- Politics
- ન MLA, ન MLC, ન ચૂંટણી લડી છતા નીતિશ સરકારમાં મંત્રી કેવી રીતે બન્યા 36 વર્ષીય દીપક પ્રકાશ
ન MLA, ન MLC, ન ચૂંટણી લડી છતા નીતિશ સરકારમાં મંત્રી કેવી રીતે બન્યા 36 વર્ષીય દીપક પ્રકાશ
ગુરુવારે જ્યારે નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમની સાથે 26 અન્ય કેબિનેટ સભ્યોએ પણ શપથ લીધા. જોકે, રાષ્ટ્રીય લોક મોરચા (RLM)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાના પુત્ર દીપક પ્રકાશ એક ચોંકાવનારી એન્ટ્રી સાબિત થયા. દીપક પ્રકાશ ન તો ધારાસભ્ય છે કે ન તો બિહાર વિધાન પરિષદના સભ્ય. પરંતુ, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને RLMના એકમાત્ર મંત્રી તરીકે શપથ લેવડાવ્યા. જ્યારે એવી અટકળો ચાલી રહી હતી કે સાસારામથી ધારાસભ્ય બનેલા ઉપેન્દ્ર કુશવાહાના પત્ની સ્નેહલતાને નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે.
NDAના ઘટક દળ RLMએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં લડેલી 6 બેઠકોમાંથી 4 બેઠકો જીતી હતી. તેમાં બજપટ્ટી, મધુબની, સાસારામ અને દિનારાનો સમાવેશ થાય છે. પરંતુ, આ સીટો પર ઉપેન્દ્ર કુશવાહાની પત્ની સહિત 4 ધારાસભ્યોને બદલે અચાનક દીપક પ્રકાશને નીતિશ સરકારમાં સામેલ કરવામાં આવતા જાણકાર પણ હેરાની વ્યક્ત કરી રહ્યા છે. લગભગ 19 વર્ષથી સત્તામાં રહેલા નીતિશ કુમારે નવી સરકારમાં જનતા દળ યુનાઇટેડ (JDU) અને ભાજપમાંથી ઘણા જૂના ચહેરાઓનો સમાવેશ કર્યો છે. જોકે, કેટલાક નવા ચહેરાઓને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે અને જાતિ સમીકરણોને સંતુલિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નીતિશના મંત્રીમંડળમાં 26 સભ્યોમાંથી 10 નવા છે, જેમાંથી એક દીપક પ્રકાશ છે. RLMના સૂત્રો અનુસાર, દીપક પ્રકાશ બિહારના રાજકારણમાં એક અજાણ્યું નામ છે. તેઓ તાજેતરમાં વિદેશમાં અભ્યાસ કરીને પાછા ફર્યા છે.
શપથ ગ્રહણ સમારોહ બાદ દીપક પ્રકાશે પત્રકારોને કહ્યું કે, ‘મારા પિતા જ મારી પ્રેરણા છે. આ કારણે જ મેં રાજકારણમાં આવવાનો નિર્ણય લીધો. મંત્રીમંડળમાં મારા સમાવેશના સમાચાર મારા માટે પણ આશ્ચર્યજનક હતા.’ પુત્ર નીતિશ સરકારમાં સામેલ થયા બાદ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, ‘અમે હંમેશાં આ વિચારના સમર્થક રહ્યા છીએ કે યુવાનો આગળ આવવા જોઇએ. તક મળે ત્યારે યુવાનોને આગળ લાવવા જોઈએ; તેમની પાસે કામ કરવાની વધુ ક્ષમતા હોય છે. આ ક્ષમતાનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં થવો જોઈએ, સ્વાભાવિક રીતે, રાજકારણમાં પણ. બિહારના લોકોએ નવી જવાબદારી સોંપી છે. અમે આ જવાબદારીથી સંપૂર્ણપણે વાકેફ છીએ. અમે આ જવાબદારી સારી રીતે નિભાવીશું. અમે લોકોની સેવા એ જ રીતે કરતા રહીશું જે રીતે અમે કરતા આવ્યા છીએ.’
જોકે નિયમો અનુસાર, દીપક પ્રકાશે મંત્રીમંડળમાં જોડાયાના 6 મહિનાની અંદર રાજ્ય વિધાનસભાના કોઈપણ ગૃહના સભ્ય બનવું આવશ્યક છે. એટલે કે તેઓ હવે MLC બની શકે છે. વરિષ્ઠ પત્રકાર ફૈઝાન અહમદ આને ઉપેન્દ્ર કુશવાહ માટે બેવડો ફાયદો ગણાવે છે. BBCના અહેવાલ મુજબ તેમણે કહ્યું કે, ‘ઉપેન્દ્ર કુશવાહાએ તેમની પત્નીને ટિકિટ અપાવી અને તેઓ જીતીને ધારાસભ્ય બની ગયા. હવે તેમની પાસે 4 ધારાસભ્યો છે. ત્યારબાદ તેમની મંશા હતી કે અમે મંત્રીમંડળમાં જોડાઈએ અને વિધાન પરિષદમાં પણ સીટ મળી જાય. જો તેઓ પોતાના કોઈ ધારાસભ્યને મંત્રી બનાવતા તો વિધાન પરિષદની બેઠક માટેની દાવેદારી હતી તે ન થઈ શકતી. તેમણે પોતાની પત્નીને મંત્રી બનાવવાને બદલે પોતાના પુત્રને મંત્રી બનાવ્યા. તેમની પત્નીનો રાજકારણમાં બહુ મોટો ફાળો નથી, પરંતુ તેમણે તેમને ટિકિટ આપી અને ચૂંટણી લડાવી દીધી, પરંતુ તેમના પુત્રનો કોઈ ઉલ્લેખ નહોતો.’
દીપક પ્રકાશ કોણ છે?
ફૈઝાન અહમદના જણાવ્યા અનુસાર, ‘બિહાર સરકારમાં નવા મંત્રી દીપક પ્રકાશ બાબતે તેમની પાર્ટી, RLMએ જણાવ્યું હતું કે, 1989માં જન્મેલા દીપક 2011માં સિક્કિમ મણિપાલથી એન્જિનિયરિંગમાં સ્નાતક થયા હતા. 2 વર્ષ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યા બાદ, તેઓ સેલ્ફ એમ્પલોયડ થઈ ગયા.’ પાર્ટીએ એવો પણ દાવો કર્યો હતો કે દીપક 2019-20થી રાજકારણમાં સક્રિય છે. જોકે, ફૈઝાન અહમદ કહે છે કે તેઓ રાજકારણમાં સક્રિય રીતે ખૂબ ઓછા જોવા મળ્યા છે અને લોકો દીપક પ્રકાશ બાબતે ખૂબ ઓછા જાણે છે. તેઓ કહે છે કે, ‘કોઈ તેમને ઓળખતું જ નથી. તેમની ક્યારેય કોઈ ગતિવિધિ જોવા મળી નથી જે દર્શાવે કે તેઓ શું કરે છે. કોઈ તેમના વિશે કંઈ જાણતું નથી.’
નીતિશનું મંત્રી મંડળ
ભાજપના નેતાઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. બંને પાછલી સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા. તો JDUએ પોતાના ક્વોટામાંથી બિજેન્દ્ર પ્રસાદ યાદવ, વિજય કુમાર ચૌધરી અને શ્રવણ કુમારને મંત્રીમંડળમાં જાળવી રાખ્યા છે. ભાજપે પાછલી સરકારના 4 મંત્રી મંગલ પાંડે, પ્રમોદ કુમાર, સુરેન્દ્ર પ્રસાદ મહેતા અને નીતિન નવીન ને મંત્રીમંડળમાં ફરીથી સામેલ કર્યા છે. દિલીપ જાયસ્વાલ અને નારાયણ પ્રસાદ બે અન્ય નેતાઓ છે જેઓ ઓછા સમયના બ્રેક બાદ મંત્રીમંડળમાં પાછા ફર્યા છે. NDAના ઘટક દળ HAMએ જીતન રામ માંઝીના પુત્ર સંતોષ કુમાર સુમનને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે.
નવા ચહેરાઓમાં શૂટરમાંથી રાજકારણી બનેલા શ્રેયસી સિંહ, ઔરાઈના રમા નિષાદ, રામ કૃપાલ યાદવ, સંજય કુમાર સિંહ અને સંજય કુમારનો સમાવેશ થાય છે. શ્રેયસી સિંહ અને રમા નિષાદ ઉપરાંત, લેશી સિંહ પણ મંત્રીમંડળમાં મહિલા મંત્રી છે. 27 સભ્યોમાંથી 8 સવર્ણ, 5 દલિત, એક મુસ્લિમ અને 13 OBC/EBC વર્ગમાંથી આવે છે. પક્ષવાર યાદી જોઈએ તો મંત્રીમંડળમાં ભાજપના 14, JDUના 8, LJP(R)ના 2 અને HAM અને RLMના 1-1 મંત્રી હશે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપ 89 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની. રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ 36 મંત્રીઓ હોઈ શકે છે.

