- Business
- ગુજરાત બનશે ગ્લોબલ ચિપ હબ: PM મોદી 31 માર્ચે સાણંદમાં પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
ગુજરાત બનશે ગ્લોબલ ચિપ હબ: PM મોદી 31 માર્ચે સાણંદમાં પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના મિશનમાં 31 માર્ચે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચ, 2026 ના રોજ અમદાવાદ પાસે આવેલા સાણંદ GIDC ખાતે કેન્સ સેમિકોન (Kaynes Semicon) ના અત્યાધુનિક OSAT (આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ) પ્લાન્ટનું લોકાર્પણ કરશે.
આ પ્રોજેક્ટ અંદાજે ₹3,300 કરોડ ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં દરરોજ અંદાજે 60 લાખ ચિપ્સ બનાવવાની ક્ષમતા છે. અહીં સેમિકન્ડક્ટર ચિપ્સનું ટેસ્ટિંગ અને પેકેજિંગ કરવામાં આવશે, જે ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં અત્યંત મહત્વનો તબક્કો છે. શરૂઆતમાં અહીં એડવાન્સ 'ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ' (IPMs) બનાવવામાં આવશે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો (EV) અને ઔદ્યોગિક ઉપકરણોમાં થાય છે.

એક સમયે ઓટોમોબાઈલ હબ તરીકે જાણીતું સાણંદ હવે વિશ્વના નકશા પર 'ચિપ પેકેજિંગ ક્લસ્ટર' તરીકે ઉભરી રહ્યું છે. તાજેતરમાં જ ફેબ્રુઆરીમાં માઈક્રોન (Micron) ના પ્લાન્ટ બાદ, કેન્સ સેમિકોનનો આ બીજો મોટો પ્લાન્ટ કાર્યરત થવાથી ગુજરાત સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનમાં મોખરે આવ્યું છે.
https://twitter.com/infogujarat/status/2038144980074787126?s=46
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત માત્ર ફેક્ટરીઓ સ્થાપવા માંગતું નથી, પરંતુ સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવા માંગે છે. ડિઝાઇનથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધી, આપણે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યા છીએ.
આ પ્લાન્ટના પ્રારંભથી સ્થાનિક સ્તરે હજારો એન્જિનિયરો અને ટેકનિશિયનો માટે નવી તકો ઊભી થશે. આ ઉપરાંત, આ પ્લાન્ટમાંથી તૈયાર થયેલી ચિપ્સ અમેરિકાની જાણીતી કંપની 'આલ્ફા એન્ડ ઓમેગા સેમિકન્ડક્ટર' (AOS) ને સપ્લાય કરવામાં આવશે, જે ભારતની નિકાસ શક્તિમાં પણ વધારો કરશે.
PM મોદીનો ગુજરાત પ્રવાસ: અન્ય કાર્યક્રમો
સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન સિવાય, વડાપ્રધાન આવતીકાલે નીચે મુજબના અન્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપશે:
- ગાંધીનગર: સવારે 10 વાગ્યે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન.
- વાવ-થરાદ: બપોરે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, જેમાં રેલવે, હાઈવે અને આરોગ્ય ક્ષેત્રના ₹20,000 કરોડ થી વધુના પ્રોજેક્ટ્સ સામેલ છે.

