- Politics
- કેરળમમાં સ્પષ્ટ બહુમતિ છતા કોંગ્રેસ એક CM કેમ નક્કી નથી કરી શકતી?
કેરળમમાં સ્પષ્ટ બહુમતિ છતા કોંગ્રેસ એક CM કેમ નક્કી નથી કરી શકતી?
કેરળમમાં સત્તા મળ્યા બાદ પણ મુખ્યમંત્રી કોણ બનશે તે પ્રશ્ન કોંગ્રેસ માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. પાર્ટી અત્યારે ત્રણ જૂથોમાં વહેંચાઈ ગઈ છે: કે.સી. વેણુગોપાલ, વી.ડી. સતીશન અને રમેશ ચેન્નીથલા. આ વિવાદને ઉકેલવા માટે મંગળવારે રાહુલ ગાંધીએ દિલ્હીમાં રાજ્યના પૂર્વ પ્રમુખો સાથે બેઠક કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લઈ શકાયો નથી.
વાયનાડમાં રાહુલ-પ્રિયંકા વિરુદ્ધ પોસ્ટર વોર
વાયનાડમાં જિલ્લા કોંગ્રેસ કમિટીની ઓફિસની બહાર લાગેલા પોસ્ટરોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ પોસ્ટરોમાં રાહુલ અને પ્રિયંકા ગાંધીને સીધી ચેતવણી આપવામાં આવી છે કે જો કે.સી. વેણુગોપાલને મુખ્યમંત્રી બનાવવામાં આવશે, તો પરિણામ ભયાનક આવશે. પોસ્ટરમાં લખાયું છે કે મિસ્ટર રાહુલ અને પ્રિયંકા, વાયનાડ ભૂલી જજો. તમે અહીંથી ફરી ક્યારેય જીતી શકશો નહીં. એક પોસ્ટરમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ખોટો નિર્ણય લેવાશે તો વાયનાડ બીજું અમેઠી બની જશે (રાહુલ ગાંધી 2019માં અમેઠીથી હારી ગયા હતા). અન્ય એક પોસ્ટરમાં લખ્યું હતું કે, કે.સી. તમારા બેગ ઉંચકનાર (Bag bearer) હોઈ શકે છે, પરંતુ કેરળમની જનતા તમને ક્યારેય માફ નહીં કરે.

મુખ્યમંત્રી પદના ત્રણ દાવેદારો અને સમીકરણો
1. કે.સી. વેણુગોપાલ: ગાંધી પરિવારની અત્યંત નજીક હોવાથી તેમનું પલ્લું ભારે છે. 63 માંથી મોટાભાગના ધારાસભ્યોએ નિરીક્ષકો સામે તેમનું નામ લીધું છે. જોકે, તેઓ મુખ્યમંત્રી બને તો તેમણે આલપ્પુઝા લોકસભા બેઠક છોડવી પડશે અને 6 મહિનામાં પેટાચૂંટણી લડવી પડશે.
2. વી.ડી. સતીશન: ચૂંટણીમાં જીતના ખરા શિલ્પી ગણાય છે અને જનતામાં લોકપ્રિય છે. મહત્વની વાત એ છે કે, સહયોગી પક્ષ IUML (મુસ્લિમ લીગ) સતીશનના સમર્થનમાં છે.
3. રમેશ ચેન્નીથલા: તેઓ પણ અનુભવી નેતા છે અને મુખ્યમંત્રી પદની રેસમાં અડગ છે.

સહયોગી પક્ષોની નારાજગી અને વિપક્ષનો હુમલો
IUML ના નેતાઓએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે આટલો વિલંબ જનતામાં ખોટો સંદેશ મોકલી રહ્યો છે. ચૂંટણીમાં મળેલી જીતનો ઉત્સાહ આ અનિશ્ચિતતાને કારણે ઠંડો પડી રહ્યો છે.
બીજી તરફ, BJP અને LDF એ આ તકનો લાભ ઉઠાવી કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. વિપક્ષોનું કહેવું છે કે જે પાર્ટી સ્પષ્ટ જનાદેશ મળ્યા બાદ પણ પોતાના નેતા નક્કી કરી શકતી નથી, તે રાજ્યનું શાસન કેવી રીતે ચલાવશે?
હાલમાં દિલ્હીમાં પરામર્શ ચાલુ છે, પરંતુ વાયનાડના પોસ્ટરોએ હાઈકમાન્ડને વિચારવા મજબૂર કરી દીધું છે. નિર્ણયમાં વધુ વિલંબ કેરળમ કોંગ્રેસમાં મોટી ફૂટ પાડી શકે છે.

