- Gujarat
- ગોપાલ ઇટાલિયા અને અરવિંદ લાડાણી વચ્ચે માણાવદર રિવરફ્રન્ટને લઈને વાકયુદ્ધ છેડાયું, જાણો શું છે મામલો
ગોપાલ ઇટાલિયા અને અરવિંદ લાડાણી વચ્ચે માણાવદર રિવરફ્રન્ટને લઈને વાકયુદ્ધ છેડાયું, જાણો શું છે મામલો
મોરબી બાદ હવે જૂનાગઢના માણાવદરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. માણાવદરના વિકાસના નામે બનેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટના મામલે રાજનીતિક પાર્ટીઓ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું છે. 12 જુલાઈ 2025ના રોજ વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, માણાવદરનો રિવરફ્રન્ટ પૂરો થઇ ગયો છે તો પણ આજે અનાથ બની ગયો છે. એને સંભાળવાવાળું કોઈ નથી. સરકારી તંત્ર જો તેની જવાબદારી નહીં લે તો હું પોતે આ રિવરફ્રન્ટનો ચાર્જ સંભાળીશ. ત્યાં મારા નામનું પાટિયું લગાવી દેવું, કારણ કે આજથી આ રિવરફ્રન્ટની જવાબદારી મારી છે. તાળું પણ આપણું, સાંકળ પણ આપણી અને ચાવી પણ આપણા હાથમાં આવી જવી જોઈએ. આમ પણ જેનું કોઈ નથી તેની આમ આદમી પાર્ટી છે. તો હવે રિવરફ્રન્ટ મામલે માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા દિનેશ ખટારિયા મેદાનમાં આવ્યાં છે. આ મામલે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે.
ધારાસભ્ય લાડાણીએ ઈટાલિયાનું નામ લઈને કહ્યું કે, ઘણાં સમયથી તેઓ સોશિયલ મીડિયોમાં ભ્રામક જાહેરાત કરે છે કે હું માણાવદરના રિવરફ્રન્ટનું ખુલ્લો મુકીશ. ગોપાલભાઈને હું એટલું જણાવું છું કે, અમે અહીંયા જીવીએ છીએ. તમારે ચિંતા કરવાની તમારે જરૂરિયાત નથી. છેલ્લે ગોપાલ ઈટાલિયાને ચીમકી આપતા કહ્યું કે, મોરેમોરો પણ સામે આવીશું. આ સાથે જ સાવજ ડેરીના ચેરમેને પૂર્વ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા પર નામ લીધા વિના રિવરફ્રન્ટમાં ભ્રષ્ટાચાર કર્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
સાવજ ડેરીના ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા દિનેશ ખટારિયાએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી, તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપના આગેવાનોએ હાલમાં રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ તેમણે રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે માણાવદરના હાલના ધારાસભ્ય અરવિંદ લાડાણીને રિવરફ્રન્ટની ચિંતા કરનાર મુખ્ય વ્યક્તિ ગણાવ્યા. ખટારિયાએ આરોપ લગાવતા કહ્યું કે, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને માણાવદરના રિવરફ્રન્ટની ચિંતા તેમના આકા દ્વારા કરાવવામાં આવી રહી છે. આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં ગોપાલ ઈટાલિયાના સમર્થક પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીના મળતિયાઓએ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. તેમણે ગોપાલ ઇટાલિયાને ધોઈ નાખ્યા.
તેમણે કહ્યું કે, તેમને તેમના આકા ગેરમાર્ગે દોરી રહ્યા છે. દિનેશ ખટારિયાએ રિવરફ્રન્ટ પ્રોજેક્ટને કારણે માણાવદરની જનતા પર પડનારા આર્થિક બોજને લઈને પણ વાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે, હાલમાં માણાવદરના લોકોને સરેરાશ 1250 રૂપિયા જેટલો ટેક્સ ભરવો પડે છે. જો નગરપાલિકા રિવરફ્રન્ટની જાળવણીનો ખર્ચ ઉઠાવે, તો આ ટેક્સ વધીને 2500 રૂપિયા સુધી પહોંચી શકે છે. આ વધારાના બોજથી બચવા માટે નગરપાલિકા હાલ રિવરફ્રન્ટને પોતાના હસ્તક લેવા તૈયાર નથી. માણાવદરની જનતાને વિશ્વાસમાં લીધા વિના આ રિવરફ્રન્ટને નગરપાલિકા નહીં સ્વીકારે. અમે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાને વિનંતી કરી છે કે, સરકાર આ રિવરફ્રન્ટની જાળવણી માટે બજેટમાં જોગવાઈ કરે, તો જ લોકોને તેનો લાભ મળી શકશે.
દિનેશ ખટારિયાએ ભૂતકાળની ભૂલોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ રિવરફ્રન્ટની જરૂરિયાત ન હોવા છતા અને લોકોની માગણી ન હોવા છતા તેને ધરારથી ઠોકી બેસાડવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે, આ પ્રોજેક્ટ માટે હાલના ધારાસભ્ય અરવિંદ લાડાણી જવાબદાર નથી. જ્યારે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો ત્યારે AAPના લોકો પણ તેનો વિરોધ કરતા હતા. ખટારિયાએ ભાજપની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, તેમની પણ ઈચ્છા નહોતી કે અહીં રિવરફ્રન્ટ બને. કારણ કે, તેના કારણે 400 જેટલા પરિવારો બેઘર થયા છે. આ જગ્યાએ રિવરફ્રન્ટ બનાવવાને બદલે જો કોલોની બનાવીને ઘર વિહોણા લોકોને ઘર આપ્યું હોત તો આજે તેમની આંતરડી દુવા આપતી.
ગોપાલ ઈટાલિયા પર પ્રહારો કરતા તેમણે વધુમાં જણાવ્યુ કે, ગોપાલભાઈ અંદરથી ખુબ થનગની રહ્યા છે. બીજાના કહેવાથી મોબાઈલમાં વાંચી લે છે. કોઈએ ખિસ્સામાં ચિઠ્ઠી નાખી દીધી હોય તો તે કાઢીને જુએ. તેમના કોઈ આકાઓએ સલાહ આપી હોય તો મારી વિનંતી છે કે, જેમાં લડવું હોઈ તેમાં છૂટ છે. કોંગ્રેસમાં લડવું હોય તો પણ છૂટ છે. સાવરણામાં લડવું હોય તો પણ છૂટ છે અને અન્યમાંથી લડવું હોય તો પણ છૂટ છે. તમારા આકાઓને પણ લડવાની છૂટ છે. વિસાવદરની જનતાને તમે ભોળવીને મત લીધા છે, પરંતુ માણાવદરની જનતા એટલી મુર્ખ કે ભોળવાય જાય તેવી નથી.
આ મામલે માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જણાવ્યું કે, છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈએ અવારનવાર એવી ભ્રામક જાહેરાત કરે કે હું માણાવદરનો રિવરફ્રન્ટ ખુલ્લો મુકીશ. ગોપાલભાઈને હું એટલું જણાવું છું કે, કે ભાઈ અમે માણાવદરમાં અમે જીવીએ છીએ. અમે અમારી રીતે વ્યવસ્થા કરી લઈશું. માણાવદરનો રિવરફ્રન્ટ લોકો માટે કેમ ઉપયોગી થાય એ અમે પણ ઈચ્છએ છીએ. સરકારમાં અમે નગરપાલિકા લેવલે રજૂઆત કરેલી છે. ખુટતી સુવિધા પૂર્ણ થયા બાદ રિવરફ્રન્ટનું ઉદ્દઘાટન થશે. આ સાથે જ તમને બીજી ચેતવણી છે કે, આવી ગર્ભિત ધમકીથી માણાવદરની જનતા નહીં ડરે ગોપાલભાઈ છેલ્લે એવું હશે તો મોરેમોરો પણ અમે સામા આવીશું.
12 જુલાઈએ ગોપાલ ઈટાલિયાએ વંથલીમાં કરેલી સભામાં સાવજ ડેરીમાં કેમિકલવાળું દૂધ પેકિંગ અને માણાવદર રિવરફ્રન્ટનને લઈ આરોપ લગાવ્યો હતો. વિસાવદર વિધાનસભાના AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વંથલીની સભામાં આરોપ લગાવ્યો હતો કે, ‘સાવજ ડેરીમાં કેમિકલવાળું દૂધ પેકિંગ થાય છે અને આ કેમિકલવાળું દૂધ ભાજપના માણસો ભરે છે. સાથે માણાવદરના રિવરફ્રન્ટને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે, માણાવદરનો રિવરફ્રન્ટ પૂરો થઇ ગયો હોવા છતા આજે એ અનાથ બની ગયો છે. આમ પણ જેનું કોઈ નથી તેની આમ આદમી પાર્ટી છે.

