- World
- 2 વર્ષમાં, ટ્રમ્પે 8 દેશોની ચૂંટણીઓમાં ખુલ્લેઆમ દખલગીરી કરી, 6માં હાર્યા, શું અમેરિકી પ્રભાવ ઘટી રહ્...
2 વર્ષમાં, ટ્રમ્પે 8 દેશોની ચૂંટણીઓમાં ખુલ્લેઆમ દખલગીરી કરી, 6માં હાર્યા, શું અમેરિકી પ્રભાવ ઘટી રહ્યો છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિક રાજકારણમાં પોતાનું વર્ચસ્વ જમાવવાના પ્રયાસો કરવા માટે જાણીતા છે. તેઓ સતત એવો પ્રયાસ કરે છે કે બીજા દેશોની સરકારો અમેરિકી હિતોને અનુરૂપ કામ કરે. આના માટે, તેઓ ક્યારેક ટેરિફની ધમકી આપે, તો ક્યારેક બીજા દેશોના નેતાઓ અને ચૂંટણી પ્રક્રિયાઓ વિશે ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કરે છે.
જોકે, છેલ્લા બે વર્ષમાં સામે આવેલા ચૂંટણી પરિણામો તેમના માટે એક ઝટકા સમાન સાબિત થયા છે. દાવો છે કે, ટ્રમ્પે 8 દેશોની ચૂંટણીઓમાં પોતાના પસંદગીના ઉમેદવારો કે રાજકીય જૂથોને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું, પરંતુ તેમાંથી 6 દેશોમાં તેમને હારનો સામનો કરવો પડ્યો. આ દેશોમાં રોમાનિયા, હોન્ડુરાસ, હંગેરી, બ્રાઝિલ, જાપાન, જર્મની, કેનેડા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
આ 8 દેશોની ચૂંટણીઓમાં, ટ્રમ્પ અથવા તેમના સમર્થકોએ પોતાની પસંદગી જાહેર કરી હતી. આંકડાઓ મુજબ, જાપાન અને હોન્ડુરાસમાં ટ્રમ્પ દ્વારા સમર્થિત ઉમેદવારો કે પક્ષને જીત મળી, પરંતુ બાકીના 6 દેશોમાં તેમને હારનો સામનો કરવો પડ્યો. આ પરિણામો એક મોટો સવાલ ઊભો કરે છે કે, શું ટ્રમ્પની લોકપ્રિયતા અને અમેરિકી પ્રભાવ હવે અન્ય દેશોના મતદારોને પહેલાં જેટલા પ્રભાવિત કરી રહ્યા નથી?


કયા દેશોમાં ટ્રમ્પના પસંદગીના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો?
ટ્રમ્પની વિદેશ નીતિની અસર અનેક દેશોની ચૂંટણીઓમાં જોવા મળી છે. કેનેડામાં, તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પોઈલિવરેને સમર્થન આપ્યું હતું, પરંતુ લિબરલ પાર્ટીના માર્ક કાર્નીને જીત મળી. તેવી જ રીતે, ઓસ્ટ્રેલિયામાં પણે ટ્રમ્પના રાજકીય એજન્ડા સાથે જોડાયેલા મુદ્દાઓ વચ્ચે એન્થોની અલ્બેનીઝની લેબર પાર્ટીએ જીત મેળવી.
રોમાનિયામાં, ટ્રમ્પના સમર્થક ગણાતા જ્યોર્જ સિમિયોન રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા. જર્મનીમાં, ટ્રમ્પ વહીવટીતંત્ર અને તેમના સાથીઓનું સમર્થન મળવા છતા દક્ષિણપંથી પાર્ટી 'AfD' સરકાર બનાવવામાં નિષ્ફળ રહી. હંગેરીમાં, ટ્રમ્પનું સમર્થન હોવા છતા વિક્ટર ઓર્બનની પાર્ટીને એપ્રિલ 2026ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો.
કેનેડામાં એપ્રિલ 2025માં ટ્રમ્પની નીતિઓની નજીક ગણાતા કન્ઝર્વેટિવ નેતા પિયર પોઈલિવરે ચૂંટણી હારી ગયા. માર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ જીત હાંસલ કરી. ટ્રમ્પની ટેરિફ અંગેની ધમકીઓ અને કેનેડાનું અમેરિકામાં સંભવિત વિલીનીકરણ થઈ શકે છે તેવા તેમના નિવેદનોને કારણે જાગૃત થયેલી 'રાષ્ટ્રીય ગૌરવ'ની ભાવના, ચૂંટણીમાં એક નિર્ણાયક મુદ્દો બની ગઈ.
ઓસ્ટ્રેલિયામાં મે 2025માં ટ્રમ્પ જેવી જ નીતિઓ સાથે જોડાયેલા ગણાતા કન્ઝર્વેટિવ નેતા પીટર ડટન ચૂંટણી હારી ગયા. એન્થોની અલ્બેનીઝની લેબર પાર્ટીએ જીત મેળવી. ચૂંટણી વિશ્લેષકોના મતે, આ પરિણામ પાછળનું એક કારણ ટ્રમ્પનો ટેરિફ અને તેમની નીતિઓ માટે જનતાની નારાજગી હતી.
રોમાનિયામાં મે 2025માં ટ્રમ્પની MAGA વિચારધારાના સમર્થક રાષ્ટ્રવાદી નેતા જ્યોર્જ સિમિયોન, રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા. તેમને નિકુશોર દાને હરાવ્યા. દાનને લગભગ 54% મત મળ્યા હતા.
હંગેરીમાં એપ્રિલ 2025માં ટ્રમ્પના નજીકના સાથી અને લાંબા સમયથી વડાપ્રધાન પદે રહેલા વિક્ટર ઓર્બાનને, પીટર મેગ્યારના નેતૃત્વ હેઠળના વિરોધ પક્ષ સામે હાર મળી. ટ્રમ્પે ઓર્બાનને સમર્થન આપ્યું હતું અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સા ચૂંટણી પહેલા હંગેરીની મુલાકાત પણ લીધી હતી, તેમ છતાં ઓર્બાન સત્તા જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા.
બ્રાઝિલમાં ઓક્ટોબર 2026માં ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓએ બોલ્સોનારો પરિવારની સત્તામાં વાપસી કરાવવાનો પ્રયાસ કર્યો હતો. રોઇટર્સના અહેવાલ મુજબ, અમેરિકન અધિકારીઓએ રાષ્ટ્રપતિ લુલા પર દબાણ બનાવવા અને તેમના પુત્ર ફ્લાવિયો બોલ્સોનારોને ફાયદો પહોંચાડનારા પગલાઓની વકીલાત કરી હતી. પરંતુ, 25 ઓક્ટોબર, 2026ના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લુલાએ ફ્લેવિયો બોલ્સોનારોને હરાવી દીધા.


જર્મનીમાં ફેબ્રુઆરી 2025માં ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથી એલોન મસ્કે દક્ષિણપંથી પાર્ટી 'AfD' અને તેના નેતા એલિસ વેઇડેલને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. આમ છતાં, 23 ફેબ્રુઆરી, 2025ના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 'AfD' પ્રથમ સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી. તેને 20.8% મત મળ્યા અને તે બીજા સ્થાને રહી, જ્યારે ફ્રેડરિક મર્ઝના નેતૃત્વ હેઠળના CDU/CSU ગઠબંધને સૌથી વધુ મત મળ્યા.
જાપાન અને હોન્ડુરાસમાં સફળતા કેવી રીતે મળી?
જાપાનમાં, ફેબ્રુઆરી 2026ની ચૂંટણીમાં સાને તાકાઈચીની પાર્ટીએ મોટી જીત મેળવી. મતદાનના થોડા સમય પહેલા, 6 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલ્લેઆમ તાકાઈચી અને તેમના ગઠબંધનને સમર્થન આપ્યું. તાકાઈચીને એક મજબૂત અને સમજદાર નેતા ગણાવતા તેમણે કહ્યું કે, તેઓ જાપાનની જનતાને નિરાશ નહીં કરે. ટ્રમ્પે અમેરિકા અને જાપાન વચ્ચેના વેપાર અને સુરક્ષા સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો.
મધ્ય અમેરિકાના હોન્ડુરાસમાં, ટ્રમ્પે ચૂંટણીના થોડા દિવસો પહેલા જ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નાસરી અસફુરાને પોતાનું સમર્થન જાહેર કર્યું. ટ્રમ્પે સંકેત આપ્યો કે જો અસફુરા ચૂંટણી નહીં જીતે, તો અમેરિકા તરફથી મળતી આર્થિક મદદ પર અસર પડી શકે છે. મતગણતરી દરમિયાન, ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ચૂંટણીના પરિણામો બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે, જોકે તેમણે આ દાવાના સમર્થનમાં કોઈ પુરાવા આપ્યા નહોતા. 24 ડિસેમ્બર, 2025ના રોજ, ચૂંટણી અધિકારીઓએ અસફુરાને વિજેતા જાહેર કર્યા હતા.

