- Business
- ક્વિન્ટ અને NDTV પછી ન્યૂઝ એજન્સી IANS પણ અદાણીએ ખરીદી લીધી
ક્વિન્ટ અને NDTV પછી ન્યૂઝ એજન્સી IANS પણ અદાણીએ ખરીદી લીધી
.jpg)
ગૌતમ અદાણીની અદાણી ગ્રુપે ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા અને NDTV ખરીદી લીધા છે. ગૌતમ અદાણીની અદાણી ગ્રુપે માર્ચ 2022માં ક્વિન્ટની ખરીદી સાથે મીડિયા બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. AMNLએ IANS અને IANSના શેરધારક સંદીપ બામઝાઈ સાથે શેરધારકોનો કરાર પણ કર્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં IANSની આવક 11.86 કરોડ રૂપિયા હતી.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપે, મીડિયા સેક્ટરમાં પોતાનો વિસ્તાર વધારીને, ન્યૂઝ એજન્સી IANS ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં અડધાથી વધુનો હિસ્સો ખરીદી લીધો છે. આ ડીલની રકમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. અદાણી એન્ટરપ્રાઇઝે શેરબજારને જણાવ્યું કે, તેની પેટાકંપની AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડ (AMNL)એ IANS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના 50.50 ટકા ઇક્વિટી શેર ખરીદ્યા છે. આ પહેલા અદાણી ગ્રુપ ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા અને NDTV ખરીદી ચૂક્યું છે.
ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા માર્ચ 2022માં ખરીદવામાં આવ્યું હતું અને તેની સાથે અદાણી જૂથે મીડિયા બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ BQ પ્રાઇમનું સંચાલન કરે છે. ત્યારપછી, ડિસેમ્બર 2022માં, AMNLએ બ્રોડકાસ્ટર NDTVમાં આશરે 65 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો.
ફાઇલિંગમાં વધુમાં જણાવાયું છે કે, AMNL એ IANS અને IANSના શેરધારક સંદીપ બામઝાઈ સાથે IANS સંબંધિત શેરધારકોનો કરાર પણ કર્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં IANSની આવક 11.86 કરોડ રૂપિયા હતી. અદાણી એન્ટરપ્રાઈઝ વતી, એવું કહેવામાં આવ્યું છે કે IANSનું તમામ ઓપરેશનલ અને મેનેજમેન્ટ નિયંત્રણ AMNL પાસે રહેશે. AMNL પાસે IANSના તમામ ડિરેક્ટરોની નિમણૂક કરવાનો પણ અધિકાર હશે. આ ખરીદી પછી, IANS હવે AMNLની પેટાકંપની છે.
નવેમ્બર મહિનામાં સમાચાર આવ્યા કે NDTV એ તેની બિઝનેસ ન્યૂઝ ચેનલ NDTV પ્રોફિટને 6 વર્ષ પછી ફરી શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ માટે કંપનીના બોર્ડની મંજૂરી મળી ગઈ છે. સ્ટોક એક્સચેન્જોને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે ચેનલ 8 ડિસેમ્બર 2023થી શરૂ થશે. NDTV પ્રોફિટ 1 જૂન 2017ના રોજ બંધ કરી દેવામાં આવ્યો હતો.