- Sports
- રોહિતે આ ખેલાડીને ગણાવ્યો જીતનો 'સાઇલન્ટ હીરો'
રોહિતે આ ખેલાડીને ગણાવ્યો જીતનો 'સાઇલન્ટ હીરો'

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી લીધી છે. હવે રોહિતે જીત પાછળના હીરોનું નામ જાહેર કર્યું છે. રસપ્રદ વાત એ છે કે તેમાં વિરાટ કોહલી, શુભમન ગિલ કે કેએલ રાહુલનો સમાવેશ થતો નથી. રોહિતે શ્રેયસ ઐયરને જીતનો 'હીરો' ગણાવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં શ્રેયસ ઐયરે ન્યુઝીલેન્ડ સામે શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે જીતનો દાવો નબળો પડવા લાગ્યો ત્યારે તેણે તે જ ક્ષણે ટીમની કમાન સંભાળી. જ્યારે ભારત 252 રનનો પીછો કરતી વખતે ત્રણ વિકેટે 122 રન પર ધબડતું હતું, ત્યારે ઐયરે અક્ષર પટેલ સાથે ચોથી વિકેટ માટે 61 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. આ સંતુલિત ઇનિંગ જ ભારતને વિજય તરફ દોરી ગઈ. તેણે પોતાની ટીમ માટે મહત્વપૂર્ણ 48 રન ઉમેર્યા.
ઐયરને વિજયનો 'સાયલન્ટ હીરો' ગણાવતા રોહિતે કહ્યું કે સાયલન્ટ હીરો શ્રેયસ ઐયરને ભૂલવો ન જોઈએ. તેણે આખી ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું. તે મીડલ ઓર્ડરમાં અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. સાચું કહું તો જ્યારે હું આઉટ થયો ત્યારે અમે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે અમને 50 થી 70 રનની સારી ભાગીદારીની જરૂર હતી, જે શ્રેયસે કરી બતાવી. તેથી જ્યારે આવું પ્રદર્શન થાય છે, ત્યારે તમે પરિસ્થિતિઓને સમજો છો અને શક્ય તેટલી ઝડપથી તેની સાથે અનુકૂલન સાધો છો, ત્યારે સારું લાગે છે.
સંન્યાસના પ્રશ્ન પર રોહિત શર્માનું મોટું નિવેદન
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાના સંન્યાસના સવાલ પર મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે ચાલે છે તેમ ચાલુ રહેશે.
કેપ્ટન રોહિતે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે ODI ફોર્મેટ છોડવાનો નથી. 37 વર્ષીય રોહિતે મેચ બાદ નિવૃત્તિના સવાલ પર કહ્યું, ' કોઈ ફ્યુચર પ્લાન નથી. જેમ ચાલે છે તેમ ચાલુ રહેશે. હું આ ફોર્મેટ (ODI)માંથી નિવૃત્તિ લેવાનો નથી. કોઈ અફવા ન ફેલાવો.
હિટમેન રોહિતે ફાઈનલ મેચમાં 41 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. મેચમાં કેપ્ટન રોહિત 83 બોલમાં 76 રન બનાવીને આઉટ થયો હતો. આ ઇનિંગમાં તેણે કુલ 3 સિક્સર અને 7 ફોર ફટકારી હતી. રોહિતનો શિકાર રચિન રવિન્દ્રએ કર્યો હતો. તેણે હિટમેનને વિકેટકીપર ટોમ લૈથમના હાથે સ્ટમ્પ આઉટ કરાવ્યો.