- World
- ઓમાન નજીક ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો, ગુજરાતનો નાવિક માર્યો ગયો; 13 લોકોને સુરક્ષિત રીતે બચાવી લે...
ઓમાન નજીક ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો, ગુજરાતનો નાવિક માર્યો ગયો; 13 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા
ઓમાનના દરિયાકાંઠે એક ભારતીય ધ્વજવાળા કાર્ગો જહાજ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં જહાજમાં કામ કરતા એક ભારતીય નાવિકનું મોત થયું હતું, જ્યારે 13 અન્ય લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, જહાજ કુલ 14 ભારતીય નાવિકોને લઈ જઈ રહ્યું હતું, ત્યારે તેને કોઈ અજાણ્યા ઉડતા હવાઈ પદાર્થ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલના જણાવ્યા અનુસાર, આ ઘટના 2 નવેમ્બરના રોજ કાર્ગો જહાજ, MSV અલ યુસુફી સાથે બની હતી. હુમલો થયા પછી તરત જ ઓમાન કોસ્ટ ગાર્ડે તાત્કાલિક કાર્યવાહી કરી અને જહાજમાં સવાર 13 નાવિકોને સુરક્ષિત રીતે બચાવીને બહાર નીકાળી લીધા હતા.
જોકે, ગુજરાતના રહેવાસી ખલાસી ગાંધાર નાહિમ અઝીઝ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું ત્યાંજ મોત નીપજ્યું હતું.
કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી હતી, નાવિકના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
https://twitter.com/ANI/status/2117474343420858459
તેમણે કહ્યું કે મંત્રાલય અને ઓમાનમાં ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.
જહાજમાં બચી ગયેલા 13 ખલાસીઓને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે, અને મૃતકના પાર્થિવ શરીર સહિત તમામ ખલાસીઓને શક્ય તેટલી વહેલી તકે ભારત પાછા લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
US-ઈરાન તણાવ અને પ્રદેશમાં ચાલી રહેલા હુમલાઓ વચ્ચે, ભારતીય ધ્વજવાળા જહાજો પર સીધા હુમલા ભાગ્યે જ થાય છે. તેમ છતાં, ગલ્ફ ક્ષેત્રના મુખ્ય દરિયાઈ વેપાર માર્ગોમાં ચાલી રહેલા સંઘર્ષની ભારતીય ખલાસીઓ પર ખુબ મોટી અસર પડી છે.
હોર્મુઝ સ્ટ્રેટ આ સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે, જેમાં વાણિજ્યિક જહાજો મિસાઇલ અને ડ્રોન હુમલાનો ભોગ બની રહ્યા છે. સરકારી આંકડાઓ અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈરાની હુમલાઓ પછી ગલ્ફ ક્ષેત્રમાં 14 ખલાસીઓ સહિત ઓછામાં ઓછા 22 ભારતીય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

