ચૈતર વસાવાની સભામાં માનવ મહેરામણ ઉતરી પડ્યું, જ્યાં જુઓ ત્યાં લોકો, વસાવાએ કરી આ માંગ
ક્રાંતિકારી બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન એક દિવસના ગુજરાત મુલાકાતે આવ્યા હતા, ડેડીયાપાડામાં એક જનસભાને સંબોધિત કરી હતી. તો બીજી તરફ બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભરૂચ જિલ્લાના નેત્રંગમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી (AAP)ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વસાવાએ વિશાળ જનસભાને સંબોધિત કરી હતી, જેમાં મોટીની સંખ્યામાં આદિવાસી ઉમટી પડ્યા હતા. ચૈતર વસાવાએ શક્તિ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના ધારસભ્ય અનંત પટેલ પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.
https://twitter.com/AamAadmiParty/status/1989928484383404061
ધારાસભ્ય વસાવાએ વિશાળ જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, અસલી આદિવાસીઓની ભીડ જોઈ લો, આ અમારી તાકાત છે! AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સભાને સંબોધિત કરતા ક્રાંતિકારી બિરસા મુંડાના ધ્યેયને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બિરસા મુંડાનો ધ્યેય આદિવાસી સમાજ સ્વતંત્ર અને સ્વમાનભેર જીવન જીવે તે હતો. આ પૃથ્વી પર માનવ સભ્યતાનો ઉદ્ભવ થયો ત્યારે સૌ પ્રથમ આદિવાસીઓ આવ્યા. તેમણે ખેતીની શોધ કરી, કબીલાઓ બનાવીને તેઓ શાંતિથી પ્રકૃતિ સાથે જીવન જીવી રહ્યા હતા. પરંતુ સમય જતા સંપત્તિ, સત્તા અને સ્ત્રીઓ માટે લડાઈ થઈ, જેના કારણે આદિવાસીઓ પર આક્રમણ થયા અને તેમનું શોષણ કરવામાં આવ્યું.
તેમણે કહ્યું કે, દેશ પર ડચ, મુગલ, અંગ્રેજોએ શાસન કર્યું ત્યારથી લઈને આજ દિન સુધી આદિવાસી સમાજનું શોષણ જ થઈ રહ્યું છે. બિરસા મુંડા, ગુરુ ગોવિંદસિંહનો ઇતિહાસ કે પછી માનગઢના હત્યાકાંડનો ઇતિહાસ સાક્ષી છે કે આદિવાસીઓએ અંગ્રેજોને હંફાવ્યા હતા, પરંતુ અંગ્રેજોએ કુટનીતિ અપનાવીને નરસંહાર કર્યો, જેમાં આપણા લોકોને શહીદી વહોરવી પડી.’
ચૈતર વસાવાએ દેશની આઝાદીમાં આદિવાસીઓના યોગદાનને યાદ કરતાં બંધારણીય જોગવાઈઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે, દેશ આઝાદ થયો, લોકશાહી આવી અને બંધારણ બન્યું, જેમાં અનુસૂચિત વિસ્તારો માટે જોગવાઈઓ કરાઈ છે. દેશના આસામ, સિક્કિમ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય જેવા રાજ્યોમાં અનુસૂચિ-6 લાગૂ કરવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિ-5 પણ લાગૂ કરવામાં આવી નથી. અનુસૂચિ-5ની જોગવાઈઓ હોવા છતા સત્તામાં બેઠેલા લોકો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીન, સંપત્તિ, કુદરતી સંસાધનો અને ખનીજો છીનવી રહ્યા છે.’
વસાવાએ કહ્યું કે, રોડ, કોરિડોર, હાઇડ્રો પાવર અને સરકારી આવાસના નામે આદિવાસીઓની જમીન છીનવાઈ રહી છે. નરેન્દ્ર મોદી 24 વર્ષથી સત્તામાં હોવા છતા આજે પણ આદિવાસી લોકો શિક્ષકો માટે, નર્મદાના પાણી માટે અને પોતાની જમીનો બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે. આપણી એકતાના કારણે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને બીજા મંત્રીઓ ડેડિયાપાડાની ગલીઓમાં ફરી રહ્યા છે. વસાવાએ 4 વર્ષ અગાઉ ડેડિયાપાડામાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોલીસ અને RSSના લોકો સાથે મળીને ભગવાન બિરસા મુંડાની મૂર્તિની સ્થાપનાને રોકી હતી તેની વાત યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આપણા તમામની તાકાત છે કે આજે દેશના વડાપ્રધાનને ડેડિયાપાડા આવવું પડે છે.’

