- Politics
- મહિલાઓને દર મહિને રૂ. 2,500, દુલ્હનોને 8 ગ્રામ સોનું... તમિલનાડુ માટે વિજયનો ચૂંટણી ઢંઢેરો
મહિલાઓને દર મહિને રૂ. 2,500, દુલ્હનોને 8 ગ્રામ સોનું... તમિલનાડુ માટે વિજયનો ચૂંટણી ઢંઢેરો
તમિલનાડુમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, અને સુપરસ્ટાર થલપતિ વિજયની રાજકારણમાં એન્ટ્રીથી વાતાવરણ ગરમાયું છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયે પોતાની પાર્ટી, તમિલનાડુ વેટ્રી કઝગમ (TVK) માટે અનેક વચનો જાહેર કર્યા છે, જે સામાન્ય લોકોની જરૂરિયાતો સાથે જોડાયેલા છે. મહિલાઓને માસિક રોકડ સહાયથી લઈને નવી દુલ્હનો માટે સોના સુધી, વિજયે ઘણી જાહેરાતો કરી છે જે રાજ્યના મુખ્ય રાજકીય પક્ષોમાં ચિંતા પેદા કરશે. આ જાહેરાતો 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના એક દિવસ અગાઉ આવી છે, જેને મહિલાઓને આકર્ષવા માટે તેમનો ચૂંટણીનો મુખ્ય દાવ માનવામાં આવી રહ્યો છે.
વિજયે સૌથી મોટો દાવ મહિલા વૉટ બેંક પર લગાવ્યો છે. તેણે વચન આપ્યું છે કે, જો તેની પાર્ટી સત્તામાં આવશે, તો 60 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને દર મહિને 2,500 રૂપિયાની સીધી નાણાકીય સહાય મળશે. આ રકમ વર્તમાન તમિલનાડુ સરકાર અને અન્ય વિપક્ષી પાર્ટીઓના વચનો કરતા વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ યોજના પાછળ વિજયનો તર્ક એ છે કે, આ પૈસા સીધા મહિલાઓના ખાતામાં જશે જેથી તેઓ તેમની નાની-મોટી જરૂરિયાતો માટે કોઈ પર નિર્ભર ન રહે. જોકે, રાજ્ય કે કેન્દ્ર સરકારમાં નોકરી કરતી મહિલાઓને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવી છે.
https://twitter.com/ANI/status/2030256987049693507?s=20
માત્ર માસિક ભથ્થું જ નહીં, વિજયે પરિવારોને ધ્યાનમાં રાખીને ‘અન્નપૂર્ણી સુપર 6’ યોજનાની પણ જાહેરાત કરી છે. આ યોજના હેઠળ તેણે વચન આપ્યું છે કે, ગરીબ પરિવારોની દુલ્હનોને તેમના લગ્ન સમયે સરકાર તરફથી રેશમી સાડી અને 8 ગ્રામ સોનું મળશે. સાથે જ, રસોડાનો ખર્ચ ઘટાડવા માટે દરેક પરિવારને દર વર્ષે 6 મફત ગેસ સિલિન્ડર આપવાની ખાતરી આપવામાં આવી છે. આટલું જ નહીં, વિજયે એવી પણ જાહેરાત કરી છે કે તમિલનાડુમાં જન્મેલા દરેક બાળકને સરકાર તરફથી ભેટ તરીકે સોનાની વીંટી આપવામાં આવશે.
https://twitter.com/ANI/status/2030268696808325392?s=20
સુવિધાઓ સાથે-સાથે મહિલાઓનીને પણ સુરક્ષા પણ વિજયે તેમની પ્રાથમિકતા ગણાવી છે. એટલે તેણે કહ્યું છે કે આ માટે એક અલગ વિભાગ બનાવવામાં આવશે, જેની જવાબદારી તે પોતે સાંભળશે. તેણે ‘વેત્રી પયાનમ’ નામની યોજનાનો ઉલ્લેખ કર્યો, જેના દ્વારા મહિલાઓ સમગ્ર તમિલનાડુમાં સરકારી બસોમાં મફત મુસાફરી કરી શકશે. સુરક્ષા હેતુઓ માટે ‘રાની વેલુનાચીયાર ટીમો’ બનાવવામાં આવશે, જે બોડી કેમેરાથી સજ્જ હશે. આ ઉપરાંત, બસો અને જાહેર પરિવહનમાં પેનિક બટનો લગાવવામાં આવશે, જે 24 કલાક મોનિટરિંગ સેન્ટર સાથે જોડાયેલા હશે.
વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, વિજયે ‘કામરાજર કાલવીકલ્વી ઉરુથી થિટ્ટમ’ યોજનાનું વચન આપ્યું છે. આ યોજના હેઠળ, વિદ્યાર્થીઓને વાર્ષિક 15,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે, જેથી પૈસાની અછત તેમના શિક્ષણમાં અવરોધ ન બને. આ સાથે જ શાળાઓ, કૉલેજો અને રેશનની દુકાનોમાં મફત સેનિટરી પેડ આપવાનું પણ વચન આપ્યું છે. વિજયનું કહેવું છે કે આ દિશામાં અત્યાર સુધી જે કાર્ય કરવામાં આવ્યું છે તે પૂરતું નથી. તેમની સરકાર તેને દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડશે.
એક તરફ વચનોનો વરસાદ થયો ત્યારે બીજી તરફ વિજયે વર્તમાન મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે તમિલનાડુના 4.39 લાખ કરોડ રૂપિયાના બજેટનો મોટો હિસ્સો ભ્રષ્ટાચારને ભેંટ ચઢી જાય છે. નિશાન સાધતા વિજયે કહ્યું કે, સ્ટાલિન સરકાર ઘણીવાર ભંડોળના અભાવને લઈને રડે છે, પરંતુ વાસ્તવિક સમસ્યા ઇરાદાઓ અને ભ્રષ્ટાચારમાં રહેલી છે. અંતે, તેણે જનતાને ખાતરી આપી કે જો તેનો પક્ષ સત્તામાં આવશે તો ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જનતાના પૈસાનો એક-એક પૈસો તેમના જ કામમાં લગાવવામાં આવશે.

