તમામ ટ્રેનોમાં હવે 6 કલાક માટે ફોન, લેપટોપ, પાવર બેંક ચાર્જ નહીં કરી શકો, રેલવેએ આ સમયગાળા માટે પ્રતિબંધ મુકી દીધો
રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર છે! ભારતીય રેલવેએ મુસાફરોની સુરક્ષા વધુ મજબૂત કરવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ટ્રેનોમાં મુસાફરી દરમિયાન રાત્રે 11:00 થી સવારે 5:00 વાગ્યાની વચ્ચે મોબાઈલ ફોન ચાર્જ કરવાની સુવિધા નહીં મળે. એટલે કે, આ સમયગાળા દરમિયાન ટ્રેનોમાં મોબાઈલ ફોન અને લેપટોપ માટેના ચાર્જિંગ સોકેટ્સનો પાવર સપ્લાય સંપૂર્ણપણે બંધ રહેશે. હવે તમે વિચાર કરતા હશો કે, આવું તો પહેલાથી જ હતું? આમાં નવું શું છે? તમારી વાત એકદમ સાચી છે. રેલવે બોર્ડે 19 જૂન, 2014ના રોજ નિર્દેશ આપ્યા હતા, પરંતુ હવે તેનો કડકાઈથી અમલ કરવામાં આવશે.
ગત 25 ઓક્ટોબરના રોજ, મુંબઈ-હાવડા જતી ટ્રેન 1280 મુંબઇ મેલ ઓડિશાના બંડામુંડા નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે તેના કોચ B-3માં એક મુસાફરનું પાવર બેંક ચાર્જ થઈ રહ્યું હતું તે દરમિયાન તેમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખીને, રેલવે બોર્ડના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી (ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ/જનરલ), સૌમિત ગુપ્તાએ કોચમાં મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સને રાત્રે 11:00 થી સવારે 5:00 વાગ્યાની વચ્ચે બંધ રાખવાના નિર્દેશો આપ્યા છે. તેમણે પોતાના આદેશમાં કહ્યું છે કે, તાજેતરમાં દક્ષિણ-પૂર્વ રેલવેની એક ઘટના થઇ છે, જેમાં ટ્રેનના સ્ટાફ રાત્રિ દરમિયાન મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ બંધ કરી શક્યો નહોતો.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે મુસાફરી દરમિયા મુસાફરો ઘણીવાર સૂતી વખતે તેમના મોબાઈલ ફોન, લેપટોપ કે પાવર બેંકને ચાર્જિંગમાં મૂકી દે છે, જેના કારણે ડિવાઇસ ઓવરચાર્જિંગને કારણે વધુ ગરમ થઈ જાય છે. જેના કારણે, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ તમામ મેલ, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોમાં રાત્રિ દરમિયાન મોબાઈલ ફોન, લેપટોપ અને પાવર બેંક માટેની ચાર્જિંગ સુવિધાના ઉપયોગ પર કામચલાઉ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
આ આદેશ બાદ ટ્રેન સ્ટાફે કે નિર્ધારિત સમય દરમિયાન ચાર્જિંગ પોઈન્ટ્સ બંધ કરવાના અનિવાર્ય રહેશે. રેલવે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે રાત્રે 11:00 થી સવારે 5:00 વાગ્યાની વચ્ચે ચાર્જિંગ પોઈન્ટ્સ બંધ રાખવાના નિયમમાં કોઈ અપવાદ નહીં થાય. સંબંધિત કર્મચારીઓને આ નિયમોનું પાલન કરવા માટે ઉચિત માર્ગદર્શન અને તાલીમ આપવા અંગે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. એટલે, જો તમે રાત્રિના સમયે ભારતીય રેલવેમાં મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા હોવ, તો ઘર છોડતા પહેલા તમારા ફોન કે લેપટોપને ચાર્જ કરવાનું ન ભૂલતા. એટલે કે ચાર્જ કરીને રાખજો.

