- Tech and Auto
- EV વાહન લેતા પહેલા વિચારજો... વિશ્વની મોટી કાર કંપનીઓએ EV ઉત્પાદન અટકાવવા વિચારણા શરૂ કરી
EV વાહન લેતા પહેલા વિચારજો... વિશ્વની મોટી કાર કંપનીઓએ EV ઉત્પાદન અટકાવવા વિચારણા શરૂ કરી
વૈશ્વિક ઓટોમોબાઈલ ઉદ્યોગ એક મહત્વપૂર્ણ વળાંક પર આવી ગયો છે. Honda, Ford, General Motors (GM), Stellantis અને Volkswagen જેવી પ્રતિષ્ઠિત કંપનીઓએ તેમના વિદ્યુત વાહન (EV) યોજનાઓમાં લગભગ 6.5 લાખ કરોડ રૂપિયા (લગભગ ૭૦ અબજ અમેરિકી ડોલર) ના રોકાણોને રાઈટ-ડાઉન કરી દીધા છે. આનો અર્થ એ થાય છે કે આ કંપનીઓએ EV ઉત્પાદનના કેટલાક મોટા પ્લાનને અસ્થાયી રીતે અટકાવી દીધા છે અથવા તેમની વ્યૂહરચના પુનર્વિચારણા કરી રહી છે.
આ નિર્ણયનું મુખ્ય કારણ છે EV ની માંગમાં અચાનક મંદી અને અત્યંત ઊંચા ઉત્પાદન ખર્ચ. વિશ્લેષકો અનુસાર EV વાહનોની કિંમતમાં બેટરીનો હિસ્સો 60 ટકા જેટલો છે. લિથિયમઆયન બેટરીઓ માટે કાચા માલની ઉપલબ્ધતા અને તેના ભાવમાં વધઘટ એક મોટી સમસ્યા છે. ઉપરાંત મોટા ભાગની બેટરી ઉત્પાદન ક્ષમતા ચીન પર આધારિત હોવાથી સપ્લાય ચેઈનમાં અસ્થિરતા આવી છે.

એક મુખ્ય પડકાર ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ છે. યુરોપ અને અમેરિકા જેવા વિકસિત બજારોમાં પણ પૂરતા ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનોની અછત છે જે ગ્રાહકોને લાંબા પ્રવાસ માટે અચકાવે છે. તેમજ EV બેટરીઓના ઉત્પાદન અને નિકાલ પ્રક્રિયાથી પર્યાવરણને નુકસાન થાય છે જેના કારણે કેટલાક ચોક્કસ સમૂહમાં EV ને સંપૂર્ણ પર્યાવરણ ફ્રેન્ડલી માનવામાં અચકાય છે.
આ પરિસ્થિતિને કારણે કંપનીઓ હવે હાઈબ્રિડ વાહનો તરફ વળી રહી છે. જાપાની ઓટો જાયન્ટ ટોયોટાએ વર્ષોથી આ વ્યૂહરચના અપનાવીને સફળતા મેળવી છે. હાઈબ્રિડ વાહનો પેટ્રોલ અને ઇલેક્ટ્રિક એન્જિનનું મિશ્રણ છે જે ઓછા ખર્ચે વધુ માઈલેજ આપે છે અને ચાર્જિંગની જરૂરિયાત ઓછી કરે છે. Ford અને GM જેવી કંપનીઓ પણ તેમના મોટા EV મોડલ્સને મર્યાદિત કરીને હાઈબ્રિડ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ભારતના સંદર્ભમાં આ વૈશ્વિક વલણ મહત્વનું પાઠ છે. ભારત સરકાર FAME-II અને PLI યોજનાઓ દ્વારા EV ઉત્પાદન અને અપનાવવાને પ્રોત્સાહન આપી રહી છે. પરંતુ ભારતમાં પણ ચાર્જિંગ નેટવર્ક, બેટરી રિસાયક્લિંગ અને સ્વદેશી ઉત્પાદન વિકસાવવાની જરૂર છે. જો વૈશ્વિક કંપનીઓ પણ સાવધાની અપનાવી રહી છે તો ભારતીય ઓટોમેકર્સે પણ હાઈબ્રિડ અને EV વચ્ચે સંતુલન જાળવવું જોઈએ.
આ ડેવલપમેન્ટ સૂચવે છે કે EV ટ્રાન્ઝિશન એક રાત્રિમાં નહીં પરંતુ તબક્કાવાર થશે. ટેક્નોલોજીમાં સુધારો જેમ કે સસ્તી અને વધુ કાર્યક્ષમ બેટરીઓ અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. આ સાથે જ પર્યાવરણ અને અર્થતંત્ર વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. હાલમાં હાઈબ્રિડ વાહનો એક વ્યવહારુ વિકલ્પ સાબિત થઈ રહ્યા છે.

