- Sports
- ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...
કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’ ઇજાજ સાવરિયા આનું ઉત્તમ ઉદાહરણ છે. 20 વર્ષીય સાવરિયાએ ક્યારેય પ્રોફેશનલ ક્રિકેટ રમી નથી, પરંતુ હવે IPL 2026ના મિની ઓક્શનમાં તેના નામની પણ બોલી લાગશે. હવે તમે વિચરશો કે આ કેવી રીતે શક્ય બન્યું? તો સાહેબ સોશિયલ મીડિયા છે ને? જેણે ઇજાજ સાવરિયાની આ ઉપલબ્ધિમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. 20 વર્ષીય સાવરિયાએ કશું જ કર્યું નથી, માત્ર ફક્ત ઇન્સ્ટાગ્રામ પર તેની બોલિંગની રીલ્સ બનાવી અને આ જ રીલ્સ બનાવતા-બનાવતા હવે તે IPL ઓક્શનમાં પહોંચી ગયો છે.
ઇજાજ સાવરિયાની ખાસિયત તેની લેગ સ્પિન છે. ઇન્સ્ટાગ્રામ પર તેની લેગ સ્પિન રીલ્સ જોયા બાદ, IPL ફ્રેન્ચાઇઝીઓનું ધ્યાન તેના પર ગયું. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ જેવી ફ્રેન્ચાઇઝીઓનું ધ્યાન ખેંચ્યું, જેના પરિણામે તેનું નામ હવે IPL 2026ની ઓક્શન યાદીમાં સામેલ થયું છે.
https://www.instagram.com/reel/DHiCZQhuqpK/?utm_source=ig_web_copy_link
જમણા હાથનો લેગ-સ્પિનર ઇજાજ સાવરિયા રાજસ્થાનનો છે અને તેણે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન હેઠળ પોતાનું નામ ઓક્શનમાં રજીસ્ટર કરાવ્યું છે. તેણે ક્યારેય ભારત કે રાજસ્થાનનું કોઈપણ સ્તરે પ્રતિનિધિત્વ કર્યું નથી અને તેને કોઈ પ્રોફેશનલ ક્રિકેટનો અનુભવ નથી. જોકે, તે હવે IPL ઓક્શન 2026માં ખેલાડી નંબર 265 બનીને ઉતરવાનો છે. તેના નામની બોલી ચોથા સેટ લગાવવામાં આવશે.
ઇજાજ સાવરિયા વારંવાર ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પોતાના પ્રેક્ટિસ સેશન અને બોલિંગના વીડિયો પોસ્ટ કરે છે. હજારોની સંખ્યામાં તેના ફોલોઅર્સ છે. મોટી વાત એ છેકે ઘણા ભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોએ તેના બોલિંગ વીડિયો પર કોમેન્ટ કરી ચૂક્યા છે, જેમાંથી એક ઇંગ્લેન્ડના રાદિલ રાશિદ પણ છે. આ ઉપરાંત આયર્લેન્ડનો સિમી સિંહ અને ભારતના વિપ્રાજ નિગમ જેવા અન્ય ક્રિકેટરોએ પણ સાવરિયાની પોસ્ટ પર કોમેન્ટ કરી છે. ઇજાજ સાવરિયાએ જયપુરની સંસ્કાર એકેડેમીમાં તાલીમ લીધી છે. તેની રીલ્સે તેને IPL ઓક્શન સુધી પહોંચાડ્યો છે. આશા છે કે હવે 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝવાળા સાવરિયાને પોતાની ટીમ પણ મળી જશે, જેના કારણે તે પહેલીવાર વ્યાવસાયિક ક્રિકેટ રમતો જોવા મળી શકે છે.

