- Business
- હોર્મુઝ બંધ છતા ભારતમાં નો ટેન્શન કેવી રીતે... સરકારનો ‘થાર પ્લાન’ એક્ટિવ
હોર્મુઝ બંધ છતા ભારતમાં નો ટેન્શન કેવી રીતે... સરકારનો ‘થાર પ્લાન’ એક્ટિવ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે હોર્મુઝ જળમાર્ગ બંધ થતાં સમગ્ર વિશ્વમાં તેલ અને ગેસનું ગંભીર સંકટ ઊભું થયું છે. પાકિસ્તાન, બાંગ્લાદેશથી લઈને વિયેતનામ અને બ્રિટન સુધી તેના અસરકારક પ્રભાવ જોવા મળ્યા છે. ભારત પર પણ તેનો અસર પડ્યો છે, પરંતુ કેન્દ્ર સરકારે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે ‘થાર પ્લાન’ને સક્રિય કરી દીધો છે.
હોર્મુઝ જળમાર્ગ બંધ થવાથી ઉભી થયેલી સપ્લાયની સમસ્યાને પહોંચી વળવા માટે ભારતે હવે રાજસ્થાનના થાર રણ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અહીં આવેલા ઓઈલ ફીલ્ડમાંથી કાચા તેલના ઉત્પાદનને વધારવામાં આવ્યું છે. પશ્ચિમ એશિયામાં વધેલા તણાવને કારણે સપ્લાયમાં અનિશ્ચિતતા વચ્ચે, સરકારની કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા થાર રણ વિસ્તારમાં તેલ ઉત્પાદન વધારવામાં નોંધપાત્ર સફળતા મળી છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, જોધપુરની બલુઆ પથ્થર રચનામાંથી હવે દરરોજ 1,202 બેરલ કાચા તેલનું ઉત્પાદન થઈ રહ્યું છે. ગયા વર્ષે આ આંકડો 705 બેરલ પ્રતિ દિવસ હતો. એટલે કે, વૈશ્વિક તેલ સંકટ વચ્ચે અહીંથી લગભગ 70% વધુ ઉત્પાદન થઈ રહ્યું છે.

ઓઈલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા જેસલમેરના બાઘેવાલા તેલ ક્ષેત્રમાંથી કાચું તેલ ટેન્કરો દ્વારા ગુજરાતના મહેસાણા ખાતે આવેલી ONGCના પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાંથી આ તેલ પાઇપલાઇન દ્વારા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન સંચાલિત રિફાઇનરી સુધી મોકલવામાં આવે છે.
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રાજસ્થાન વિસ્તારમાંથી 43,773 મેટ્રિક ટન કાચા તેલનું ઉત્પાદન થયું છે, જે ગયા વર્ષના 32,787 મેટ્રિક ટન કરતા વધુ છે.
ઈરાન દ્વારા હોર્મુઝ જળમાર્ગ બંધ કરાતા ભારત સહિત એશિયાના મોટા બજારોમાં તેલ સપ્લાય પર અસર પડી છે. તેમ છતાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે દેશની સપ્લાય જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે, કાચા તેલનો જથ્થો પૂરતો છે અને દેશભરના પેટ્રોલ પંપ પર પૂરતી સપ્લાય ઉપલબ્ધ છે.

એક અધિકારીએ જણાવ્યું કે થાર રણ જેવા મુશ્કેલ ભૂગર્ભીય પરિસ્થિતિ ધરાવતા વિસ્તારમાં ઉત્પાદન વધારવું ભારત માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ ભારતની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે ગેરપરંપરાગત સ્ત્રોતોની ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે.
બિકાનેર-નાગૌર સબ-બેસિનમાં આવેલું બાઘેવાલા ઓઈલ ફિલ્ડ ભારતનું એક મહત્વનું ઓનશોર હેવી ઓઈલ ફિલ્ડ છે. અહીં કુલ 52 કૂવા છે, જેમાંથી 33 હાલમાં કાર્યરત છે. ઓઈલ ઈન્ડિયા લિમિટેડે 19 કૂવાઓમાં CSS (સાયક્લિક સ્ટીમ સ્ટિમ્યુલેશન) કામગીરી પૂર્ણ કરી છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 72% વધુ છે. ઉપરાંત 13 નવા કૂવા ખોદવામાં આવ્યા છે, જે અગાઉના 9 કૂવા કરતા વધારે છે.

અહીં કાચું તેલ વધુ ચીકણું (high viscosity) હોવાથી તે કાઢવું મુશ્કેલ હોય છે. આ માટે કંપનીએ CSS (Cyclic Steam Stimulation) ટેકનોલોજી, ડાયલ્યુએન્ટ ઈન્જેક્શન અને આર્ટિફિશિયલ લિફ્ટ સિસ્ટમ જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવી છે. બાઘેવાલા વિસ્તારમાં 2017થી સતત કાચા તેલનું ઉત્પાદન ચાલી રહ્યું છે. આ રીતે વૈશ્વિક સંકટ વચ્ચે ભારતે ‘થાર પ્લાન’ દ્વારા ઊર્જા સુરક્ષામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે અને સ્વાવલંબનની દિશામાં આગળ વધી રહ્યું છે.

