- Astro and Religion
- ભારતમાં આવી રહ્યું છે Apple Pay! શું GPay અને PhonePeને ટક્કર આપશે? UPI અંગે અનિશ્ચિતતા
ભારતમાં આવી રહ્યું છે Apple Pay! શું GPay અને PhonePeને ટક્કર આપશે? UPI અંગે અનિશ્ચિતતા
આખરે Apple Pay ભારતમાં આવવાનું છે. અહેવાલો અનુસાર, Apple આ વર્ષે ઓક્ટોબરમાં દેશમાં તેની પેમેન્ટ સેવા શરૂ કરી શકે છે. શરૂઆતમાં, Axis Bankના ક્રેડિટ કાર્ડ્સને Apple Pay સાથે જોડી શકાય છે, અને ત્યારબાદ અન્ય બેંકોના કાર્ડ્સ પણ જોડવામાં આવશે. Apple Pay 2014માં અમેરિકામાં લોન્ચ થયું હતું, પરંતુ તેને ભારત આવતા લગભગ 12 વર્ષ લાગી ગયા છે. હવે, કંપની ભારતના ઝડપથી વિકસતા ડિજિટલ પેમેન્ટ્સ માર્કેટમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.
પરંતુ, ભારતમાં Apple Payની શરૂઆત થોડી અલગ હોઈ શકે છે. અત્યારે સામે આવેલી માહિતી અનુસાર, શરૂઆતમાં તેનાથી UPI પેમેન્ટ્સ નહીં કરી શકાય; એટલે કે PhonePe અથવા Google Payની જેમ Apple Payનો ઉપયોગ QR કોડ સ્કેન કરીને પૈસા મોકલવા માટે નહીં થઈ શકે. Apple Payનો ઉપયોગ ખૂબ જ સરળ રહેશે. જો તમારી પાસે Apple Pay સાથે જોડાયેલું કાર્ડ હોય અને દુકાનમાં કોન્ટેક્ટલેસ કાર્ડ મશીન છે, તો iPhone અથવા Apple Watchને મશીનની નજીક લઇ જવા પડશે.
iPhoneમાં Face ID અથવા Touch ID દ્વારા તમારી ઓળખાણ બતાવ્યા બાદ પેમેન્ટ પૂર્ણ થશે. તેના માટે દરેક ટ્રાન્ઝેક્શન માટે માટે અલગ પેમેન્ટ એપ ખોલવાની જરૂર રહેશે નહીં. Apple Pay કાર્ડની વિગતોને ફોનમાં સુરક્ષિત રાખે છે અને પેમેન્ટના સમયે અસલી કાર્ડ નંબર શેર કરતું નથી. એટલે કે, જે ક્રિયા તમે પોતાના ક્રેડિટ કાર્ડને મશીન પર ટેપ કરીને કરો છો, તે જ ક્રિયા iPhone અથવા Apple Watchનો ઉપયોગ કરીને કરી શકાય છે.
અહેવાલો અનુસાર ભારતમાં Apple Payની ભારતમાં શરૂઆત Axis Bankના ક્રેડિટ કાર્ડ્સથી શરૂ થઈ શકે છે. Appleની HDFC Bank અને ICICI Bank સાથે પણ વાતચીત ચાલી રહી છે, પરંતુ આ બેંકો સાથે અત્યારે પેમેન્ટની શરતો અંગેની વાચચીત હજુ પૂર્ણ થઈ નથી. જુલાઈ સુધીમાં Axis Bank પાસે લગભગ 1.63 કરોડ) સક્રિય ક્રેડિટ કાર્ડ્સ હતા. એટલે શરૂઆથ માટે Appleને એક વિશાળ યુઝર બેઝ મળી શકે છે. જોકે, આનો અર્થ એ નથી કે ઓક્ટોબરમાં Apple Pay શરૂ થતાંની સાથે જ દરેક બેંકના કાર્ડ્સ તેમાં જોડાઇ જશે. પ્રારંભિક કેટલાક કાર્ડ્સ અને બેંકો પૂરતું મર્યાદિત હોઈ શકે છે.
અહીં જ ભારત અને અન્ય દેશો વચ્ચેનો મોટો તફાવત સ્પષ્ટ જોવા મળે છે. ભારતમાં, લોકો નાનામાં નાના પેમેન્ટ માટે પણ UPIનો ઉપયોગ કરે છે. ચાની લારી હોય કે મોટી દુકાન, QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવું એ સામાન્ય બાબત બની ગઈ છે. ઓગસ્ટ 2026માં UPI દ્વારા 24.5 અબજથી વધુ ટ્રાન્ઝેક્શન થયા હતા. ડિજિટલ પેમેન્ટ્સમાં UPIની હિસ્સેદારી લગભગ 84 ટકા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
એવામાં, જો Apple Payની શરૂઆત માત્ર ક્રેડિટ કાર્ડથી થાય છે, તો તેનો ઉપયોગ મુખ્યત્વે એવા iPhone વપરાશકર્તાઓ પૂરતો મર્યાદિત રહેશે જેઓ ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ દુકાનમાં કાર્ડ મશીન હોય, તો iPhoneનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકાય છે. પરંતુ, જો દુકાનદારે માત્ર QR કોડ જ લગાવ્યો હોય, તો Apple Pay વડે તે QR કોડ સ્કેન કરીને UPI પેમેન્ટ કરવું શક્ય નહીં હોય.
Apple Payના ભારતમાં આવવા અંગેના તાજેતરના અહેવાલોમાં એક વાત પર સંપૂર્ણપણે સહમતિ નથી. રોઇટર્સના એક અહેવાલ મુજબ, Axis Bankના ક્રેડિટ કાર્ડ્સ સાથે થશે અને UPIનો સપોર્ટનો શરૂઆતના લોંચિંગમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું નથી. બીજી તરફ, બ્લૂમબર્ગના અહેવાલનો ઉલ્લેખ કરીને કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે Apple Pay ભારતમાં UPI સપોર્ટ સાથે લોન્ચ થઈ શકે છે. તેથી, એમ કહેવું વહેલું ગણાશે કે Apple Pay ભારતમાં પ્રથમ દિવસથી જ UPI સુવિધા આપશે. Appleએ હજુ સુધી લોન્ચિંગ અંગેની સંપૂર્ણ વિગતો જાહેર કરી નથી.
Apple માટે ભારત હવે પહેલાં કરતાં ખૂબ મોટું બજાર છે. દેશમાં iPhoneના વેચાણમાં વધારો થયો છે અને પ્રીમિયમ ફોન માર્કેટમાં Appleની મજબૂત પકડ છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, 2022ની સરખામણીમાં ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં Appleનો હિસ્સો વધીને લગભગ 8 ટકા થઇ ગયો છે.
ભારતમાં Apple Payના વિલંબનું એક કારણ અહીંના પેમેન્ટ નિયમો પણ રહ્યા છે. હવે RBIએ હવે કાર્ડ પેમેન્ટ્સમાં Face ID અને Touch ID જેવી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પદ્ધતિઓની મંજૂરી આપી છે. આનાથી Apple માટે પોતાની પેમેન્ટ સેવા શરૂ કરવાનું સરળ બન્યું છે. અત્યારે આવું કહેવું યોગ્ય રહેશે નહીં. PhonePe અને Google Payનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના દ્વારા સીધા UPI પેમેન્ટ કરી શકાય છે. ભારતમાં તેની આદત પહેલેથી જ બની ચૂકી છે.
Apple Payનું શરૂઆતનું મોડેલ ક્રેડિટ કાર્ડ પર રહે છે, તો તે PhonePe અને Google Payની જેમ કામ નહીં કરે; તે મુખ્યત્વે ફોન દ્વારા કાર્ડ પેમેન્ટ કરવાની પદ્ધતિ હશે. જોકે, જો Apple Pay ભવિષ્યમાં UPI સાથે જોડાય છે અને iPhoneથી સીધા જ QR પેમેન્ટ અથવા ટેપ પેમેન્ટની સુવિધા મળે છે, ત્યારે તસવીર બદલી શકે છે.

