- Sports
- સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ ઈન્ડિયાનો આ મૂલ્યવાન ખેલાડી IPLમાં સંઘર્ષ કરી રહ્યો છે. LSGના કેપ્ટન રિષભ પંત માટે, IPL 2025 એક એવું પ્રકરણ બની રહ્યું છે કે, જેને તે ભાગ્યે જ યાદ રાખવા માંગશે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે પંતને તેમના જૂના ફૂટેજ જોવા અને તેમના આદર્શ મહેન્દ્ર સિંહ ધોની સાથે વાત કરવાની સલાહ આપી છે.
26 વર્ષીય રિષભ પંત 2016થી IPL રમી રહ્યો છે પરંતુ આ સિઝનમાં તે સુપર ફ્લોપ રહ્યો છે. ગયા વર્ષે લખનઉ સુપર જાયન્ટ્સે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી મેગા હરાજીમાં રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL 2025માં, પંતે અત્યાર સુધી 11 ઇનિંગ્સમાં માત્ર 128 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ પણ 99.22 છે. રવિવારે, તે ધર્મશાળામાં પંજાબ કિંગ્સ સામે 17 બોલમાં માત્ર 18 રન બનાવી શક્યો. આ મેચમાં તેમની ટીમને પંજાબ સામે 37 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

એક સ્પોર્ટ્સ ચેનલ સાથેની વાતચીતમાં સેહવાગે કહ્યું કે, ક્યારેક કારકિર્દીમાં આવા તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. તેમણે કહ્યું કે, પંતે આત્મવિશ્વાસ મેળવવા માટે તેની જૂની IPL ક્લિપ્સ જોવી જોઈએ. તેણે તપાસ કરવી જોઈએ કે તેના રૂટિનમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં.
https://twitter.com/cricbuzz/status/1919059872974614832
સેહવાગે કહ્યું, 'મને લાગે છે કે રિષભ પંતે તેની IPLની જૂની ક્લિપ્સ જોવી જોઈએ, જેમાં તે વધારે સ્કોર બનાવી રહ્યો છે. આનાથી તેમને આત્મવિશ્વાસ મળશે. ઘણી વાર આપણે આપણું રૂટિન ભૂલી જઈએ છીએ. રિષભ પંતને આપણે ઈજા પહેલા જેવો જોયો હતો તેના કરતાં તે હવે સંપૂર્ણપણે અલગ છે.'
સેહવાગે પોતાની કારકિર્દીના ખરાબ તબક્કાને યાદ કરતા કહ્યું કે, ક્યારેક જો રૂટિનમાં ખલેલ પહોંચે છે, તો તેની અસર રમત પર પડે છે.

સેહવાગે કહ્યું, 'મને 2006-07નો સમયગાળો યાદ છે, જ્યારે હું રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. મને ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પછી રાહુલ દ્રવિડે મને કહ્યું કે, તમારું રૂટિન તપાસો કે જ્યારે હું ઘણા બધા રન બનાવતો હતો ત્યારે તે શું હતું અને હવે તે શું છે. ક્યારેક રૂટિનમાં ડિસ્ટર્બ થવાને કારણે પણ રન સ્કોરિંગને અસર પડતી હોય છે.'
સેહવાગે પંતને સલાહ આપી છે કે, તે તેના આદર્શ મહેન્દ્ર સિંહ ધોની સાથે તેના ફોર્મ વિશે વાત કરે.
તેણે કહ્યું, 'તેની પાસે મોબાઇલ ફોન તો હશે જ. તેણે ફોન ઉપાડીને કોઈને ફોન કરવાનો છે. જો તમને લાગે કે તમે નકારાત્મક વિચારી રહ્યા છો, તો એવા ઘણા ક્રિકેટરો છે જેમની સાથે તમે ચર્ચા કરી શકો છો. ધોની તેનો રોલ મોડેલ છે, તેથી તેણે તેને ફોન કરવો જોઈએ. તેને આનો ફાયદો થશે.'