- Business
- છેલ્લા 12 વર્ષમાં બેંકોએ મોટી કોર્પોરેટ કંપનીઓનું રૂ. 10 લાખ કરોડનું દેવું માંડી વાળ્યું
છેલ્લા 12 વર્ષમાં બેંકોએ મોટી કોર્પોરેટ કંપનીઓનું રૂ. 10 લાખ કરોડનું દેવું માંડી વાળ્યું
છેલ્લા 12 નાણાકીય વર્ષો દરમિયાન દેશની બેંકોએ મોટા કોર્પોરેટ્સ અને સર્વિસ સેક્ટરને આપેલી અંદાજે રૂ. 10 લાખ કરોડ રૂપિયાની લોન માંડી વાળી (રાઈટ-ઓફ કરી) છે. કેન્દ્ર સરકારે સંસદમાં આ અંગેની માહિતી આપી હતી. PTIના અહેવાલ મુજબ, નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ એક લેખિત જવાબમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આંકડા ટાંકીને જણાવ્યું હતું કે મોટા ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર માટે બાકી લોનનો આંકડો નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 63,19,057 કરોડ હતો, જે વધીને નાણાકીય વર્ષ 2025-26માં રૂ. 69,21,734 કરોડ થયો છે.

RBIના ડેટા દર્શાવે છે કે વર્ષ 2018-19માં લોન રાઈટ-ઓફનો આંકડો સૌથી ઊંચી સપાટીએ એટલે કે રૂ. 1,48,753 કરોડે પહોંચ્યો હતો. પંકજ ચૌધરીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, કોમર્શિયલ બેંકો માટે જાહેર કરાયેલી RBIની માર્ગદર્શિકા (રિઝોલ્યુશન ઓફ સ્ટ્રેસ્ડ એસેટ્સ ડિરેક્શન્સ 2025) મુજબ, રાઈટ-ઓફ એ બેંકોની બેલેન્સ શીટને ચોખ્ખી અને સરખી કરવા માટે હાથ ધરવામાં આવતી એક એકાઉન્ટિંગ પ્રક્રિયા છે. માંડી વાળવામાં આવેલી લોનનો મોટો હિસ્સો ટેક્નિકલ, પ્રોડન્શિયલ અથવા રિકવરી હેઠળની એડવાન્સ લોન સાથે જોડાયેલો હોય છે.

ઉલ્લેખનીય છે કે, નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ સંસદમાં માહિતી આપી હતી કે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)એ 30 સપ્ટેમ્બર, 2025 સુધીના છેલ્લા સાડા પાંચ નાણાકીય વર્ષોમાં કુલ રૂ. 6.15 લાખ કરોડથી વધુની લોન રાઈટ-ઓફ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, RBIના ડેટા અનુસાર, સરકારી બેંકોએ છેલ્લાં પાંચ નાણાકીય વર્ષો અને ચાલુ નાણાકીય વર્ષમાં 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં રૂ. 6,15,647 કરોડની લોન માંડી વાળી છે.

