- National
- કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું
કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું
સોમવારે સુપ્રીમ કોર્ટે ટ્વિશા શર્માના મૃત્યુના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ મામલે સંયમ રાખવાની અપીલ કરી હતી. CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ M. પંચોલીની બનેલી 3 સભ્યોની બેન્ચે કહ્યું હતું કે, પીડિતાના પરિવાર અથવા આરોપીના પરિવારના નિવેદનો પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. કેસને કાનૂની પ્રક્રિયા અનુસાર આગળ વધવા દેવો જોઈએ. હવે, ભૂતપૂર્વ IPS અધિકારી કિરણ બેદીએ આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, આરોપીના પરિવારે ચોક્કસપણે ભૂલો કરી છે.
કિરણ બેદીએ એક સમાચાર એજન્સીને જણાવ્યું, 'મારા મતે, આરોપીના પરિવારે ચોક્કસપણે ભૂલો કરી હતી. પહેલી ભૂલ એ હતી કે ટ્વિશાનો પતિ ઘટના પછી તરત જ ભાગી ગયો હતો. જો કોઈ ભૂલ કરી નથી, તો તેઓએ પોલીસનો સામનો કર્યો હોત અને કહ્યું હોત કે તેઓ દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે તૈયાર છે. બીજી ભૂલ ટ્વિશાની સાસુ દ્વારા કરવામાં આવી હતી. તેણે વારંવાર અપમાનજનક નિવેદનો આપ્યા હતા, જેનાથી પીડિત પરિવારને દુઃખ થયું હતું.'
કિરણ બેદીએ વધુમાં કહ્યું કે, તમારે પીડિત પરિવારના ઘા પર મીઠું ન ભભરાવવું જોઈએ, ખાસ કરીને એવા સમયે જ્યારે તેઓ ભારે પીડામાંથી પસાર થઈ રહ્યા હોય. એક નિવૃત્ત ન્યાયાધીશ તરીકે, તમારે કહેવું જોઈતું હતું કે, પોલીસ આવશે અને તેઓ જે પણ પ્રશ્નો પૂછશે, અમે તેમના દરેક સવાલોના જવાબ આપીશું. અમે ઘટના સ્થળને સુરક્ષિત રાખ્યું છે. આ બે ભૂલો ચોક્કસપણે આરોપીના પરિવાર દ્વારા કરવામાં આવી હતી. ત્રીજી ભૂલ પોલીસે પણ કરી હતી.
કિરણ બેદીએ કહ્યું કે કાયદા મુજબ જ્યારે પણ દહેજ મૃત્યુનો કેસ આવે છે, ત્યારે તમારે તાત્કાલિક હત્યાનો કેસ નોંધવો જોઈએ. જો તપાસમાં આત્મહત્યાના પુરાવા મળે છે, તો તમે પછીથી ઘટનાને આત્મહત્યા જાહેર કરી શકો છો. તપાસના આધારે કાયદાની કલમો ઉમેરી અથવા દૂર કરી શકાય છે.
https://twitter.com/ANI/status/2058831129491157254
કિરણ બેદીએ ટ્વિશા શર્માની એક ભૂલ તરફ પણ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું, 'ટ્વિશા શર્માએ જયારે કહ્યું, 'મને અહીંથી લઈ જાઓ', તો એમણે શું જવાબ આપ્યો તે મને ખબર નથી... એ તો તપાસમાં જ ખુલશે, પરંતુ ટ્વિશાએ પણ ભૂલ કરી. ટ્વિશા શર્મા શિક્ષિત હતી. તેણે એવું કહેવાની શું જરૂર હતી કે, મને અહીંથી લઈ જાઓ? તમે તમારી જાતે જ જઈ શક્યા હોત. તમને કોણ રોકી રહ્યું છે? જો તેણે એમ કહ્યું હોત કે, આરોપી પરિવારે તેને બંધક બનાવી છે, તમે આવો અને મને લઈ જાઓ, તો તે મોટી વાત હોત. જો તમે બંધક ન હતા, તો તમે જાતે જ જઈ શક્યા હોત.'
કિરણ બેદીએ વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા છે. તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે, છોકરીના ગયા પછી બદનામીભર્યા નિવેદનો ન આપવા જોઈએ. પીડિતાના પરિવારને પણ નિવેદનો આપવાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. મારા મતે, સુપ્રીમ કોર્ટે યોગ્ય કાર્ય કર્યું છે. મારું માનવું છે કે, સાસુ ગિરિબાલા સિંહે બદનામીભર્યા નિવેદનો ન આપવા જોઈતા હતા. તે એક અનુભવી ન્યાયાધીશ છે. તે એમ પણ કહી શકી હોત કે, જો પોલીસ કે કોર્ટ કોઈ પણ સવાલ પૂછશે, તો તેમના બધા સવાલોના જવાબ આપવામાં આવશે.
કિરણ બેદીએ એમ પણ કહ્યું કે, આજના સમયમાં, માતાપિતા માટે એક મજબૂત સંદેશ છે, આવી ઘટનામાં તમારી પુત્રીનો તાત્કાલિક બચાવ કરો, કારણ કે, ભલે છૂટાછેડા લીધેલી પુત્રી હોય, તે મૃત પુત્રી કરતાં વધુ સારી છે, કે તે તમારી પાસે રહે. ઘણીવાર, આવા કિસ્સાઓમાં, માતાપિતા કહે છે, 'એડજસ્ટ' કરી લે...., ક્યારેક, પુત્રીઓ પોતે પણ કહેતી હોય છે, તેમને થોડો સમય આપવામાં આવે. ક્યારેક આ 'એડજસ્ટમેન્ટ' થઇ પણ જાય છે, અને ક્યારેક નથી થતી. આવા કિસ્સાઓમાં, વ્યક્તિએ સતર્ક રહેવું જોઈએ. મારા મતે, સુપ્રીમ કોર્ટનું કહેવું બિલકુલ સાચું છે કે, મૃત પુત્રી કરતાં છૂટાછેડા લીધેલી પુત્રી તેના માતાપિતા પાસે હોવી વધુ સારી છે.

