- Gujarat
- અધિકારી ઓફિસમાં લગાવ્યું પોસ્ટર- ‘મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, લાંચ આપીને અપમાન કરશો નહીં..’
અધિકારી ઓફિસમાં લગાવ્યું પોસ્ટર- ‘મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, લાંચ આપીને અપમાન કરશો નહીં..’
ગુજરાત સહિત દેશની તમામ સરકારી કચેરીઓમાં લાંચ લેવાતી હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા જ હોય છે. જોકે રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના શાખામાં BSFમાંથી આવેલા એક અધિકારીએ લાંચનો વિરોધ કરવા અનોખો પ્રયાસે કર્યો છે. આ અધિકારીએ પોતાની ચેમ્બર સહિત આખા વિભાગમાં ‘દરેક ઓફિસમાં મુકવા જેવી સૂચના’ હેડિંગ સાથે પોસ્ટર લગાવ્યા છે.
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહે ગુણવંત શાહે લખેલા એક સંદેશનું પોસ્ટર લગાની લાંચ આપી કામ કરાવવા માગતા તત્ત્વોને દૂર રહેવા અને અરજદારોને લાંચ નહીં, પરંતુ સન્માન આપો તે પ્રકારનો અસરકારક મેસેજ આપ્યો છે. પોસ્ટરની અંદર લખવામાં આવેલું લખાણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
રાજકોટ મહાનગરપાલિકામાં આવાસ વિભાગની કચેરીમાં મેનેજર સૂર્ય પ્રતાપસિંહ દ્વારા આ પોસ્ટર પોતાની ઓફિસમાં લગાડવામાં આવ્યા હોવાથી ચર્ચા છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે મને મારા કામ કરવા બદલ તગડો પગાર મળે છે. રૂશ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં. તમારું વાજબી કામ કરી આપું, એમાં હું તમારા ઉપર ઉપકાર કરતો નથી. તમારું કોઈપણ ગેરવ્યાજબી કામ પૈસા લઈને ન કરી આપું તેની ખાતરી રાખશો. હું તમારો મિત્ર છું કેમકે હું ભારતીય નાગરિક છું.’
પોસ્ટરમાં લખવામાં આવેલું આ લખાણ હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કેમ કે સરકારી કચેરીઓમાં લાંચ લેવામાં આવતી હોવાની લોકોની માનસિકતા હોય છે. એમાં પણ રાજકોટ મહાનગરપાલિકામાં અગાઉ લાંચ લેતા હોવાના આક્ષેપો થયા છે અને કેટલાક અધિકારીઓને જેલની હવા પણ ખાવી પડી છે ત્યારે લાંચ અંગેના આ પોસ્ટરે ચર્ચા જગાવી છે. બીજી તરફ અહીં આવતા અરજદારે કહ્યું હતું કે, અગાઉ તેઓ આ કચેરીમાં આવાસના ફોર્મ ભરવા માટે આવી ચૂક્યા છે. અહીંયા સ્ટાફ તરફથી પણ સારો સહકાર મળે છે. ક્યારેય કોઈ પૈસાની વાત અહીંયા આવતી નથી.
નોંધનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજનામાં અનેક અરજદારો આવતા હોય છે ત્યારે અરજદારોને સંબોધીને આ પોસ્ટર લખવામાં આવ્યા છે. લોકો પોસ્ટરને પોઝિટિવ રીતે લઈ રહ્યા છે. ત્યારે લોકો એવી પણ અપેક્ષા રાખી રહ્યા છે કે જેમ આ અધિકારીએ આવા પોસ્ટર લગાડ્યા તેવી જ રીતના અન્ય કચેરીઓમાં પણ આવા પોસ્ટર લાગવા જોઈએ અને દરેક અધિકારીએ આટલી જ પ્રમાણિકતાથી કામ કરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, સૂર્યપ્રતાપસિંહે આવાસ યોજનાનો હવાલો સંભાળ્યા બાદ આવાસની માહિતી લોકોને ઘરે બેઠાં મળે તેવું સોફ્ટવેર બનાવ્યું છે. આવાસ યોજના શાખામાં નવા આવાસો ક્યારે બનાવવાના છે તેની તપાસ માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધક્કાઓ ખાતા અટકાવવા તેમણે બનાવેલા આ સોફ્ટવેરમાં આવાસ યોજનાની માહિતી મેળવવા માટે આવેલા અરજદારોનું રજિસ્ટ્રેશન કરી તેમને જોડવામાં આવ્યા છે અને જ્યારે નવી આવાસ યોજના જાહેર થાય ત્યારે તુરંત તેમને SMS દ્વારા જાણ થઇ જાય તેવી ગોઠવણ સોફ્ટવેરમાં કરવામાં આવી છે. સોફ્ટવેર દ્વારા અરજદારને મેસેજ કરીને ફોર્મ ભરી દેવાની સૂચના પણ આપવામાં આવે છે.

