- Sports
- ધોની સિવાય 'કેપ્ટન કૂલ' કોઈ ઉપયોગ નહીં કરી શકે, વકીલે કેસ કર્યો- આ શબ્દ...
ધોની સિવાય 'કેપ્ટન કૂલ' કોઈ ઉપયોગ નહીં કરી શકે, વકીલે કેસ કર્યો- આ શબ્દ...
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને 'કેપ્ટન કૂલ' તરીકે ઓળખવામાં આવે છે. હવે મહેન્દ્ર સિંહ ધોની આ નામને ટ્રેડમાર્ક કરવા માગે છે. એટલે કે, કાયદાકીય રૂપે માત્ર પોતાના નામનો ઉપયોગ કરવાનો અધિકાર ઇચ્છે છે. પરંતુ તેના પર એક કાયદાકીય પડકાર આવી ગયો છે. દિલ્હીના વકીલ આશુતોષ ચૌધરીએ તેના પર આપત્તિ દર્શાવી છે. ધોનીએ ‘કેપ્ટન કૂલ’ નામને પોતાના માટે ટ્રેડમાર્ક કરવા માટે અરજી કરી છે. જો તે મંજૂર થઈ જાય છે, તો કોઈ અન્ય વ્યક્તિ કે કંપની આ નામનો બિઝનેસ કે જાહેરાતમાં ઉપયોગ નહીં કરી શકે. પરંતુ વકીલ આશુતોષ ચૌધરીએ કહ્યું છે કે આ શબ્દ નવો કે અનોખો નથી.
શું છે વકીલનો તર્ક?
તેમનું કહેવું છે કે, ‘કેપ્ટન કૂલ’ માત્ર ધોની માટે નથી, પરંતુ ઘણા અન્ય કેપ્ટનોને પણ કહેવામાં આવ્યો છે. જેમ કે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા. તેમના સિવાય ‘ધ વોલ’ (રાહુલ દ્રવિડ) અને ‘ગોડ ઓફ ક્રિકેટ’ (સચિન તેંદુલકર) જેવા શબ્દો પણ લોકોએ બનાવ્યા છે, પરંતુ તેમને ટ્રેડમાર્ક કરવામાં આવ્યા નથી. ચૌધરીએ એમ પણ કહ્યું કે આ પ્રકારના શબ્દ રમત અને સંસ્કૃતિ સાથે જોડાયેલા હોય છે, અને તેના પર કોઈ વ્યક્તિનો અધિકાર ન હોવો જોઈએ. એટલે તેમણે માગ કરી કે ધોનીની ટ્રેડમાર્ક અરજી ફગાવી દેવામાં આવે.
હવે આ મામલો ટ્રેડમાર્ક વિભાગ પાસે છે. જો ધોનીની અરજી મંજૂર નહીં થાય, તો તેઓ ‘કેપ્ટન કૂલ’ નામને પોતાની બ્રાન્ડ તરીકે નહીં ચલાવી શકે. પરંતુ જો અરજી મંજૂર થઈ ગઈ, તો આ નામ માત્ર ધોની માટે જ કાયદેસર રીતે સુરક્ષિત થઈ જશે. આ વિવાદ હવે ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે પણ ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે ‘કેપ્ટન કૂલ’ ધોનીની ઓળખ સાથે જોડાયેલો છે.

