- Agriculture
- ઓછા પાણીએ પકવી મધ જેવી શક્કર ટેટી: ફક્ત 70 દિવસમાં કરી 21 લાખની કમાણી
ઓછા પાણીએ પકવી મધ જેવી શક્કર ટેટી: ફક્ત 70 દિવસમાં કરી 21 લાખની કમાણી
વિકાસના આ યુગમાં સમય સાથે કદમ મિલાવીને આયોજનપૂર્વક આગળ ધપનાર મહેનતું માણસને સફળતા મળે જ છે. રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ યોજાતા કૃષિ મહોત્સવના કારણે ખેડૂતો આજે વિવિધ પાકો થકી આર્થિક રીતે સદ્ધર થયા છે. બનાસકાંઠા જિલ્લાના ઘણા ખેડૂતોએ કૃષિક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નવા રેકોર્ડ બનાવ્યા છે. આ માટે રાજય સરકારની પણ મહત્વની ભૂમિકા રહી છે. ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામના ખેડુત ખેતાજી સોનાજી સોલંકીએ ખેતીમાં પરિવર્તન લાવીને સાત વીઘા જમીનમાં તા. 12 ફે્બ્રુઆરી-2018ના રોજ શક્કર ટેટીનું વાવેતર કર્યુ હતુ. અને એપ્રિલના બીજા અઠવાડીયા ઉત્પાદન પણ લઇ લીધું છે. માત્ર 70 દિવસના ટુંકાગાળામાં રૂ. 21 લાખની આવક શક્કર ટેટીના પાકથી મેળવી છે.
પ્રગતિશીલ ખેડૂત ખેતાજીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, શક્કર ટેટીના વેચાણ માટે બહાર જવું પડતું નથી વેપારીઓની માંગને આધારે જમ્મુ કશ્મીર, રાજસ્થાન અને દેશના જુદા જુદા રાજયોમાં નિકાસ કરવામાં આવે છે. બહારના રાજયોમાં નિકાસ થતી હોવાથી ભાવ પણ સારા મળે છે. તેમણે કહ્યું કે આમ તો બાગયતી ખેતી લીલાછમ્મ વિસ્તારોમાં જ થાય છે પરંતુ ડીસા તાલુકાની જમીન શક્કરટેટીને સારી માફક આવે છે એટલે આટલું માતબર ઉત્પાદન મેળવી શકાયું છે.

ચંદાજી ગોળીયા ગામના ખેડુત ખેતાજી સોલંકીએ માત્ર સાત ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે પરંતુ મોબાઇલ એપ્લીકેશન અને કૃષિના તજજ્ઞોના સંપર્કમાં રહેતા હોવાથી તેમણે બાગાયત ખેતીમાં મહારત હાંસલ કરી છે. ફક્ત સાત વીઘા જમીન ધરાવતા ખેતાજીએ તેમની જમીનમાં રૂ. 1 લાખ 21 હજારનો ખર્ચ કરી રૂ. 21 લાખની કમાણી કરી છે. માત્ર સાત વીઘા જમીનમાંથી અંદાજે 140 ટન જેટલી શક્કર ટેટીનું ઉત્પાદન કર્યું છે એટલું જ નહીં પરંતુ ઉચ્ચ ગુણવતાવાળી ટેટીથી ઊંચા ભાવ પણ મેળવ્યા છે. તેમણે ઉમેર્યું કે, ડીસાથી ગોલ્ડન ગ્લોરી નામની શક્કર ટેટીનું વાવેતર કર્યુ હતું. જે બિયાણર સારુ હોવાથી ઉત્પાદન પણ સારું મળ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં શક્કર ટેટીના માધ્યમથી લોકોને ઠંડક મળે છે.
ખેતાજી સોલંકીએ કહ્યું કે, રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા મને મલ્ચીંગ માટે રૂ. 22,000/-ની સબસીડી આપવામાં આવી છે. વાવણીના સમયે આ પ્રકારની સબસીડી ખેડુતોને કંઇક નવું કરવા બળ અને પ્રેરણા પુરી પાડે છે. તેમણે રાજય સરકારના પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને બાગાયત ખેતી તરફ વાળવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે જેનો ખેડૂતોએ વ્યાપક ઉપયોગ કરી બાગાયત ખેતીના માધ્યમ દ્વારા સારી આવક મેળવી શકાય છે તે વિશે વિચારવું જોઇએ. તેમણે કહ્યું કે, ઇફકો, બાગાયતના અધિકારીઓના માર્ગદર્શનથી અને જૈવિક ખાતરોના ઉપયોગ થકી આટલું સારું ઉત્પાદન લઇ શકાયું છે. મેં આડેધડ રાસાયણીક ખાતરોનો વપરાશ કરી જમીન બગડે તેવો ધંધો કર્યો નથી. છાણ, ગૌમૂત્ર જેવા સેન્દ્રીય ખાતરોનો વધુ ઉપયોગ કર્યો છે જેથી યુરીયા અને ડી.એ.પી.ની પણ જરૂર પડી નથી. તેમણે કહ્યું કે ઓછા પાણીએ સારું ઉત્પાદન મેળવી શકાય તે માટે ડ્રીપ ઇરીગેશન પધ્ધતિથી જ ખેતી કરીએ છીએ. તેમણે કહ્યું ગુજરાત સરકારના સંનિષ્ઠ પ્રયાસોને લીધે રાજયમાં કૃષિ ક્ષેત્રનો વિક્રમજનક વિકાસ થયો છે.

ખેતાજી સોલંકીએ ઉમેર્યું કે, મારા ફાર્મ પર રાજય સરકારની સહાયથી સોલાર લાઇટ ગોઠવવામાં આવી છે. આ સોલાર લાઇટથી ટ્યુબવેલ ચાલે છે અને સિંચાઇ પણ થાય છે. આ સોલાર લાઇટ વ્યવસ્થા ગોઠવવા માટે રાજય સરકાર દ્વારા રૂ.10 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે જેમાં મે ફક્ત રૂ. 37,500/- જ ખર્ચ કર્યો છે. બાકીનો તમામ ખર્ચ સરકાર દ્વારા સહાયરૂપે આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સોલાર પેનલની ટ્યુબવેલથી દિવસે જ પાણી અપાય છે એટલે રાત્રે ઉજાગરા કરવા પડતા નથી અને કંઇ લાઇટબિલ પણ ભરવું પડતું નથી. તેમણે બીજા ખેડુતોને પણ આ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું.

