- World
- 'ભારતના પ્રવાસે ગયા પછી, મારા મગજમાં 38 પરોપજીવી જંતુઓ મળી આવ્યા'; બ્રિટીશ મહિલા બોલી- હોસ્પિટલમાં દ...
'ભારતના પ્રવાસે ગયા પછી, મારા મગજમાં 38 પરોપજીવી જંતુઓ મળી આવ્યા'; બ્રિટીશ મહિલા બોલી- હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું
બ્રિટનની લોરી ડેનમેન 19 વર્ષ પહેલાં ભારતની મુલાકાતે આવી હતી. તેણે ફૂડ પોઇઝનિંગ અથવા અન્ય કોઈપણ ઇન્ફેકશનથી બચવા માટે ખૂબ કાળજી લીધી હતી. તેણે સમગ્ર યાત્રા દરમિયાન માંસાહાર ખાવાનું ટાળ્યું હતું. પરંતુ, તેણે ભૂલથી કંઇક એવું ખાઈ લીધું કે જેના કારણે તેને એક ભયંકર રોગ થયો, એવું લોરીનું કહેવું છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, લોરી ડેનમેન 2007માં 3 મહિના માટે ભારતની મુલાકાત લીધી હતી. તેની ભારતની યાત્રા ખૂબ જ આનંદપ્રદ રહી અને તેણે તેનો ખૂબ આનંદ માણ્યો. પાછા ફર્યાના 3 વર્ષ પછી, તેને વોશરૂમમાં તેના મળમાં ટેપવોર્મ હોવાની ખબર પડી.
ત્યારપછી, તે ચેકઅપ માટે ડૉક્ટર પાસે ગઈ. તેનો મળ ટેસ્ટ સામાન્ય હતો. પરિણામે, તે સામાન્ય જીવન જીવવા લાગી. પરંતુ એક વર્ષની અંદર, તેને માથામાં તીવ્ર દુખાવો થવા લાગ્યો. ત્યાર પછી, 2011માં, તેને પ્રથમ હુમલો થયો. લોરીએ કહ્યું, 'મને બોલવામાં તકલીફ થઈ રહી હતી. બીજી જ ક્ષણે હું ભાનમાં આવી, ત્યારે હું એમ્બ્યુલન્સમાં હતી, વિચારતી હતી કે આ કેવી રીતે અને શા માટે થયું.'
ત્યારપછી લોરીએ હોસ્પિટલમાં CAT અને MRI સ્કેન કરાવવામાં આવ્યું. પરિણામોની રાહ જોઈ રહેલી લોરીને ડોક્ટરે કહ્યું, 'અમે તમારા સ્કેન જોયા છે. અમને તમારા મગજમાં 38 પરોપજીવી જંતુઓ મળ્યા છે.'
લોરી અને તેની માતા આ સાંભળીને ચોંકી ગયા. શરૂઆતમાં, તેમને લાગ્યું કે તે ટોક્સોપ્લાઝ્મોસિસ નામનો રોગ છે, જે ચેપગ્રસ્ત બિલાડીના મળના સંપર્કથી થાય છે. પરંતુ પછી લોરીની માતાએ પૂછ્યું કે શું તે એક વર્ષ પહેલાં લોરીના મળમાં મળેલા ટેપવોર્મ સાથે સંબંધિત છે. ત્યાર પછી આગળ વધુ પરીક્ષણ કરતાં જાણવા મળ્યું કે તેને ન્યુરોસાયસ્ટીકરકોસિસ છે, અને ટેપવોર્મ તેનું પહેલું લક્ષણ હતું.
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ રોગ કાચા અથવા ડુક્કરનું બાફેલું માંસ ખાવાથી અથવા ટેપવોર્મના ઇંડાના સંપર્કમાં આવેલું પાણી પીવાથી થાય છે. એટલું જ નહીં, જો કોઈ ખાવાનું બનાવતી કે પીરસતી વ્યક્તિ આ રોગથી સંક્રમિત હોય અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી સાબુથી હાથ સારી રીતે ધોયા ન હોય તો ટેપવોર્મના ઇંડા તેમના હાથમાંથી ખોરાક અથવા પાણીમાં જઈ શકે છે. લોરીના જણાવ્યા અનુસાર, તેણે ભારતની યાત્રા દરમિયાન પણ આકસ્મિક રીતે કંઈક દૂષિત ખાધું કે પીધું હોય, જેના કારણે આ ઇંડા તેના પેટમાંથી પસાર થયા અને પછી લોહીના પ્રવાહ દ્વારા તેના મગજમાં પહોંચ્યા.
લોરી માટે આ સફર એક દુઃસ્વપ્ન જેવી હતી. શરૂઆતમાં ડોકટરોએ તેના મગજમાં રહેલા કૃમિઓને મારવા માટે દવા અને સ્ટેરોઇડ્સ લખી આપ્યા હતા. થોડા દિવસો સુધી બધું બરાબર રહ્યું. પરંતુ પછી, એક દિવસ, તે કામ કરતી વખતે બેહોશ થઈને પડી ગઈ. દવાએ કૃમિઓને મારવાનું શરૂ કર્યું, તેથી તેના મગજમાં ખૂબ સોજો આવી ગયો હતો.
આ બીમારીએ તેને માનસિક રીતે ભાંગી નાખી. તેને ઘણી વસ્તુઓ યાદ રહેતી ન હતી, અને તેના શરીરના અમુક ભાગો સુન્ન થવા લાગ્યા. તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. તેની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તેને છ અઠવાડિયા સુધી માનસિક હોસ્પિટલ (ન્યુરોસાયકિયાટ્રિક વોર્ડ)માં દાખલ કરવી પડી.
લોરી 2011થી 2018 સુધી આ રોગ સાથે સંઘર્ષ કરતી રહી. પરંતુ તેના પરિવાર અને મિત્રો આ સમય દરમિયાન તેની સાથે ઉભા રહ્યા. આ દરમિયાન, તેણે આર્ટ ફાઉન્ડેશન કોર્સ પણ પૂરો કર્યો. 2018 સુધીમાં, તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ. ત્યારપછી તેણે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ડિગ્રી મેળવી અને 2022માં કામ પર પાછી ફરી.
વર્ષોની વેદના, વ્યાપક સારવાર અને મજબૂત ઇચ્છાશક્તિ પછી, લોરીએ આ રોગ પર કાબુ મેળવ્યો. હવે, તે જાગૃતિ લાવવા માટે તેની વાર્તા દુનિયા સાથે શેર કરી રહી છે. તે કહે છે કે તેણે બધી સાવચેતીઓ લીધી, છતાં પણ તેને આ રોગ થયો. તેથી, લોકોએ બહાર ખાતી વખતે સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું જોઈએ, અને ફળો અને શાકભાજીનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે ધોવા જરૂરી છે.

