- Gujarat
- જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડનગરની માટીમાંથી પેદા થયેલા ભારત ભૂમિના સૌથી મોટા જૂઠ્ઠા કહ્યા હતા. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું હતું કે જે વડનગરનો વિકાસ ન કરી શક્યો તે વિશ્વગુરુ બનવાના પ્રયાસ કરે છે. આ નિવેદનને કરાને આ તકે મોદી સમાજના આગેવાનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે
આ મુદ્દે આજે મોદી સમાજના આગેવાનોએ અમદાવાદ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે કહ્યું કે મોદી સામે મેવાણીનું કોઈ અસ્તિત્વ નથી. તેમના આકાઓ મોદીના શરણે થઈ ગયા, તો મેવાણીનું શું આવે? તેમણે માગ કરી કે, મેવાણી જાહેરમાં માફી માગે. તથા ભવિષ્યમાં આવો વાણીવિલાસ ન કરવા માટે પણ ચેતવ્યા હતા.
મોદી સમાજના પ્રવક્તા નીરવ મોદીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા માર્ફતે તમને પણ વીડિયો જોવા મળ્યા હશે. જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસના ધારાસભ્ય છે, તેમણે સુંઢિયા ગામે વડનગરમાં 30 તારીખે એક જાહેર સભામાં નરેન્દ્ર મોદીને લઇને અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો. નરેન્દ્ર મોદી અમારા સમાજનું સ્વાભિમાન છે, અમારું ગર્વ છે તેમના માટે આવા શબ્દોનો ઉપયોગ કરવા યોગ્ય નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક લોકશાહીની અંદર વાણી સ્વતંત્રતા છે, પણ એનો મતલબ એ નથી કે આપણે દરેક માટે ગમે ત્યાં વાપરી શકીએ. દરેકમાં એક મર્યાદા હોવી જોઇએ જે તેઓ ચૂક્યા છે, જેના કારણે અમને ખૂબ આક્રોશ છે. આ આક્રોશ અમે જાહેરમાં આવીને પણ વ્યક્ત કરી શકતા હતા, પરંતુ આજે શાંતિપ્રિય માર્ગે અમે 15-20 સભ્ય-આગેવાનો આગળ આવીને અમે આ વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.
મુંબઈ-પુણે મોદી સમાજના પ્રેસિડેન્ટ જયંતિભાઈ મોદીએ જણાવ્યું હતું કે, રાજનીતિ અલગ વસ્તુ છે, પરંતુ મોદી સાહેબ અમારા સમાજના છે, અમારા ગામના છે, અમારી પવિત્ર ભૂમિના છે, તેનું અમને ગૌરવ છે, અમારું અભિમાન છે. આજે પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ નરેન્દ્ર મોદી માટે જિગ્નેશ મેવાણીએ વડનગરની પવિત્ર ભૂમિની બાજુના સુંઢિયા ગામમાં જે વાણી વિલાસ કર્યો છે, જે તુચ્છ શબ્દોનો ઉપયોગ કર્યો છે, શબ્દોની મર્યાદા ચૂકી ગયા છે, ભાષાની મર્યાદા ચૂકી ગયા છે, ત્યારે આ શબ્દોનો અને એની ખરાબ ભાષાનો અમે મોદી સમાજના યુવાનો સખત વિરોધ કરીએ છીએ.
મેવાણીના આકાઓે મુંબઈ-દિલ્હીમાં છે, એ લોકો પણ નરેન્દ્ર મોદીના શરણે થઈ ગયા છે, તો જિગ્નેશ મેવાણી એક ધારાસભ્ય સુંઢિયા ગામમાં જે વાણીવિલાસ કરે છે, તેનું અમે જાહેરમાં ખંડન કરીએ છીએ અને જાહેરમાં એ માફી માગે એવો પણ એક આગ્રહ કરીએ છીએ. અમે પ્રતિકાત્મક વિરોધ કરવા માટે 25-30 યુવાનો કલેક્ટરે કચેરીએ આવ્યા છીએ.

