- Business
- 4 દિવસમાં રૂ.21 લાખ કરોડ સ્વાહા! આ 5 કારણે શેરબજારમાં મચી અફરાતફરી
4 દિવસમાં રૂ.21 લાખ કરોડ સ્વાહા! આ 5 કારણે શેરબજારમાં મચી અફરાતફરી
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવની ભારતીય શેરબજાર પર ગંભીર અસર પડી રહી છે. કાચા તેલના ભાવમાં ઉછાળો અને મોંઘવારી વધવાની આશંકા વચ્ચે, બજારમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. શુક્રવારે સેન્સેક્સ સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં ઘટાડા સાથે બંધ થયો હતો. છેલ્લા 4 સત્રોમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ વેલ્યુએશનમાં આશરે રૂ.20.79 લાખ કરોડનો ઘટાડો થયો છે. આ દરમિયાન, આ સપ્તાહમાં સેન્સેક્સ 1600 પોઈન્ટથી વધુ તૂટ્યો છે.
શુક્રવારે BSE સેન્સેક્સ 125.56 પોઈન્ટ એટલે કે 0.17% ઘટીને 73,123.83 પર બંધ થયો. રજાઓને કારણે ટૂંકા રહેલા આ ટ્રેડિંગ સપ્તાહમાં, સેન્સેક્સમાં કુલ 1,605.44 પોઈન્ટ એટલે કે 2.15%નો ઘટાડો નોંધાયો છે. શેરબજારમાં સતત જોવા મળી રહેલા આ ઘટાડાની અસર કંપનીઓના માર્કેટ વેલ્યુએશન પર પણ પડી છે. 16 ઓક્ટોબરે, BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ વેલ્યુએશન રૂ.3,72,62,167.42 કરોડ હતું. ચાર ટ્રેડિંગ સત્રો દરમિયાન, આ આંકડો ઘટીને રૂ.4,51,83,393.14 કરોડ થઈ ગયો છે. આ પ્રકારે વેલ્યૂએશનમાં લગભગ રૂ.20.79 લાખ કરોડનો ઘટાડો થયો છે.
ભારતીય શેરબજારમાં સતત 4 દિવસના ઘટાડા પાછળના 5 મુખ્ય કારણો:
1. પશ્ચિમ એશિયામાં વધતો તણાવ: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ અને સંભવિત અમેરિકા-ઈઝરાયેલી હુમલાની કાર્યવાહીની શક્યતાએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે.
2. કાચા તેલના ભાવમાં ઉછાળો: બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 116.73 ડોલર સુધી પહોંચી ગયા છે, જેના કારણે ભારતમાં મોંઘવારી વધવાની ચિંતા ઊભી થઈ છે.
3. મોંઘવારીનો ડર: તેલના ઊંચા ભાવ અર્થતંત્ર અને કોર્પોરેટ ખર્ચ પર દબાણ લાવી શકે છે, તેવી આશંકાને કારણે બજારમાં વેચવાલી જોવા મળી રહી છે.
4. અમેરિકી શેરબજારોમાં ઘટાડો: અમેરિકી બજારોમાં નબળાઈને કારણે ભારતીય રોકાણકારો સાવચેત બન્યા છે અ વેચવાલીનું દબાણ વધ્યું છે.
5. રૂપિયાનું નબળું પડવું અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો: આ બંને પરિબળોએ રોકાણકારોની ચિંતા વધારી છે અને સ્થાનિક બજાર પર દબાણ ઊભું કર્યું છે.
કાચા તેલના ભાવમાં ઉછાળાથી મોંઘવારીની ચિંતા
શેરબજારમાં ઘટાડાનું એક મુખ્ય કારણ કાચા તેલના ભાવમાં થયેલો તેજ ઉછાળો છે. પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે તેલના પુરવઠામાં વિક્ષેપ આવવાની આશંકાઓ ઊભી થઈ છે. શુક્રવારે, બ્રેન્ટ ક્રૂડ લગભગ 3% વધીને 116.73 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચ્યું, જેણે 116 ડોલરની સપાટી વટાવી દીધી છે. કાચા તેલના ભાવ પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચવાથી રોકાણકારોની ચિંતાઓમાં વધારો થયો છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના રિસર્ચના વેલ્થ મેનેજમેન્ટ હેડ સિદ્ધાર્થ ખેમકાના જણાવ્યા અનુસાર, ભૌગોલિક-રાજકીય તણાવ અને મોંઘું કાચું તેલ ભારતીય બજાર પર દબાણ જાળવી રાખે તેવી શક્યતા છે.
તેલના વધતા ભાવથી મોંઘવારીમાં વધારો થવાનું જોખમ છે, જેની અસર અર્થતંત્ર અને કંપનીઓના ખર્ચ પર પડી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ, રાજદ્વારી વાટાઘાટોમાં રુકાવટ, અને ઈરાનના પરમાણુ તથા લશ્કરી મથકો પર અમેરિકા-ઈઝરાયેલ દ્વારા સંભવિત નવા હુમલાના અહેવાલોએ અનિશ્ચિતતામાં વધુ વધારો કર્યો છે. આ ઉપરાંત, યમનમાં હુથી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયાના તેલ મથકો પર કરવામાં આવેલા હુમલાઓને કારણે પુરવઠા અંગેની આશંકાઓને હવા આપી છે.
ટાટા સ્ટીલ અને અદાણી પોર્ટ્સમાં સૌથી મોટો ઘટાડો
સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાંથી, શુક્રવારે ટાટા સ્ટીલ અને અદાણી પોર્ટ્સના શેરમાં 3% થી વધુનો ઘટાડો જોવા મળ્યો, જે આ સૂચકાંકમાં સૌથી મોટો ઘટાડો હતો. આ ઉપરાંત, ટ્રેન્ટ, ટેક મહિન્દ્રા, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL), ઈન્ડિગો, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેંક, ટાઈટન, બજાજ ફાઈનાન્સ, NTPC, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા. બીજી તરફ, કેટલાક શેરોમાં વધારો જોવા મળ્યો; લાર્સન એન્ડ ટુબ્રો (L&T), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, મારુતિ સુઝુકી ઈન્ડિયા, ઈન્ફોસિસ અને ICICI બેંકના શેર વધારા સાથે બંધ થયા.
રૂપિયાનું નબળું પડવું અને વૈશ્વિક બજારોમાં ઘટાડાની અસર
ઈક્વિરસ વેલ્થના મેનેજિંગ ડિરેક્ટર અંકુર પૂંજ અનુસાર, અમેરિકન શેરબજારોમાં આવેલા ઘટાડાને કારણે ભારતીય રોકાણકારો સાવચેત થઈ ગયા છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે કાચા તેલના વધતા ભાવ અને રૂપિયામાં નબળાઈને કારણે વેચવાલીનું દબાણ વધ્યું છે. તેમણે કહ્યું કે, મોટાભાગના એશિયાઈ બજારોમાં સુધારો જોવા મળ્યો, પરંતુ ભારતમાં મોંઘા ક્રૂડ ઓઇલ અને અમેરિકન બોન્ડ પર વધતી યીલ્ડ (વળતર) જેવા પરિબળોએ સ્થાનિક બજાર પર દબાણ ઊભું કર્યું છે.
જિયો IPO અને આગામી સપ્તાહ માટેના મોટા સંકેત
આગામી સપ્તાહે, રોકાણકારો જિયો પ્લેટફોર્મ્સના શેરબજારમાં લિસ્ટિંગ પર નજીકથી નજર રાખશે. કંપનીના રૂ.30,213 કરોડના IPO માટે 22.19 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે અને તેના શેર 28 ઓક્ટોબરે BSE અને NSE પર લિસ્ટ થશે. આ લિસ્ટિંગ બજારના વ્યાપક વલણ અંગે સંકેત આપી શકે છે. આ ઉપરાંત, રોકાણકારો 27 અને 28 ઓક્ટોબરે યોજાનારી અમેરિકન ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિ બેઠક પર પણ નજર રાખશે.
અમેરિકામાં શરૂઆતી બેરોજગારી દાવા, GDP વૃદ્ધિના આંકડા અને બેંક ઓફ જાપાનના વ્યાજ દર અંગેના નિર્ણય પણ બજારને પ્રભાવિત કરી શકલ છે. કંપનીઓના બીજા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો બજારની દિશા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આગામી સપ્તાહે Paytm, ટાટા કન્ઝ્યૂમર, L&T, મારુતિ સુઝુકી, હિન્દુસ્તાન યુનિલિવર, અદાણી પોર્ટ્સ, ટ્રેન્ટ, સન ફાર્મા અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ સહિતની ઘણી કંપનીઓ તેમના નાણાકીય પરિણામો જાહેર કરશે.
આગામી સમયમાં શેરબજારની ચાલ કેવી રહી શકે છે?
બજારની દિશા નક્કી કરવામાં કાચા તેલના ભાવ, પશ્ચિમ એશિયાના ઘટનાક્રમ, વિદેશી રોકાણકારોની ખરીદ-વેચાણ અને કંપનીઓના પરિણામો બજારની દિશા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો તેલના ભાવ ઊંચા રહે અને ભૌગોલિક-રાજકીય તણાવ વધે છે, તો મોંઘવારીને લઇને ચિંતાઓ બજાર પર દબાણ જાળવી રાખી શકે છે. એવામાં, આગામી સપ્તાહમાં રોકાણકારો વૈશ્વિક સંકેતો અને કંપનીઓના પરિણામો પર નજીકથી નજર રાખશે. જો કે, બજારની અસલી ચાલનું આંકલન કરવા માટે કાચા તેલના ભાવમાં થતા ફેરફારો અને વિદેશી રોકાણકારોનું વલણ પણ બદલાવમાં મહત્ત્વપૂર્ણ હશે.
આગામી સપ્તાહમાં ભારતીય શેરબજારને સંભાળવા માટેના મુખ્ય સંકેતો:
1. કંપનીઓના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો: Paytm, ટાટા કન્ઝ્યૂમર, L&T, મારુતિ સુઝુકી, હિન્દુસ્તાન યુનિલિવર, અદાણી પોર્ટ્સ, ટ્રેન્ટ, સન ફાર્મા અને BEL જેવી કંપનીઓના પરિણામો બજારને દિશા આપી શકે છે. જો કંપનીઓની કમાણી અપેક્ષા કરતા વધુ સારી રહે, તો તે શેરના ભાવને સહારો આપી શકે છે.
2. અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠક: 27-28 ઓક્ટોબરની અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકમાંથી વ્યાજ દરો અંગેના સંકેતો પર નજર રહેશે. જો વ્યાજ દરો અંગે કોઈ રાહત મળવાના સંકેતો મળે, તો વૈશ્વિક બજારોમાં રોકાણકારોનો ઉત્સાહ વધી શકે છે.
3. જિયો પ્લેટફોર્મ્સનું લિસ્ટિંગ: 28 ઓક્ટોબરે જિયો પ્લેટફોર્મ્સના શેરનું લિસ્ટિંગ બજાર માટે એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ હશે. IPને મળેલા સારા પ્રતિસાદ જોતા રોકાણકારો બજારમાં તેના ડેબ્યૂ પર નજર રાખશે.
4. વિદેશી રોકાણકારોની ખરીદી: વિદેશી રોકાણકારો તરફથી જોવા મળતું વેચાણ ઘટે અને તેઓ ફરીથી ભારતીય શેરોમાં રોકાણ કરવાનું શરૂ કરે, તો તે બજાર માટે મહત્ત્વપૂર્ણ રહેશે. વિદેશી રોકાણનું વલણ બજાર માટે મહત્ત્વપૂર્ણ રહેશે.
5. રૂપિયામાં મજબૂતી અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં ઘટાડો: રૂપિયાના મૂલ્યમાં સુધારો અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં ઘટાડો થવાથી વિદેશી રોકાણકારોનો દૃષ્ટિકોણ વધુ સારોબની શકે છે. જોકે, આ પરિબળો ત્યારે જ મદદગાર સાબિત થશે જો આ સકારાત્મક વલણ લાંબા સમય સુધી જળવાઈ રહે.
6. કાચા તેલના ભાવમાં ઘટાડો: જો બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટે અને પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થાય, તો મોંઘવારી અને આયાત બિલ (અંગેની ચિંતાઓ ઘટી શકે છે. આનાથી બજારને રાહત મળવાની અપેક્ષા છે.
7. અમેરિકા અને જાપાનના આર્થિક સંકેત: અમેરિકાના બેરોજગારીના આંકડા, GDP વૃદ્ધિના આંકડા અને વ્યાજ દરો અંગે બેંક ઓફ જાપાનનો નિર્ણય વૈશ્વિક રોકાણકારોના મનોભાવને પ્રભાવિત કરી શકે છે. સકારાત્મક સંકેતો બજારના આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે.

