા હતા. તેમણે કહ્યું કે અમારી પાસે તેમના વોટર ID નંબર છે. પહેલગામ હુમલામાં ઉપયોગ કરવામાં આવેલી રાઇફલ્સ અને કારતૂસ પાકિસ્તાનમાં બની હતી.
આતંકીઓ પાકિસ્તાની હોવાના 3 પુરાવા
1. પાકિસ્તાની વૉટર ID નંબર
2. પાકિસ્તાની ચોકલેટ
3. પાકિસ્તાની હથિયાર- રાઇફલ
અમિત શાહે બતાવ્યા એ 3 પુરાવા
અમિત શાહે પાકિસ્તાની ચોકલેટ, પાકિસ્તાની વૉટર ID અને પાકિસ્તાની રાઇફલનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ નેતાની બોલતી બંધ કરી દીધી. અમિત શાહે કહ્યું કે, ‘ઓપરેશન મહાદેવમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાની વોટર ID કાર્ડ, રાઇફલ અને પાકિસ્તાની ચોકલેટ મળી છે. આ બધી વિગતો આપણી સામે છે. છતા, દેશના પૂર્વ ગૃહમંત્રી પાકિસ્તાનને ક્લીનચીટ કેમ આપી રહ્યા છે? તેમણે પી. ચિદમ્બરમનું નામ લઈને કહ્યું કે જો તેમણે કહ્યું કે આતંકવાદીઓ પાકિસ્તાનના નહોતા, તો પછી આપણે પાકિસ્તાન પર હુમલો કેમ કર્યો?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 'ગઈકાલે તેઓ (કોંગ્રેસ) અમને પૂછી રહ્યા હતા કે આતંકવાદીઓ ક્યાંથી આવ્યા અને તેના માટે કોણ જવાબદાર છે. તેમાં કોઈ શંકા નથી કે, તે અમારી જવાબદારી છે કારણ કે અમે સત્તામાં છીએ. 'ચિદમ્બરમજીએ સવાલ ઉઠાવ્યો કે, આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાના પુરાવા શું છે? હું તેમને પૂછવા માગુ છું કે પાકિસ્તાનને બચાવીને તેમને શું મળશે. જ્યારે તેઓ આમ કહે છે, તો તેનો અર્થ એ છે કે તેઓ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યા છે.’ જ્યારે અમિત શાહ સંસદમાં ઓપરેશન મહાદેવનો ઉલ્લેખ કરી રહ્યા હતા, ત્યારે સંસદ હર હર મહાદેવનો નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો.

