- Sports
- શું શુભમન ગિલ પોતાની કીટ જ ભૂલી આવ્યો હતો? એડિલેડ વન-ડેમાં આ ક્રિકેટરની જર્સી પહેરીને ફિલ્ડિંગ કરવા
શું શુભમન ગિલ પોતાની કીટ જ ભૂલી આવ્યો હતો? એડિલેડ વન-ડેમાં આ ક્રિકેટરની જર્સી પહેરીને ફિલ્ડિંગ કરવા ઉતર્યો
ભારતીય ટીમને એડિલેડ ઓવલ ખાતે રમાયેલી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારના કારણે ભારતીય ટીમે 3 મેચની વન-ડે શ્રેણી ગુમાવી દીધી. વન-ડે શ્રેણીનો ત્રીજી અને અંતિમ મેચ 25 ઓક્ટોબર, શનિવારના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, જ્યાં ભારતીય ટીમ સારું પ્રદર્શન કરવા માટે માંગશે.
શુભમન ગિલે ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ વન-ડેમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. કેપ્ટન તરીકે ગિલની આ બીજી વન-ડે મેચ હતી. તેણે અગાઉ પર્થ વન-ડેમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. રોહિત શર્માના સ્થાને શુભમન ગિલને ભારતની વન-ડે ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, યશસ્વી જાયસ્વાલ અને ધ્રૂવ જુરેલને એડિલેડ વન-ડે માં તક મળી નહોતી. જોકે, જુરેલને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યા હોવા છતા લાઈમલાઇટમાં રહ્યો. ભારતીય કેપ્ટન શુભમન ગિલ જુરેલની જર્સી પહેરીને ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. મેદાન પર ખેલાડીઓને થોડી ઠંડી લાગી રહી હતી. કેપ્ટન શુભમન ગિલ કદાચ પોતાની કીટ લાવવાનું ભૂલી ગયો હતો, એટલે તેણે જુરેલનું સ્વેટર પહેરી લીધું હતું.
શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાં સારું પ્રદર્શન કરી શક્યો નથી. તે પર્થ વન-ડેમાં માત્ર 10 રન બનાવી શક્યો હતો, જ્યારે એડિલેડ વન-ડેમાં તે 9 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ખાસ કરીને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, તે બંને મેચમાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો.
એડિલેડ વન-ડેમાં, પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ઉપ-કેપ્ટન શ્રેયસ ઐયરે બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યું. રોહિતે 97 બોલમાં 73 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. શ્રેયસે 77 બોલમાં 61 રનનું યોગદાન આપ્યું, જેમાં 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. રોહિત અને શ્રેયસની અડધી સદી સાથે ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 264 રન બનાવ્યા હતા.
જોકે, ઓસ્ટ્રેલિયન ટીમે 46.2 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. મેથ્યૂ શૉર્ટના 74 અને કૂપર કોનોલીના અણનમ 61 રનની મદદથી ઓસ્ટ્રેલિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ચાર ખેલાડીઓને આઉટ કરનારા એડમ ઝમ્પાને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આઆવ્યો હતો.

