- Politics
- આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા
બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે લાંબી બેઠક યોજી હતી. પ્રશ્ન એ હતો કે પાર્ટી આટલી ખરાબ રીતે કેમ હારી અને આગળ શું? તેમાં ન માત્ર કોંગ્રેસની ખામીઓ પર વાત કરવામાં આવી, પરંતુ મહાગઠબંધનની રણનીતિ અને નેતૃત્વ અંગે પણ અનેક પ્રશ્નો ઉભા કરી દેવામાં આવ્યા. પાર્ટીના નેતાઓએ હાર માટે 7 કારણો ગણાવ્યા, પરંતુ સૌથી ખાસ વાત એ છે કે હાર માટે RJD અને તેજસ્વી યાદવ પર ઠીકરો ફોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસે હાર માટે 7 કારણો સ્વીકાર્યા
1. RJDએ કોંગ્રેસને ‘ડમ્પિંગ ગ્રાઉન્ડ’વાળી બેઠકો આપી
કોંગ્રેસના નેતાઓએ ખૂલીને સ્વીકાર્યું કે સીટ વિતરણ હારનું સૌથી મોટું કારણ હતું. કોંગ્રેસે 61 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી 23 એવી જગ્યાઓ હતી જ્યાં કોંગ્રેસ કે RJD ક્યારેય જીત મળી નથી. 15 બેઠકો પર પાર્ટી કે RJD માત્ર એક જ વાર જીતી હતી. કુલ મળીને, કોંગ્રેસને માત્ર 14 જીતી શકાય તેવી બેઠકો મળી હતી, જેમાંથી તેણે 6 બેઠકો જીતી. આ ઉપરાંત સહયોગી પક્ષો વચ્ચે મૈત્રીપૂર્ણ લડાઈઓના પરિણામે 9 બેઠકો પર નુકસાન થયું. બેઠકમાં ઘણા નેતાઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે RJDએ તેમને જીતી શકાય તેવી બેઠકો ન આપી, તેના બદલે તેમના નબળા વિસ્તારો આપી દીધા.
2. તેજસ્વીને બળજબરીથી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાનું દબાણ
બેઠકમાં એ પણ સ્વીકારવામાં આવ્યું હતું કે RJD વારંવાર તેજસ્વી યાદવને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવા માટે આગ્રહ કરતી રહી, જ્યારે મહાગઠબંધનના નેતાનો એ હતા, જેને સરકારની રચના વખતે સર્વસહમતિથી નિર્ણય લેવાનો હતો. કોંગ્રેસના મતે આ બળજબરીથી નેતૃત્વ થોપવાની રાજનીતિની ઘણા સમુદાયો પર નકારાત્મક અસર પડી હતી. તેજસ્વીને મુખ્યમંત્રી જાહેર કરવાની મજબૂરીને કારણે મહાગઠબંધને મુકેશ સાહનીને નાયબ મુખ્યમંત્રી તરીકે પણ વચન આપવું પડ્યું હતું, જેનાથી મુસ્લિમ અને ઉચ્ચ જાતિના મતદારો બંને અલગ થઈ ગયા હતા. મુસ્લિમ મતોનો મોટો હિસ્સો ઓવૈસી અને JDU તરફ ગયો અને દલિત મતોમાં પણ સેંધ લાગી.
3. નીતિશ કુમારની તુલનામાં તેજસ્વી યાદવની છબી નબળી
કોંગ્રેસના સમીક્ષા અહેવાલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તેજસ્વી યાદવ હજુ પણ નીતિશ કુમાર જેવા અનુભવી ચહેરાની બરાબરી સામનો કરી શકતા નથી. નીતિશના શાસન મોડલની ગમે તેટલી ટીકા કેમ ન થઇ હોય, પરંતુ પ્રશાસન, અનુભવ અને સ્થિરતાની તેમની છબી હજુ પણ તેમના પક્ષમાં ગઈ. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, ‘જ્યારે મુખ્યમંત્રીનો ચહેરો નબળો હોય છે, તો ગઠબંધનના બાકીના પ્રયાસો નિરર્થક હોય છે.’
4. તેજસ્વી ચૂંટણીમાં મોડેથી ઉતર્યા, મુદ્દાઓ લોકો સુધી ન પહોંચ્યા
તેજસ્વી યાદવે પાંચ વર્ષ સુધી વિપક્ષમાં રહવા છતા જરૂરી આક્રમકતા ન બતાવી જેની જરૂરિયાત હતી. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન છેલ્લી ઘડીએ વચનોનો મારો ચલાવ્યો. રાહુલ ગાંધીએ બેઠક કહ્યું કે તેજસ્વીએ લાંબા સમય સુધી અને સતત રોજગાર, સ્થળાંતર, ખેડૂતોની તકલીફ અને લાભાર્થી યોજનાઓ જેવા મુખ્ય મુદ્દાઓ ઉઠાવવા જોઈતા હતા. અંતિમ દિવસોમાં દરરોજ 18 રેલીઓ યોજવી એ ફક્ત ‘ઉમેદવારને જીતાડોની અપીલ સુધી મર્યાદિત હતી.
5. ભાજપનું ગ્રાઉન્ડ મેનેજમેન્ટ અને જીવિકા મોડલ
કોંગ્રેસે બેઠકમાં સ્વીકાર્યું કે ભાજપે આ વખતે મજબૂત ગ્રાઉન્ડ ગેમ રમી છે. પાર્ટીએ અન્ય રાજ્યોમાંથી સેંકડો કાર્યકરોને બિહાર મોકલ્યા, જેમને ટિકિટ, પૈસા અને જવાબદારીઓ આપવામાં આવી. આ ઉપરાંત જીવિકા દિદીઓને ચૂંટણી દરમિયાન પણ 10,000 રૂપિયા મળતા રહ્યા- જેનાથી મહિલા મતદારોમાં ભાજપને ફાયદો થયો. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે આનાથી ચૂંટણી પંચની ભૂમિકા અને દેખરેખ પર પણ પ્રશ્નો ઉભા થાય છે, પરંતુ વિરોધ છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
6. મત ચોરી અને EVM પર નબળી રણનીતિ
કોંગ્રેસે મત ચોરી અને ચૂંટણી પંચ-ભાજપ વચ્ચેની મિલીભગતને મોટો મુદ્દો બનાવ્યો અને આગળ પણ ઉઠાવવાની વાત કહી. રાહુલ ગાંધીએ તેમની યાત્રા દ્વારા જનતા સમક્ષ આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોંગ્રેસના નાના સંગઠન અને મર્યાદિત સંસાધનોને કારણે આ મુદ્દો મોટા પ્રમાણમાં ન ફેલાઈ શક્યો. કોંગ્રેસે એમ પણ કહ્યું કે તેજસ્વી યાદવે મમતા બેનર્જી જેટલી આક્રમક રીતે આ મુદ્દો ન ઉઠાવ્યો અને જનતા સાથે જોડાવામાં નિષ્ફળ ગયા. બેઠકમાં હાજર એક નેતાએ કહ્યું, ‘મોટી પાર્ટી હોવા છતા RJD ચૂપ રહી, જેના કારણે સમગ્ર વિપક્ષનો મુદ્દો અધૂરો રહ્યો.’
7. કોંગ્રેસ હવે આંકડાઓ સાથે લડાઈ લડશે
પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ કોંગ્રેસે એક નવો પ્લાન તૈયાર કર્યો છે. પાર્ટી આગામી દિવસોમાં મત ચોરી, EVM સાથે છેડછાડ અને SIR સંબંધિત ડેટા એકત્રિત કરશે અને તેને સાર્વજનિક કરશે. રાહુલ ગાંધી અને ખડગેએ લાલુ યાદવ અને તેજસ્વી યાદવ સાથે ફોન પર વાત કરી છે અને હવે કોંગ્રેસ હવે ઈન્ડિયા બ્લોકના અન્ય પક્ષોનો સંપર્ક કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરમાં દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલીની યોજના છે, જ્યાં કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી ચોરીનો મુદ્દો ઉઠાવશે અને વિપક્ષી પક્ષોને એક કરવાનો પ્રયાસ કરશે.

