- Tech and Auto
- પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ હજી વધશે, BISએ E22-E30 ઇંધણને આપી લીલી ઝંડી
પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ હજી વધશે, BISએ E22-E30 ઇંધણને આપી લીલી ઝંડી
ભારતનું ઓટોમોબાઇલ ક્ષેત્ર ઝડપથી ગ્રીન એનર્જી અને સ્વચ્છ ઇંધણ તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી આપણે E20 (એટલે કે પેટ્રોલમાં 20% ઇથેનોલ)નો ઉપયોગ કરતા હતા; જોકે, દેશ હવે આનાથી એક પગલું આગળ વધી રહ્યો છે. બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ વધુ ઇથેનોલવાળા પેટ્રોલ એટલે કે E22, E25, E27 અને E30 માટે સત્તાવાર ધોરણો નક્કી કર્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો, હવે આપણી ગાડીઓ માટે એવા પેટ્રોલને ઔપચારિક મંજૂરી મળી ગઈ છે, જેમાં ઇથેનોલનું વધારે હશે.
આ અપડેટના મુખ્ય પાસાઓમાં સમજીએ તો, 15 મે, 2026ના રોજ જાહેર કરાયેલ એક સત્તાવાર નોટિફિકેશન દ્વારા BIS એ પેટ્રોલમાં હાઇ ઇથેનોલ બ્લેંડિંગ માટેના નવા ધોરણોને લીલી ઝંડી આપી છે. આ પગલું દેશના અર્થતંત્ર અને તેના પર્યાવરણ બંને માટે ખૂબ મહત્ત્વનું છે. આ પહેલથી ન માત્ર ભારતની ક્રૂડ ઓઇલ આયાત પરની નિર્ભરતા ઓછી થશે, પરંતુ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે અને સ્થાનિક ખાંડ અને બાયોફ્યૂઅલ ઉદ્યોગોને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે. ખાસ કરીને, E25 ઇંધણ ધોરણ પર ભાર મૂકવાથી બજારમાં હાલમાં ઉપલબ્ધ વધારાની ખાંડ અને ઇથેનોલ ઉત્પાદન ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બનશે.
ઉદ્યોગે શું કહ્યું
ઓલ ઇન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશન (AIDA)એ સરકારના આ નિર્ણયનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું છે. AIDAના પ્રમુખ વિજેન્દ્ર સિંહે તેને યોગ્ય સમયે લેવામાં આવેલું દૂરદર્શી પગલું ગણાવ્યું. તેમનું માનવું છે કે આ ફક્ત તકનીકી જાહેરાત નથી, પરંતુ રાષ્ટ્રની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવાની દિશામાં એક મોટી છલાંગ છે.
નિષ્ણાતોનું માનવું છે કે E30 સુધી પહોંચવું એ ફક્ત શરૂઆત છે. અસલી લક્ષ્ય રાષ્ટ્રને E85 અને E100 (જેમાં 85% થી 100% ઇથેનોલનો ઉપયોગ થશે) જેવા હાઇ-ઇથેનોલ ઇંધણ તરફ લઇ જવાનો છે. આ મોટા ઉર્જા બદલાવમાં ફ્લેક્સ-ફ્યૂઅલ વાહનો મુખ્ય ભૂમિકા ભજવશે. આ વાહનો એવી ટેકનોલોજીથી સજ્જ છે જે તેમના એન્જિનને વિવિધ પ્રમાણમાં ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ પર કોઇ પરેશાની વિના ચલાવવા સક્ષમ હોય છે.
BISના આ નવા ધોરણોથી, ઓટોમોબાઈલ કંપનીઓ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ને હવે તેમના ભાવિ યોજનાઓ માટે સ્પષ્ટ અને મજબૂત નિર્દેશ મળી ગયો છે. આ નિર્ણય સંકેત આપે છે કે, આગામી ભવિષ્યમાં, ભારતના રસ્તાઓ પર ઇથેનોલ-આધારિત, ઇકો-ફ્રેન્ડલી વાહનોની સંખ્યામાં વૃદ્વિ થશે. આ ન માત્ર પર્યાવરણ માટે ફાયદાકારક છે, પરંતુ દેશની આત્મનિર્ભરતાને પણ નવી ગતિ આપશે.

