- Sports
- 'ખબર નથી કે અમે ફરી ઓસ્ટ્રેલિયા આવી શકીશું કે નહીં...' સિડની જીત પછી ROKOએ ચાહકોને ભાવુક કર્યા
'ખબર નથી કે અમે ફરી ઓસ્ટ્રેલિયા આવી શકીશું કે નહીં...' સિડની જીત પછી ROKOએ ચાહકોને ભાવુક કર્યા
ભારતીય ટીમે શનિવારે (25 ઓક્ટોબર) સિડની ODIમાં ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ભારતીય ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. રોહિતે અણનમ 121 રન બનાવ્યા, જ્યારે વિરાટ કોહલીએ પણ અણનમ 74 રન બનાવ્યા હતા. આ જીત સાથે, ભારતીય ટીમ ODI શ્રેણી 1-2 કરવામાં સફળ રહી. યજમાન ટીમે ODI શ્રેણીની પ્રથમ બે મેચ જીતી હતી.

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ દર્શકોથી ભરેલું હતું. રોહિત શર્મા અને વિરાટ કોહલીનો ઓસ્ટ્રેલિયાનો આ છેલ્લો પ્રવાસ હોવાનું માનવામાં આવે છે, તેથી ચાહકોનો ધસારો સ્વાભાવિક હતો. વિજય પછી, રોહિત અને કોહલી (ROKO)એ એડમ ગિલક્રિસ્ટ અને રવિ શાસ્ત્રી સાથે વાત કરી. બંને એ તેમના નિવેદનોથી ચાહકોને ભાવુક કરી દીધા હતા. રોહિતે કહ્યું કે, તેને ખબર નથી કે તે ફરીથી ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા આવી શકશે કે નહીં. બંનેએ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો.
https://twitter.com/cricketcomau/status/1982022108809986524
વિરાટ કોહલીએ કહ્યું, 'ભલે તમે ઘણા લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હશો, પરંતુ આ રમત તમને દર વખતે કંઈક નવું શીખવે છે. હું થોડા જ દિવસોમાં 37 વર્ષનો થઈ રહ્યો છું, પરંતુ લક્ષ્યોનો પીછો કરતી વખતે હું હંમેશા શ્રેષ્ઠ પ્રદર્શન કરું છું. રોહિત સાથે મેચ-વિનિંગ ભાગીદારી કરવી ખૂબ જ સારી હતી. અમે શરૂઆતથી જ પરિસ્થિતિને સારી રીતે સમજી શક્યા હતા, અને તે જ અમને હંમેશા એક જોડી તરીકે મજબૂત બનાવી રહી છે.'

વિરાટ કોહલીએ આગળ કહ્યું, 'હવે અમે કદાચ હવે સૌથી અનુભવી જોડી છીએ. પરંતુ જ્યારે અમે યુવાન હતા, ત્યારે પણ અમે જાણતા હતા કે અમે મોટી ભાગીદારી બનાવીને વિરોધી ટીમને હરાવી શકીએ છીએ. આ બધું 2013માં ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે શ્રેણીથી શરૂ થયું હતું. જો અમે એક મોટી ભાગીદારી બનાવીએ, તો અમે જાણતા હતા કે અમે ટીમને વિજય તરફ લઇ જઈ શકીએ છીએ. અમને હંમેશા આ દેશમાં રમવાનું ગમ્યું છે; અમે અહીં કેટલીક શાનદાર ક્રિકેટ રમી છે. મોટી સંખ્યામાં અમને ટેકો આપવા માટે આવેલા ચાહકોનો ખૂબ ખૂબ આભાર.'

રોહિત શર્માએ કહ્યું, 'મને હંમેશા અહીં રમવા આવવાનો આનંદ આવે છે. સિડનીમાં ક્રિકેટ રમવાનું ખાસ યાદગાર રહેતું હોય છે. 2008ની યાદો તાજી થઇ ગઈ, જ્યારે હું પહેલીવાર ઓસ્ટ્રેલિયા આવ્યો હતો, ત્યારે ખુબ મજા આવી હતી, અમને ખબર નથી કે અમે ફરી ક્યારે અહીં રમવા આવીશું કે નહીં, પણ અમે દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. અમે હંમેશા રમતનો આનંદ માણ્યો છે, ભલે ગમે તેટલા પુરસ્કારો અને પ્રશંસા મળી હોય. છેલ્લા 15 વર્ષમાં શું થયું તે ભૂલી જાઓ; મને હંમેશા અહીં રમવાનું ગમ્યું છે. મને ખાતરી છે કે, વિરાટ પણ એવું જ અનુભવે છે. આભાર, ઓસ્ટ્રેલિયા.'
રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો. રોહિતે કહ્યું હતું કે, 'ઓસ્ટ્રેલિયામાં તમે આ જ અપેક્ષા રાખો છો; તે સરળ નથી હોતું. તમારે પરિસ્થિતિઓને સમજવી પડતી હોય છે. હું ઘણા સમયથી રમ્યો ન હતો, તેથી મેં અહીં આવતા પહેલા ઘણી તૈયારી કરી હતી. અમે શ્રેણી જીતી શક્યા નહીં, પરંતુ તો પણ ઘણી બધી સકારાત્મક વસ્તુઓ બની હતી. યુવાનોને ઘણું બધું શીખવા મળશે.'

રોહિત શર્મા કહે છે, 'જ્યારે હું પહેલી વાર આવ્યો, ત્યારે સિનિયરોએ મને ખૂબ મદદ કરી હતી. સંદેશ આપવાનું અમારું કામ છે. વિદેશ જઈને ત્યાં ક્રિકેટ રમવું ક્યારેય સરળ નથી હોતું. ખેલાડીઓ ખૂબ પ્રતિભાશાળી હોય છે, તમારે રમત માટે કોઈ યોજના બનાવવાની જરૂર છે. મને ઓસ્ટ્રેલિયામાં રમવાનું ખૂબ ગમે છે. મારી સાથે સિડનીની અનેક યાદો જોડાયેલી છે, એક શાનદાર સ્થળ અને મોટી સંખ્યામાં સારા દર્શકો. મને મારું કામ કરવાનું ગમે છે અને હું આશા રાખું છું કે હું તે કરવાનું ચાલુ રાખીશ.'

