- Opinion
- PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી. પાટીદાર આગેવાનો વિવિધ રાજકીય પક્ષોમાં વહેચાયેલા છે અને અને કેટલાક પાટીદાર ઉદ્યોગકારો મૂડીવાદીઓ બે નાવડીએ સવારી કરી સમયાંતરે આર્થિક લાભ પણ લઈ લેતા હોય છે જેનાથી સમગ્ર ગુજરાત અવગત છે.
હાલ ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ચર્ચાના કેન્દ્રમાં રહે છે. પાટીદાર યુવા નેતૃત્વ છે અને ધારદાર રજૂઆત કરવા માટે ચર્ચામાં પણ રહે છે. આ એજ યુવા છે જેમણે એક સમયે રાજ્યના ગૃહમંત્રી પર જોડું ફેંક્યું હતું. કહેવાય છે કે આ યુવાને સુરતના કેટલાક પાટીદાર આગેવાનોનો જાહેરમાં અને ખાનગીમાં ટેકો મળતો રહે છે.

સુરતના કહેવાતા આગેવાન લવજી ડાલિયા (લવજી બાદશાહ) આમ તો ભાજપની નજીકના કહેવાય છે પણ ગોપાલ ઈટાલિયા સાથેની નિકટતાએ સુરત ભાજપમાં કાર્યકર્તાઓમાં ગણગણાટ ઉભો કર્યો છે. આમ તો પ્રદેશ નેતૃત્વએ પણ આ વાતની નોંધ લીધી હોવાની પીઢ કાર્યકર્તાઓમાં ચર્ચા છે. થોડા સમય પહેલા લવજી બાદશાહના પુત્રના લગ્ન પ્રસંગે તાપી નદીના પટમાં લગ્નનું આયોજન કરાયું હતું તે સંદર્ભે પર્યાવરણને નુકસાન અને નદીના પટમાં આયોજન સંદર્ભે વિભાગીય મંજૂરીઓનો અભાવ હોવાનો વિવાદ ઉઠ્યો હતો. કહેવાતા આગેવાન હોય અને પારિવારિક શુભ પ્રસંગમાં વિવાદ થાય તો સહજ છે ચર્ચાનો વિષય તો બને. આ ઘટનામાં આશ્ચર્યની વાત એ છે કે એવું કહેવાય છે કે ભાજપના જ આગેવાન દ્વારા આ વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો અને વધુ આશ્ચર્યની વાત એ છે કે એ સમયે ગોપાલ ઈટાલિયાએ આ આયોજનથી પર્યાવરણને નુકસાન થયું નથી એમ જણાવી લવજી બાદશાહનું સમર્થન કર્યું હતું. તો એવું તો શું છે કે ભાજપના લોકો લવજી બાદશાહના ઘરના પ્રસંગમાં રોડા નાખે છે અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા લવજી બાદશાહનો બચાવ કરે છે.
ભાજપના પીઢ કાર્યકર્તાઓ અને ભાજપ સમર્પિત પાટીદાર આગેવાનો લવજી બાદશાહ પર શંકા સાથે ચર્ચા કરી રહ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટીના ભાજપ વિરોધી એવા ગોપાલ ઇટાલિયાને પડદા પાછળ પીઠબળતો નથી આપી રહ્યાને? આમ તો લવજી બાદશાહનો સુવર્ણકાળ ભાજપના કેટલાક ચોક્કસ નેતાઓ અને કેટલાક શામ દામ દંડ ભેદ વાળા વ્યક્તિઓની નજીક રહેવાથી જ આવ્યો હોય એવી ચર્ચા થતી રહે છે. સાથે નોંધવાનું રહ્યું કે લવજી બાદશાહ પાટીદાર સમાજ માટે સમયાંતરે સારું એવું દાન પણ કરે છે જે સામાજિક દૃષ્ટિકોણથી સારો સેવાભાવ પણ છે.
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલને બુટલેગર કહેવાનું છોડતા નથી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પણ ટીકા કરવાની તક પણ હંમેશાં ઝડપી જ લેતા હોય છે. ઉપરાંત પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ માટે પણ નિંદનીય ભાષામાં નિવેદનો આપતા જ રહે છે. એટલે કે ભાજપના કેન્દ્ર અને ગુજરાતના શીર્ષસ્થ નેતૃત્વના પ્રખર નિંદક વ્યક્તિ એવા ગોપાલ ઈટાલિયાને લવજી બાદશાહ માટે જાહેરમાં પ્રેમ છલકાય એ ભાજપ માટે ચિંતનનો વિષય તો છે જ. જોવાનું રહ્યું કે આવનાર સમયમાં ભાજપ અને આમ આદમી પાર્ટી લવજી બાદશાહને કેટલા દૂર રાખશે અને કેટલા નજીક.

