- Astro and Religion
- આ ભારતીય 370 દિવસમાં 8600 કિ.મી ચાલીને મક્કા પહોંચ્યો
આ ભારતીય 370 દિવસમાં 8600 કિ.મી ચાલીને મક્કા પહોંચ્યો
કેરળનો એક યુવક 1 વર્ષ અને 5 દિવસ એટલે કે 370 દિવસ સુધી 8600 કિ.મી સુધી ચાલીને સાઉદી અરેબિયામાં આવેલા મક્કા મસ્જિદ પહોંચી ગયો છે. પદયાત્રા ઘણા લોકો કરતા હોય છે, પરંતુ આટલા બધા દિવસો અને આટલા બધા કિ.મીની પદયાત્રા પાગલપન વગર શક્ય નથી. ભારતથી આ વર્ષે લગભગ 1,75,000 લોકો મક્કા પહોંચવાના છે.
કહેવાય છે કે જો ઝુનૂન હોય તો કશું જ અશક્ય નથી. કેરળના આ વ્યક્તિએ કેરળથી હજના પવિત્ર શહેર મક્કા સુધી પગપાળા યાત્રા કરી હતી. ગયા વર્ષે 2 જૂને શરૂ થયેલી આ યાત્રામાં આ વ્યક્તિએ 8600 કિલોમીટરનું અંતર પગપાળા 370 દિવસમાં કાપ્યું હતું. આ પ્રવાસમાં આ વ્યક્તિ પાકિસ્તાન, ઈરાન, ઈરાક, કુવૈત અને છેલ્લે સાઉદી અરેબિયા થઈને પવિત્ર શહેર મક્કા પહોંચ્યો હતો.

કેરળના મલપ્પુરમ જિલ્લાના વલનચેરીમાં રહેતા 29 વર્ષના શિહાબ છોટૂરે 2 જૂન 2022ના દિવસથી હજ કરવા માટે પોતાની મેરોથોન યાત્રા શરૂ કરી હતી. શિહાબ હવે મક્કા પહોંચ્યો છે. પોતાની પગપાળા યાત્રામાં શિહાબે, ભારત, પાકિસ્તાન, ઇરાન, ઇરાક અને કુવૈતની યાત્રા કરી. મે મહિનાના બીજા સપ્તાહમા કુવૈતથી સાઉદી અરબની સરહદ પાર કરી હતી.

સાઉદી અરેબિયામાં પ્રવેશ કર્યા પછી, શિહાબ મદીનાના ઇસ્લામિક તીર્થસ્થળ પહોંચ્યો હતો. મક્કા જતા પહેલા તેણે મદીનામાં 21 દિવસ વિતાવ્યા હતા. શિહાબે મદીના અને મક્કા વચ્ચેનું 440 કિલોમીટરનું અંતર નવ દિવસમાં કાપ્યું હતું. શિહાબે કહ્યું કે, તેની માતે ઝૈનબા સાઉદી આવશે પછી માતા સાથે હજ યાત્રા કરશે.

કેરળનો શિહાબ યૂટ્યૂબર પણ છે. પોતાની આ પદયાત્રાને તેણે નિયમિત રીતે પોતાની ચેનલ પર અપડેટ કરી છે. શિહાબે તેની પગપાળા યાત્રાની દરેક ક્ષણોને કેમેરામાં કેદ કરી છે જે તેણે કેરળથી મક્કા જતા અનુભવી હતી.

ગયા વર્ષે પોતાની યાત્રા શરૂ કરનાર શિહાબ વાઘા બોર્ડર પહોંચ્યો તે પહેલાં તે અનેક રાજ્યોમાંથી પસાર થયો હતો. એ દ્રારા તે પાકિસ્તાનમાં પ્રવેશ કરવા માંગતો હતો. જો કે પાકિસ્તાનમાં પ્રવેશ મેળવવા માટે તેણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શિહાબની પાસા ટ્રાંઝિટ વિઝા નહોતા, એ મેળવવા માટે તેણે મહિનાઓ સુધી રાહ જોવી પડી હતી અને તેને એક સ્કુલમાં રાખવામાં આવ્યો હતો. અંતે તેને પાકિસ્તાનમાંથી વિઝા મળ્યા અને પછી ફરી તેણે સાઉદીની પદયાત્રા આગળ ધપાવી હતી.

